અકસ્માતમાં મોતને ભેટેલા ૨૪ વર્ષના યુવાનનું અંગદાન અનેક પરીવારોને ખુશાલી લાવશે: મુખ્યમંત્રીએ અંગત રસ લઈ ટ્રાન્સપ્લાન્ટ માટે વ્યવસ્થા કરી

અંગદાનને મહાદાન ગણવામાં આવે છે. એક વ્યકિતએ કરેલું અંગદાન ૭ લોકોને નવજીવન આપી શકે છે જેથી અંગદાનને મહાદાન ગણવામાં કોઈ અતિશયોકિત નથી. વર્ષે અનેક લોકો કિડની, લીવર સહિતના અંગ ફેઈલ થઈ જતા મોતને ભેટે છે આવા કિસ્સામાં દર્દીના પરીવારો પણ ખેદાન-મેદાન થઈ જાય છે.

માટે અંગદાન કરવાના હેતુથી મહાઅભિયાન છેડાયું છે. રાજકોટમાં ઘણી સંસ્થાઓ અંગદાનનું મહત્વ સમજાવી લોકોને અંગદાન માટે પ્રેરણા આપે છે. જેના કારણે અનેક લોકોની જિંદગી બચી ગઈ છે. આવો કિસ્સો તાજેતરમાં જ નોંધાયો છે જેમાં ૨૪ વર્ષના યુવાનના અંગદાનથી ૭ લોકોને નવજીવન મળવા જઈ રહ્યું છે.

ભાદર ડેમ પાસેનાં લીલાખા ગામનાં વતની જેરામભાઈ હડીયાનાં ૨૪ વર્ષીય પુત્ર હાર્દિકને શાપર પાસે અકસ્માતમાં ગંભીર ઈજા થતાં બ્રેઈન ડેડ થયેલ. તેમનાં માતાપિતાએ વહાલસોયા પુત્રને મૃત્યુ પછી પણ જીવાડવા ખૂબ જ નાજુક સમયે ખૂબ જ મોટો નિર્ણય એવો અંગદાનનો નિર્ણય લીધેલ. બે કીડની થકી બે લોકોને નવજીવન મલશે, ૧ લીવરનાં બે ભાગ દ્વારા પણ ૨ વ્યક્તિને નવજીવન મળશે, સ્વાદુપિંડ દ્વારા ૧ અને ચક્ષુદાન દ્વારા ૨ વ્યક્તિ, આમ કુલ ૭-૭ વ્યક્તિને નવજીવન મલશે.

પરિવારજનોની પ્રબળ ઈચ્છા હતી કે દિકરાનાં હ્રદયનાં ધબકારા બીજા શરીરમાં સાંભળવા મળે, પણ રેસીપીયન્ટની તબિયત બગડતાં સૌરાષ્ટ્રનું પ્રથમ હ્રદય ટ્રાન્સપ્લાન્ટ શકય ન બનેલ. ગ્રીન કોરીડોર, એર એમ્બ્યુલન્સ ની પણ વ્યવસ્થા થઈ ગયેલ. રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી, અંજલીબેન તથા નીરજભાઈ પાઠક પણ સતત સંપર્કમાં રહેલ. આમ  હાર્દિકે ૭-૭ જીંદગીને ઉજાળી અને ૭-૭ પરિવારોને જોડ્યા એ ખૂબ જ સરાહનીય બાબત છે.

અંગદાન સફળ થવામાં હાર્દિકનાં માતાપિતા, ડો. કાન્ત જોગાણી, ડો. પ્રાંજલ મોદી, ડો. વિશાલ ભાલોડી, કમલેશભાઈ ઢોલા, જેડી જાદવ, ભાવેશ પરડવા, મિતલભાઈ ખેતાણી,  મનસુખભાઈ, ભાવનાબેન, ડેનીસભાઈ આડેસરા અને હાર્દિકનાં મિત્રવર્તુળે જહેમત ઉઠાવેલ. સૌરાષ્ટ્રમાં ઘણાં વ્યક્તિ બ્રેઈન ડેડ થાય છે

જો થોડી જાગૃતતા થકી અંગદાનનો નિર્ણય લેવાય તો ઘણી જીંદગી બચી શકે. ગુજરાત સરકારને પણ પરિવારજનો દ્વારા અપીલ કરાઇ છે કે સૌરાષ્ટ્રની ૩ કરોડ જનતાને એઈમ્સની સુવિધા સાથે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે. સાથે સાથે સ્કીન બેંક, બોન બેંકની સુવિધા પણ હોય, અંગદાન હેલ્પલાઇન ચાલુ કરવામાં આવે, જેનાથી એક જગ્યાએથી બધુ સંકલન થાય અને આંતરરાજ્ય ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયા સરળ બનાવવામાં આવે.

મનુષ્ય ધર્મથી મોટી કોઇ ઇબાદત નથી

રક્તદાન માટે રોજા તોડ્યાં

માનવધર્મથી મોટી કોઈ ઈબાદત નથી તે વાત સોળ આના સાચી છે. તાજેતરમાં જ પટનાના ગોપાલગંજ જિલ્લાના મુસ્લિમ યુવાન આલમ જાવેદે ૮ વર્ષના હિંદુ બાળકને રકત આપવા રોજા તોડયા હોવાની વાત પ્રકાશમાં આવી છે. પુનિત નામના ભુલકાનાં શરીરમાં હિમોગ્લોબીનનું પ્રમાણ એકાએક તળીયે પહોંચી જતા તાત્કાલિક બ્લડની જરૂ રીયાત ઉભી થઈ હતી. આ ભુલકાનું બ્લડ ગ્રુપ એ પોઝીટીવ હતું જોકે પરીવારમાં કોઈ સભ્ય આ બ્લડ ગ્રુપ ન ધરાવતા હોય મુશ્કેલી સર્જાઈ હતી. આ વાતની જાણ આલમને થતા રોજા રહ્યો હોવા છતાં તેણે તાત્કાલિક રકતદાન કરવાનો નિર્ણય લીધો હતો. પરીણામે થેલેસેમીયા પીડીત બાળકનું જીવન બચી ગયું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.