- વર્ષ 2024-25માં 58.32 કરોડ રૂપિયાના ખર્ચે 5-જી સ્માર્ટ ફોન આપવામાં આવશે.
- મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 1 એપ્રિલથી અમલ થાય તે રીતે આ યોજનાને મંજૂરી આપવામાં આવી છે
અબતક, રાજકોટ ન્યૂઝ : આંગણવાડી વર્કર બહેનોને વર્ષ 2024-25માં 58.32 કરોડ રૂપિયાના ખર્ચે 5-જી સ્માર્ટ ફોન આપવામાં આવશે. આંગણવાડીમાં કામ કરતી મહિલા કાર્યકરોની સેવાઓ વધુ સુચારૂ બનાવવા અને રીયલ ટાઇમ મોનિટરીંગ કામગીરી માટે સ્માર્ટ ફોનનો ઉપયોગ કરવામાં આવે છે.
રાજ્ય સરકારે આ વખતે ફોન ખરીદીને આપવાના બદલે પૈસા ડીબીટીથી ટ્રાન્સફર કરવા કેન્દ્ર સરકારની મંજૂરી માગી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 1 એપ્રિલથી અમલ થાય તે રીતે આ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્ર સરકારના 60 ટકા અને રાજ્ય સરકારના 40 ટકા હેઠળની આ યોજનામાં પ્રતિ નંગ 10 હજાર રૂપિયાની મર્યાદામાં સ્માર્ટ ફોન આપવામાં આવશે. રાષ્ટ્રીય પોષણ અભિયાન અંતર્ગત તમામ આંગણવાડી કેન્દ્રમાં વર્કર બહેનોને આંગણવાડીની વિવિધ કામગીરીની નોંધ કરવા અને રીયલ ટાઇમ મોનિટરીંગ માટે 5-જી સ્માર્ટ ફોન આપવામાં આવે છે. કેન્દ્ર સરકારના 34.99 કરોડ અને રાજ્ય સરકારના 23.33 કરોડ મળીને કુલ 58.32 કરોડ રૂપિયા ફાળવાયા છે.
જો કે રાજ્ય સરકાર દ્વારા સ્માર્ટ ફોન ખરીદીને આપવાના બદલે ડીબીટી યોજના હેઠળ રકમ ફાળવણી કરવા માટે ભારત સરકારની મંજૂરી માગવામાં આવી છે. તે મુજબ મંજૂરી મળ્યા પછી લાભાર્થી બહેનોને રકમ ટ્રાન્સફર કરવામાં આવશે. આંગણવાડીમાં બાળકોને અપાતા પોષક આહારની માહિતી, બાળકોની સંખ્યા વિગેરે તેમાં નોંધવામાં આવે છે.