સુરત શહેરના અડાજણ વિસ્તારમાં રહેતા વ્રજેશ નવિનંચંદ્ર શાહ(ઉ.વ.આ.42)ને 12મી મેના રોજ ખેંચ આવ્યા બાદ હોસ્પિટલમાં બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યાં હતાં. બાદમાં પરિવારે વ્રજેશના અંગોનું દાન કરવાનો નિર્ણય કરેલો. સુરત જ નહીં ગુજરાતમાં પ્રથમ વખત ફેફસાનું દાન કરવામાં આવ્યું.
વ્રજેશના ફેફસા સુરતથી બેંગાલૂરુનું 1293 કિ.મી નું અંતર 195 મીનીટમાં કાપીને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. જ્યારે હ્રદય 90 મિનીટમાં મુંબઈમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું. વ્રજેશના અંગોથી સાત વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.
અડાજણ પાલનપોર કેનાલ રોડ પર રહેતા તથા આઈટી ટ્રેનિંગ એકેડમી ચલાવતાં વ્રજેશને 12 મે ના રોજ માથું દુખવાની, બેચેની લાગવાની ફરિયાદ કરતાં તેમજ બ્લડ પ્રેસર વધી જતાં બપોરે અઢી વાગ્યે હોસ્પીટલમાં ફિજીશિયન ડોકટર ની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા. રાત્રે 10 વાગ્યે ખેંચ આવી હતી.
બેભાન થઈ જતાં નિદાન માટે સીટી સ્કેન કરાવતા મગજની નસ ફાટી જવાને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું.15 મેના રોજ વ્રજેશને બ્રેનડેડ જાહેર કરાયા હતાં. બાદમાં ડોનેટ લાઈફની ટીમે પરિવારજનોને અંગદાન અંગે સમજાવ્યાં હતાં. પરિવારે પણ અંગદાનનો નિર્ણય લીધો હતો.