અત્યારે પુષ્પા – 2 ફિલ્મ ધૂમ મચાવી રહીં છે, જેમાં લાલ ચંદનની દાણચોરીની કહાણી વર્ણવાઈ છે. ત્યારે ગુજરાતમાં પણ ક્યાંય ’પુષ્પા’ સક્રિય થયો હોય તેવા અહેવાલ સામે આવ્યા છે. પાટણના હાજીપુરમાંથી આંધ્રપ્રદેશની પોલીસે ચંદનનો જથ્થો ઝડપી પાડ્યો છે ત્યારે હવે ગુજરાતમાં ચંદન ઘુસાડનાર પુષ્પા કોણ હશે? છેક આંધ્રપ્રદેશની ગુજરાતમાં કરોડનું ચંદન આવી ગયું જેની કોઈને જાણ પણ ના થઈ? આવું કેવી રીતે શક્ય બની શકે? આ તમામ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.
ગુજરાતમાં આંધ્રપ્રદેશથી રક્તચંદન પહોંચી ગયું હતું. ગેરકાયદે ચોરી કરીને રક્તચંદનનો જથ્થો પાટણ પાસેના એક ગોડાઉનમાં સંતાડાયો હતો. આંધ્રપ્રદેશની તિરૂપતિ રેડ સેન્ડર્સ ટાસ્ક ફોર્સે બાતમીના આધારે પાટણ પહોંચી હતી. પાટણની એલસીબી અને બાલીસણા પોલીસને સાથે રાખીને હાજીપુરના શ્રેય વિલાના ગોડાઉન નંબર 70માં કરોડોના રક્તચંદનના 150 ટુકડા પકડી પાડ્યા હતા.જથ્થાનો કુલ વજન 4.5 ટન જેટલો થયો હતો અને તેની કિંમત અઢી કરોડ જેટલી અંદાજવામાં આવી છે. આ સાથે જ પાટણના 3 શખસની પોલીસે અટકાયત કરી છે. આ ત્રણેય ચંદનનો જથ્થો ચીન અને સાઉથ એશિયાના દેશોમાં દાણચોરી કરીને વેચવાના હતા.
આ બાબતે તિરૂપતિના સ્પેશિયલ ટાસ્ક ફોર્સ રેડ સેન્ડર્સના ડીવાયએસપી એમ.ડી. શરીફે જણાવ્યું હતું કે, એમને ગઈકાલે રાત્રે ઇન્ફર્મેશન મળી હતી. ઉત્તમકુમાર, હંસરાજ અને પરેશ આ ત્રણેય રેડ સેન્ડર્સના ઈલિગલ ટ્રાન્સપોર્ટેશનમાં સામેલ છે. જે ફોરેસ્ટ એક્ટ મુજબ ખૂબ જ ઓફેન્સિવ છે. અમારા લોકલ સોર્સિસથી જાણ થતાં અમે લોકલ પોલીસને જાણ કરી હતી. લોકલ પોલીસની મદદથી અમે ત્રણેયને ડિટેન કર્યા છે. ઈન્ટ્રોગેશન દરમિયાન અંદર 154 રક્તચંદનના લાકડા હતા. 4.5 ટનના આ લાકડાની કિંમત બે કરોડ આસપાસ છે. અમે પાટણ કોર્ટમાં રજૂ કરીને વધુ તપાસ માટે તિરૂપતિ લઈ જઈશું.
ચંદનચોરીમાં પરેશજી કાંતીજી જવાનજી ઠાકોર (ઉં.વ.28) રહે. ચારૂપ તા.સરસ્વતી જિ.પાટણ,
હંસરાજ વીરાજી તેજાજી જોષી (ઉં.વ.37) રહે.ભાટવાડો, તોરણવાડી માતા, મહેસાણા તા.જિ.મહેસાણા, ઉત્તમ નંદકિશોરભાઈ પુખરાજ સોની (ઉં.વ.44) રહે.01, બ્રહ્મપુરી, હનુમાનજી મંદિર પાસે, વાડી રોડ, ડીસા તા.ડીસા જિ.બનાસકાંઠા એમ ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.