આન્ધ્ર પ્રદેશ સરકારે અબોલ જીવો માટે એનીમલ એમ્બ્યુલન્સની શરૂઆત કરી છે. જેવી રીતે ચિકિત્સા ક્ષેત્રે ઈમરજન્સી સર્વિસ માટે 108ને ફોન કરવામાં આવે છે એવી જ રીતે હવે કોઈ પશુ પક્ષી રોડ રસ્તા પર ઘાયલ, નિ:સહાય હાલતમાં હોય તો એ સમયે 108 નંબરને સંપર્ક કરીને તેમનાં જીવ બચાવી શકાય છે.
આ અંતર્ગત રાજ્યનાં મુખ્યમંત્રીશ્રી વ્હાય.એસ. જગનમોહન રેડ્ડી એ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ રાજ્ય દ્વારા પશુ-પક્ષીઓ માટે 175 મોબાઈલ એમ્બુલન્સ ચલાવવામાં આવશે. જેના માટે 1376 જેટલા ડોક્ટરની નિમણુક પણ કરવામાં આવી છે. આ એમ્બુલન્સનું મુખ્ય કાર્ય ઘવાયેલા પશુ પક્ષીઓને સ્થળ પર જ ચિકિત્સા આપવી તેમજ આસપાસના પશુ પંખી ચિકિત્સા સેન્ટર સુધી પહોચાડવાનું છે. આ માટે 108 ટોલ ફ્રી નંબર રહેશે જે 24 કલાક ચાલુ રહેશે. આ એમ્બ્યુલન્સની મુખ્ય લાક્ષણિકતા એ છે કે તે પશુ-પ્રાણીઓને સ્થળ પરથી કલીનીક સુધી લઈ જવા માટે તેમાં હાઈડ્રોલિક લિફ્ટ ની પણ વ્યવસ્થા હશે.
મુખ્યમંત્રીશ્રીએ એ પણ જણાવ્યું હતું કે રાજ્યમાં આ એમ્બ્યુલન્સની વ્યવસ્થાને સારી રીતે ચલાવવા માટે રાજ્યમાં કુલ 1576 એનીમલ ડીસ્પેન્સરીઝની પણ સ્થાપના કરવામાં આવી છે. અબોલ જીવો માટે રાજ્યનો આ નિર્ણય ખરેખર સરાહનીય છે. આંધ્રપ્રદેશની જેમ દરેક રાજ્ય પશુ-પંખીઓ માટે આવી વ્યવસ્થા કરે તો એ અબોલ જીવો માટે મદદરૂપ નિવડશે. આ માટે કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનીમલ હેલ્પલાઇન-રાજકોટના મિત્તલ ખેતાણી, પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠક્કર, ધીરુભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠક્કર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ સહિતનાઓએ અપીલ કરી છે.