ગૂગલે તેની વાર્ષિક ડેવલપર કોન્ફરન્સ I/Oનું કેલિફોર્નિયા ખાતે આયોજન કર્યું છે. 9 મે સુધી ચાલનારી કોન્ફરન્સનાં પ્રથમ દિવસે જ ગૂગલે બે નવા સ્માર્ટ ફોન લોન્ચ કર્યા છે. કંપનીએ એવી પણ જાહેરાત કરી કે, ટૂંક સમયમાં 13 કંપનીઓનાં 21 સ્માર્ટફોનમાં ‘એન્ડ્રોઈડ Q’નું એપડેટ મળશે. ગૂગલ આસિસ્ટન્ટમાં પણ કેટલાંક નવાં ફીચર્સ જોડવામાં આવ્યા છે.
ગૂગલ તેની લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઈ Qનું અપડેટ 13 કંપનીઓનાં 21 સ્માર્ટફોનમાં આપશે. કંપનીનું કહેવું છે કે, દુનિયામાં અંદાજે 2.5 અબજ ડિવાઈસ પર તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. નવી ઓપરેટિંગ સિસ્ટમમાં કંપનીએ ફોલ્ડેબલ સ્માર્ટફોન અને 5G ટેકનિક સાથે જોડાયેલા અન્ય ફીચર્સને પણ સામેલ કર્યા છે. આ સિસ્ટમમાં મલ્ટીટાસ્કિંગ એક્સ્પિરિયન્સ સાથે અલગ-અલગ રિઝોલ્યૂશન, સાઈઝ વાળી સ્ક્રીન સપોર્ટ પણ આપ્યો છે, એટલે કે નાની-મોટી બંને સ્ક્રીનમાં વર્કસ્પેસ સરળતાથી શિફ્ટ કરી શકાશે.
એન્ડ્રોઈડ Qમાં ગૂગલે એવું ફીચર જોડ્યું છે જેની મદદથી કન્ટેન્ટને વધુ યુઝર્સ સુધી પહોંચાડી શકાય છે. કન્ટેન્ટમાં એક કેપ્શન આપવામાં આવશે જેની મદદથી તેને વધુ લોકો સુધી સરળતાથી પહોંચાડી શકાશે. ડિજિટલ મીડિયાનો સૌથી સરળ એક્સેસ જરૂરિયાત વાળા યુઝર્સને મળી રહે તે માટે ગૂગલે આ ફીચર તૈયાર કર્યું છે.
એન્ડ્રોઈડ Qમાં ફોકસ મોડ આપવામાં આવ્યો છે. આ મોડથી યુઝર્સ એ નક્કી કરી શકશે કે, કઈ એપ તેનું ધ્યાન ભટકાવી રહી છે. જેમકે, યુઝર તેના ફોનમાં ન્યૂઝ અથવા ઈમેલ એપનાં નોટિફિકેશન્સ કન્ટ્રોલ કરી શકે છે. યુઝર ફોકસ મોડમાં રહેશે ત્યારે આ એપ્સનું નોટિફિકેશન નહીં મળે.