દેશભરનાં આંગણવાડી કર્મચારીઓનાં 15મીએ ધરણા
વિવિધ પાંચ માંગણીઓને લઈ વડાપ્રધાન-મુખ્યમંત્રીઓને અપાશે આવેદન
ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ ગુજરાત પ્રદેશની કારોબારી તાજેતરમાં રાજકોટ ખાતે નિરૂબેન ઉપાધ્યાયનાં અધ્યક્ષ સ્થાને મળી ગઈ. આ બેઠકમાં ગુજરાતમાં કામ કરતી આંગણવાડી વર્કર તથા હેલ્પરોનાં પ્રશ્ર્નો અંગે વિસ્તારપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવી. આ ઉપરાંત અખિલ ભારતીય આંગણવાહી કર્મચારી મહાસંઘ (બીએમએસ)ની ભોપાલ ખાતે મળેલ મીટીંગમાં લેવામાં આવેલ નિર્ણયની સંપૂર્ણ જાણકારી સરસ્વતીબેન જેઠવાએ આપેલ હતી. આ નિર્ણય મુજબ તા.15.2ના રોજ દેશભરમાં આંગણવાડી કર્મચારીઓ જીલ્લા કેન્દ્ર પર ધરણા કરશે અને કલેકટર ને આવેદન પત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ તથા રાજયનાં મુખ્યમંત્રીને આપવામાં આવશે.
આંગણવાડીમાં કામ કરતા કર્મચારીઓને સરકારી કર્મચારી જાહેર કરવા અને લાગુ પડતી કેટેગરીમાં ગોઠવી સામાજીક સુરક્ષા આપવી., ભારત સરકાર દ્વારા નકકી કરવામાં આવેલ લઘુતમ વેતન નકકી કરી કાર્યકરોને માસીક રૂા.18000 તથા હેલ્પરોને રૂ.9000 આપવામાં આવશે., નવી શિક્ષણ નીતિ અંતર્ગત દેશના તમામ આંગણવાડી કેન્દ્રોને પ્રાથમિક પાઠશાળા તરીકે માન્યતા આપી તેમાં કામ કરતી કાર્યકરોને પૂર્વ પ્રાથમિક શિક્ષીકા અને હેલ્પરને પૂર્વ પ્રાથમિક સહાયક શિક્ષીકા તરીકે હોદા આપવા., આંગણવાડીમાં કામ કરતા તમામ કર્મચારીઓનાં પી.એફ. પેન્શન ગ્રેચ્યુટી તથા મેડીકલ સુવિધા ઉપરાંત પરચૂરણ, રજા, હકક, રજા, માંદગીની રજા તથા તહેવારોની રજા આપવા જેવી વિવિધ માંગણીઓ કરવમાં આવશે.
ગુજરાત મહાસંઘની બેઠકમાં કાર્યાધ્યક્ષ હેમલતાબેન પટેલ, મહામંત્રી શર્મિષ્ઠાબેન જોષી, ભારતીય મઝદૂર સંઘ ગુજરાત પ્રદેશ મહિલા મંત્રી રેખાબેન ભીલ, મઝદૂર સંઘના પ્રદેશ અધ્યક્ષ વાલજીભાઈ ચાવડા, ખજાનચી વી.પી. પરમાર તથા ભા.મ.સંઘના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ હસુભાઈ દવે વિગેરે હાજર રહી માર્ગદર્શન આપેલ હતુ. આ કાર્યક્રમની તમામ વ્યવસ્થા રાજકોટ આંગણવાડી મહામંત્રી ભાવિકાબેન ચાઉ તથા વિભાગ ઉપાધ્યક્ષ સરલાબેન રાઠોડ, ભા.મ.સંઘના મુસાભાઈ જોબન, હરિભાઈ પરમારે કરેલ હતી.