માછીમારો સોમવારે વાઘા સરહદ બોર્ડર ઉપર પહોચશે: ત્યાં વેરીફીકેશન કરીને તેઓને વેરાવળ ખાતે લઇ જવાશે
પાકિસ્તાન જેલમાં બંદીવાન ભારતીય માછીમારો પૈકી ફકત ર૦ માછીમારોને જેલમાંથી મુકિત મળતા તેઓ આગામી તા.૮મી ના રોજ વેરાવળ ખાતે આવનાર છે. આ તમામ માછીમારો આંધપ્રદેશના હોવાનું જાણવા મળ્યું છે.
પાકિસ્તાન મરીન સીકયુરીટી દ્વારા ફીશીંગ બોટ તથા માછીમારોના અપહરણ કરી પાકિસ્તાન જેલમાં મોકલવામાં આવે છે. પાકિસ્તાન જેલમાં ૪૯૨ જેટલા માછીમારો કેદ છે. તે પૈકી ર૦ ભારતીય માછીમારોને છોડી મુકવાનો પાક સરકારે નિર્ણય કરતા તા.૪ જાન્યુઆરીના રોજ જેલમાંથી મુકત કરનાર છે. આ માછીમારો તા.૬ જાન્યુઆરીના રોજ ભારતની વાઘા સરદહ બોર્ડર ઉપર પહોંચશે જયાં તેનું વેરીફીકેશન કરી કબ્જો સંભાળી સહી સલામત રીતે વેરાવળ સુધી લાવવા માટે રાજય સરકારની એક ખાસ ટીમ વાઘા સરહદે જનાર છે. રાજય સરકારની આ ટીમમાં મત્સ્યોઘોગ કમિશ્નર પોરબંદર, કે.એમ. સીકોતરીયા, મદદનીશ મત્સ્યોઘોગ અધિક્ષક પી.જે. મહિડા, મત્સ્ય અધિકારી માંગરોળ વી.જે. માકડીયા, મત્સ્ય અધિકારી ભાવનગર વી.એમ. ગોહિલ સહીતના જનાર છે. મુકત થનાર ર૦ માછીમારોને વડોદરાથી બસમાં ગીર-સોમનાથ જીલ્લાના મુખ્ય મથક વેરાવળ ખાતે તા.૮ જાન્યુઆરીના લાવવામાં આવનાર છે.
આ મુકત થનાર માછીમારો તા. ર૮-૧૧-૨૦૧૮ના કીશન મોનજી માલમડીની ફીશીંગ બોટ કાજલ તથા ભગવાન મોનજી માલમડીની બોટ કુસુમ અને ગોવિંદ મુળજી આંજણીની બોટ અન્નપુર્ણામાં ખલાસી તરીકે કામ કરી રહ્યા હતા. તે દરમિયાન પાક મરીન સીકયુરીટી દ્વારા પકડાયેલા અને આ તમામ માછીમારો આંધ્રપ્રદેશના શ્રી કાકુકોલમ જીલ્લાના હોવાનું જાણવા મળ્યું છે.