રાજયની 1800 મિનિ આંગણવાડી કેન્દ્રોને રેગ્યુલર આંગણવાડીમાં ક્ધવર્ટ કરાશે: તલાટી મંત્રીઓ માટે પણ મહત્વપૂર્ણ નિર્ણય
આંગણવાડીઓના કાર્યકરોના વેતનમાં રૂ. 2200 અને તેડાગરના પગારમાં રૂ. 1550 નો વધારો કરાયો છે. તલાટી મંત્રીઓના હિતમાં પણ રાજય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
મહિલાઓના સર્વાંગી વિકાસ માટે અને આર્થિક ઉત્થાન માટે રાજ્ય સરકાર હર હંમેશ પ્રયત્નશીલ છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યની આંગણવાડી તેડાગર અને આંગણવાડી કાર્યકરના માનદ વતનમાં નોંધપાત્ર વધારો કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. જ્યારે રાજ્યની 1800 મીની આંગણવાડી કેન્દ્રોને રેગ્યુલર આંગણવાડી કેન્દ્રમાં પણ ક્ધવર્ટ કરવામાં આવશે. તેમ રાજય સરકારના પ્રવકતા મંત્રી જીતુભાઇ વાધાણીએ જણાવ્યું હતું.
તેઓએ ઉમેર્યુ હતું કે, આંગણવાડી કાર્યકરને હાલ રૂ.7800 માનદ વેતન અપાતું હતું તેમાં રૂ.2200નો વધારો કરીને રૂ.10,000 માનદ વેતન ચૂકવાશે. એ જ રીતે આંગણવાડી તેડાગરને હાલ રૂ.3950 માનદ વેતન ચૂકવાતું હતું એમાં રૂ.1550નો વધારો કરીને હવે રૂ.5500 ચૂકવવામાં આવશે. આ માટે રાજય સરકાર રૂ.230.52 કરોડનો વધારાનો ખર્ચ કરશે. આ નિર્ણયને પરિણામે 51,229 આંગણવાડી કાર્યકર અને 51,229 આંગણવાડી તેડાગર માનદ કર્મીઓ અને તેમના પરિવારજનો ને લાભ થશે.
1800 મીની આંગણવાડી કેંદ્રને રેગ્યુલર આંગણવાડીમાં ક્ધવર્ટ કરવાના આ નિર્ણયથી મીની આંગણવાડી કાર્યકરની જગ્યાને આંગણવાડી કાર્યકરની જગ્યામાં અપગ્રેડ કરવામાં આવેલ છે. આ જગ્યા માટે સરકારને વધારાનો રુ.18.82 કરોડનો વાર્ષિક ખર્ચ આવશે.
ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રમુખ અરુણભાઈ મહેતા, આંગણવાડી કર્મચારી સભા, ગુજરાત પ્રદેશના પ્રમુખ સી.એમ પટેલ, ભારતીય મજદૂર સંઘના મહામંત્રી વી.પી પરમાર તેમજ અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘના પ્રમુખ કિરણકુમાર કવિ સહિતના તમામ સંગઠનો દ્વારા રાજ્ય સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયને આવકારવામાં આવ્યો છે અને આ નિર્ણય લેવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ મંત્રીમંડળની કમિટીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ મંત્રી બ્રિજેશ મેરાજાએ પંચાયતના તલાટી કમ મંત્રીઓના હિતમાં નિર્ણય લીધો છે. ર006 પહેલા સિધી ભરતીથી નિમણુંક પામેલ તલાટી કમ મંત્રીઓની ફિકસ પગાર (પાંચ વર્ષ) ની સેવા, બઢતી, પ્રવરતા, ઉચ્ચતર પગાર ધોરણ તથા નિવૃતિ વિષયક લાભો માટે સેવા તરીકે ગણવાનો નિર્ણય ભુપેન્દ્રભાઇ પટેલની સરકારે લીધેલ છે. આમ, રાજયના હિતમાં કાંઇ વિવિધ આંદોલનો ચાલી રહેલ છે તેનું પણ સુખદ નિરાકરણ લાવવા રાજય સરકાર મકકમ છે.