રથયાત્રા બાદ મહાસભામાં પાંચ હજારથી વધુ ભકતોએ મહાઆરતી તથા પ્રસાદનો લાભ લીધો: 108 બહેનોએ પંચોપચાર કરી જગન્નાથની આરતી દ્વારા રક્ષા સુત્ર બાંધ્યું
અમદાવાદ તા. ર શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં છેલ્લા 15 વરસથી મેમનગર ગુરુકુલ તરફથી અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે.એજ રીતે આ વરસે પણમેમનગર ગુરુકુલ દ્વારા અનેક સહયોગી સંસ્થાઓ સાથે રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતુ.રથયાત્રાના પ્રસ્થાન પહેલા દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોએ વેદના ગાન સાથે ઠાકોરજીનૂં પૂજન કર્યું હતું ત્યારબાદ 108 બહેનોએ પંચોપચાર પૂજન કરી જગન્નાથ ભગવાની આરતિ ઉતારી રક્ષાસુત્ર બાંધ્યું હતું.ઠાકોરજીના મુખ્ય રથની સાથે બીજા સામાજિક ધાર્મિક થીમ આધારિત 15 જેટલા રથો જોડાયા હતા.દર્શનાર્થીઓને ખોબે ખોબે મગ, કાકડી અને ખારેકની પ્રસાદી વહેંચવામાં આવી હતી.
સામાન્ય રીતે આવી મોટી નગરયાત્રા દરમ્યાન પ્લાસ્ટીકની થેલીઓ, પાઉચો, નાસ્તાના કાગળિયા, પ્રસાદના ખાલી પેકેટો વગેરે કચરો ઢગલાબંધ ઉભરાતો હોય છે. રથયાત્રા પાછળ પડેલ તમામ કચરો ગુરુકુલના સંતો સાથે સ્વયં સેવકોએ એકઠો કરી, યોગ્ય નિકાલ કર્યો હતો.એ તમામ સ્વયંસેવકોનુ સભામાં સન્માન કરવામા આવ્યું હતું.વિદેશ યાત્રાપ્રવાસ કરી રહેલ પૂ. શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીએ જગન્નાથ મંદિરનો ઇતિહાસ અને રથયાત્રાનો ઇતિહાસ કહ્યો હતોઅને જણાવ્યું હતું કેભગવાન જગન્નાથજીનું મંદિર ખૂબ વિશાળ છે.આ મંદિર દસ એકરમાં પથરાયેલ છે.સમુદ્રની સપાટીથી મંદિરની ઊંચાઈ 214 ફુટ છે.મંદિરના શિખર ઉપર વિશાળ સુદર્શન ચક્ર છે.
અર્વાચીન યુગમાં પ્રાચીન ગુરુકુલ શિક્ષણ પરંપરાનો સફળ પુનરોદ્ધાર કરનાર પારપ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીની 1ર 1મી જન્મજયંતી પ્રસંગે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ શાસ્ત્રીજી મહારાજે જે અનેક કષ્ઠો વેઠીને ગુરુકુલની સ્થાપના કરેલ તેની વાતો કરી જણાવ્યું હતું કે ગુરુકુલના માધ્યમથી સંસ્કારયુક્ત શિક્ષણની સુવાસ દેશ વિદેશમાં વસંતની વનરાઇની જેમ પ્રસરી ગઇ છે. સભાનું સંચાલન ભાનુભાઈ પટેલ દ્વારા કરાયું હતુ.