જામનગર સીમ વિસ્તારના શ્રમયોગીના ૧૭૬ બાળકો શિક્ષણ અને પોષક આહાર મેળવી ઉજજવળ ભવિષ્ય તરફ અગ્રેસર
જામનગર જિલ્લામાં પણ જામનગર જિલ્લાના મોટી ખાવડી અને જોગવડ વિસ્તારમાં ગ્રામવિસ્તારથી દુર સતીવાડી અને રાજદૂતનગર જેવા સીમ વિસ્તારોમાં ખેત મજુરો, ખાવડીમાં રિલાયન્સ જેવા ઉદ્યોગોમાં કાર્યરત મજુરોના બાળકો પણ આ જ ભારતના ભવિષ્યનો ભાગ છે અને આ ભાગને મજબૂત કરવા માટે ગુજરાત સરકારના જામનગર ખાતેના પંચાયત વિભાગ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા સંયુક્ત રીતે બાળકોને શિક્ષણ પૂરુ પાડવા માટે આંગણવાડી ઓન વ્હીલ મોબાઈલ આંગણવાડીના પ્રોજેક્ટનો શુભારંભ જાન્યુઆરી માસથી કરવામાં આવ્યો હતો. જેમાં બે માસમાં જ બંને સ્થળો પરની આંગણવાડીમાં થઈ કુલ ૧૭૬ જેટલા બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે. આ બાળકોને બન્ને સ્થળ પરની સૂર્યઉર્જાથી ચાલતી આંગણવાડી બસોમાં વીજળી, પંખાની સુવિધાઓ સાથે અભ્યાસ કરાવવામાં આવે છે. મહત્તમ વાલીઓએ બાળકોને ભણાવવામાં આવતું ગીત વ્હીલસ ઓન ધ બસ ગો રાઉન્ડએન્ડ રાઉન્ડ સાંભળ્યું જ હશે પરંતુ આ આંગણવાડીના બાળકો તો તે બસમાં જ ખૂબ જ ઉત્સાહથી અભ્યાસ કરે છે.
સતીવાડી અને રાજદૂતનગર વિસ્તારમાં આદિવાસી ખેતમજુરો તેમજ અન્ય રાજ્યમાંથી આવેલ મોટા ઉદ્યોગોમાં કામ કરતા મજૂરો વસે છે. આ વિસ્તારના બાળકો માતા-પિતાના મજુરીકામના કારણે શિક્ષણ મેળવવા દૂર આંગણવાડીમાં જઈ શકે તેવી સ્થિતિ ધરાવતા નહોતા, ત્યારે તંત્ર અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા બાળકોના શિક્ષણ અને સાથે જ સ્વાસ્થ્ય અંગે બાળકોની સ્થિતિ સુધારવા, તેમના ભવિષ્યને ઉત્કૃષ્ટ બનાવવા એસ.ટી. બસોને બાળકો અનુકૂળ બનાવી સંપૂર્ણ ચાઈલ્ડ ફ્રેન્ડલી મોડીફાય કરી તેમના ઘર આસપાસ નજીક તેમને આંગણવાડી મળી રહે તેવી સુવિધાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ આંગણવાડીઓમાં બાળકોને નવતર અભિગમ સાથે શિક્ષણ અને પૌષ્ટિક નાસ્તો ઉપલબ્ધ કરાવવામાં છે. જેમાં તંત્ર દ્વારા સુખડી, વઘારેલા ભાત વગેરે પોષક નાસ્તો અને રિલાયન્સ દ્વારા પણ સુકો નાસ્તો આપવામાં આવે છે.
અહીં અભ્યાસ કરતા દરેક બાળકની શાળા આરોગ્ય ચકાસણી અભિયાન અંતર્ગત આરોગ્ય તપાસ પણ પૂર્ણ થયેલ છે. આંગણવાડીઓમાં કાર્યરત આંગણવાડી કાર્યકરો પ્રજ્ઞાબા જાડેજા અને મયુરીબેન વૈરાગી બાળકોના ભવિષ્યના નિર્માણમાં માતૃલાગણી સાથે જોડાઈ સતત સમર્પિત કાર્ય કરી રહ્યા છે. આંગણવાડીમાં અભ્યાસ કરતી બાળકીએ જણાવ્યું કે, ‘મને અહીં આવવું બહુ ગમે છે, મારા ટીચર અહીંયા બોલાવે છે, લખાવે છે તે મને બહુ ગમે છે.’ બાળકીની કાલીઘેલી ભાષામાં બોલાયેલા શબ્દ ‘બહુ ગમે છે’ તે આ પ્રોજેકટની સફળતા છે.