અમદાવાદની અંબાલાલ હરગોવનદાસ પટેલ આંગડીયા પેઢીના કર્મચારી પર ફાયરિંગ કરી હત્યા કરી રુા.2.50 કરોડના હીરા-ઝવેરાતની લૂંટ ચલાવવાના ગુનાના સુત્રધારને છ વર્ષે ઉતર પ્રદેશ ગ્યાનપુર ખાતેથી ઝડપી લેવામાં અમદાવાદ વટવા પોલીસને સફળતા મળી છે.
અંબાલાલ હરગોવનદાસ પટેલ આંગડીયા પેઢીના કર્મચારી અરવિંદભાઇ પટેલ ગત તા.16-2-18ના રોજ આશ્રમ રોડ પર ઇન્કમટેક્ષ સર્કલ પાસે વહેલી સવારે હીરા-ઝવેરાત સાથેના પાર્સલની ડીલીવરી માટે ગયા હતા ત્યારે બે બાઇક પર આવેલા ચાર અજાણ્યા શખ્સોએ પિસ્તોલમાંથી માથામાં ગોળી મારી રુા.2.50 કરોડની આંગડીયા લૂંટ ચલાવી ભાગી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.
હીરા-ઝવેરાતની લૂંટના ગુનામાં છ શખ્સો ઝડપાયા બાદ સુત્રધાર નામ બદલી પંજાબમાં વેપારી બની ગયો: છ વર્ષ બાદ વતનમાં આટો દેવા આવતા અમદાવાદ વટવા પોલીસે ઝડપી લીધો
પોલીસે આશુ યાદવ, મકસુદ આલમ ઉર્ફે રાણા, રજનીશ ધોબી, કિરીટસિીંહ ઉર્ફે હકા અને પ્રદિપ ગૌતમની ધરપકડ કરી હતી. જ્યારે પિસ્તોલમાંથી ફાયરિંગ કરી અરવિંદ પટેલની હત્યા કરી લૂંટનો મુદામાલ સાથે ફરાર થયેલા સુત્રધાર મોહંમદ શક્લિ ઉર્ફે કકકુ મોહમ્મદ સુબરાતી ફરાર થઇ ગયો હતો.
અમદાવાદ એસીપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગ દર્શન હેઠળ વટવા પોલીસ મથકના પી.આઇ. કે.એ.ગઢવી અને એમ.એસ.ત્રિવેદી સહિતના સ્ટાફે ઉત્તર પ્રદેશના અકબરપુર નજીક આવલા ગયાનપુર ગામના મોહંમ્મદ શક્લિ ઉર્ફે કકકુ મોહમ્મદ સુબરાતીને ઝડપી લીધો છે. મોહંમદ શક્લિ અમદાવાદમાં આંગડીયા લૂંટ ચલાવ્યા બાદ પંજાબના લુધિયાણા રહેવા જતો રહ્યો હતો એ ત્યાં પોતાનું નામ બદલી પડદા અને કારપેટની દુકાન શરુ કરી વેપારી બની રહેતો હોવાથી લાંબા સમયથી વોન્ટેડ હતો પરંતુ તે છ વર્ષ બાદ પોતાના વતનમાં ઉતરપ્રદેશ આવ્યાની બાતમીના આધારે ઝડપી લેવામાં આવ્યો છે.