સાગર સંઘાણી
છોટીકાશીના ઉપનામ થી પ્રચલિત એવા જામનગર શહેરમાં અનેક શિવાલયો તેમજ હનુમાનજીના અનેક નાના-મોટા મંદિરો અને ડેરીઓ આવેલી છે. જે તમામ સ્થળો પર આજે હનુમાન જયંતિની ભારે ધામધૂમ પૂર્વ ઉજવણી કરવામાં આવી હતી, અને મંદિર પરિસરમાં રામધૂન- મહા આરતી- બટુક ભોજન અને મહાપ્રસાદ સહિતના આયોજનો હાથ ધરવામાં આવ્યા હતા .
હનુમાન જયંતિની ભારે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આ શુભ પ્રસંગે આંધ્રપ્રદેશના હાઇકોર્ટના જજ સોમાયાજૂલૂ કે જેઓ પણ આજે જામનગરના મહેમાન બન્યા હતા, અને હનુમાન જયંતીના પર્વના દિવસે વિશ્વ પ્રસિદ્ધ બાલા હનુમાનજીના મંદિરમાં દર્શન કરીને બજરંગબલીના ચરણોમાં શીશ જુકાવ્યુ હતુ.
જામનગરના સુપ્રસિદ્ધ બાલા હનુમાનજી મંદિરમાં આજે વહેલી સવારે ૫.૦૦ વાગ્યાથી દર્શન ખુલ્લા રાખવામાં આવ્યા હતા, અને સમગ્ર દિવસ દરમિયાન ખુલ્લૂં રાખવામાં આવ્યું છે, અને દર્શનાર્થીઓની લાંબી લાંબી કતારો મંદિર પરિસર થી બહાર રોડ સુધી જોવા મળી રહી છે. બંને પ્રહરની મહા આરતી તેમજ અખંડ રામધૂનના જાપ ચાલુ રખાયા છે, જેમાં અનેક ધર્મ પ્રેમીઓ જોડાયા છે, અને દર્શનનો લાભ લીધો છે.
ખાસ કરીને આજે આંધ્રપ્રદેશના હાઇકોર્ટના જજ સોમાયાજૂલૂ કે જેઓ પણ આજે જામનગરના મહેમાન બન્યા હતા, અને હનુમાન જયંતીના પર્વના દિવસે વિશ્વ પ્રસિદ્ધ બાલા હનુમાનજીના મંદિરમાં દર્શન કર્યા હતા પુજારી દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જયારે રામધૂનમાં પણ તેઓ જોડાયા હતા.
જામનગર શહેરના નાનકપુરી વિસ્તારમાં આવેલા ફુલિયા હનુમાનજી મંદિર કે જેમાં પ્રતિવર્ષ હનુમાન જયંતીના દિવસે સવારે પાંચ વાગ્યે સ્વયંભૂ હનુમાનજી પ્રગટ થાય છે, તેવી વાયકા છે, અને આ વખતે પણ ફૂલીયા હનુમાનજીના મંદિરમાં સવારે પાંચ વાગ્યે આરતી કરવામાં આવી હતી, અને પૂજારી દ્વારા સર્વે ભક્તગણની હાજરીમાં સિંદૂરનો પ્યાલો પીવામાં આવ્યો હતો. સાથોસાથ મહા આરતી અને બટુક ભોજન પણ કરાવવામાં આવ્યું હતું, અને પ્રતિ વર્ષ મુજબની પરંપરા આ વખતે પણ જળવાઈ હતી. ફૂલીયા હનુમાનજી પ્રગટ થયાનો અહેસાસ વ્યક્ત થયો હતો.
આ ઉપરાંત શહેરમાં આવેલા અનેક નાના-મોટા હનુમાનજીના મંદિરો તેમજ ડેરીઓમાં પણ હનુમાન જયંતિ ની ધામધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, તેમજ રામધૂન ના જાપ, મહા આરતી અને બટુક ભોજન તથા મહાપ્રસાદ સહિતના પણ આયોજનો કરાયા હતા. જેમાં બહોળી સંખ્યામાં ભાવિકો જોડાયા છે.