આજે વિશ્વ હેરીટેજ દિવસ
ઐતિહાસીક પૌરાણીક અને ધાર્મિક વિરાસત ધરાવતા જૂનાગઢમાં મોજુદ છે કેન્દ્રના 7 અને રાજય રક્ષીત 39 સ્મારકો
દર વર્ષે 18 એપ્રિલને વિશ્વ હેરિટેજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ લોકોને આ ભવ્ય અને ઐતિહાસિક વારસાથી અવગત કરાવવાનો છે. આ દિવસને સ્મારકો અને સ્થળો માટે આંતરરાષ્ટ્રીય દિવસના નામથી પણ ઓળખવામાં આવે છે. ત્યારે આજના દિવસે પૌરાણિક, ઐતિહાસિક એવા જુનો ગઢ એટલે કે, હાલના જૂનાગઢ મહાનગરની રોમાંચક, ઐતિહાસિક વારસાથી અવગત થવું, અને અનેક રજવાડા, નવાબો અને વિદેશીઓએ અહી આવી કરેલ રાજ અને બનાવેલ સુંદર સ્થાપત્યની ધરોહરને જોવા, જણવા તથા જૂનાગઢના દર્શને આપને ખેંચી લાવવા મજબૂર કરાશે.
આમ જોઈએ તો, જૂનાગઢ જિલ્લો ઐતિહાસિક દ્રષ્ટિએ વિશ્વભરમાં આગવુ સ્થાન ધરાવે છે. જૂનાગઢ જિલ્લામાં ગરવો ગઢ ગિરનાર, ગીરના અફાટ જંગલ, ડાલામથા એશિયાટિક સાવજો ની સાથે ધાર્મિક શ્રેત્રે પણ જૂનાગઢનું નામ મોખરે લેવાય છે, એટલે જ જૂનાગઢ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે, તે સાથે આ જૂનાગઢ જિલ્લામાં કેન્દ્ર અને રાજ્ય રક્ષિત કુલ 46 સ્મારકો આવેલા છે. તેના કારણે અહીં આવતા વિશ્વભરના પ્રવાસીઓનું જૂનાગઢ માનીતું ફરવા લાયક અને અભ્યાસ કરવા માટેનું અગત્યનું સ્થળ મનાય છે. જેથી જૂનાગઢ જિલ્લામાં ઐતિહાસિક સ્મારકો, શિલાલેખ, ધાર્મિક સ્થળો, કોતરેલી ગુફાઓની મુલાકાત લેવા દર વર્ષે લાખો પ્રવાસીઓ જૂનાગઢ ખાતે આવી રહ્યા છે.
જુનાગઢના ઐતિહાસિક ઉલ્લેખો પ્રમાણે જૂનાગઢ સૌકાઓ જૂનું નગર માનવામાં આવે છે, અને શાસ્ત્રો, પુરાણો, ઇતિહાસ ઉપર નજર નાખીએ તો, અહીંના ગિરનાર શ્રેત્રમાં ભગવાન, શંકર, માતા પાર્વતી, માં અંબાજી, ભગવાન કૃષ્ણ, બળદેવજી, મુચકંદ રાજા, પાંચ પાંડવો સહિતના દેવી – દેવતાઓ, મહાવીર સ્વામી, ગુરુ દત્તાત્રેય, શ્રીમદ્ મહાપ્રભુજી સહિતના વિવિધ ધર્મના આરાધ્ય મૂર્તિઓ એ આ શ્રેત્રમા બેસણા કર્યા છે.
જૂનાગઢ જિલ્લામાં કેન્દ્ર અને રાજ્ય રક્ષિત કુલ 46 હેરિટેજ સ્થળો જૂનાગઢ જિલ્લામાં કેન્દ્ર રક્ષિત 7 અને રાજ્ય રક્ષિત 39 સ્મારકો અને સ્થળો છે. જેમાં કેન્દ્ર રક્ષિત અશોકનો શિલાલેખ, બૌધ્ધ ગુફા, બાબા પ્યારે, ખાપરા કોડિયાની ગુફા, પ્રાચીન ટીંબો, જામીન મસ્જીદ, બીબી મસ્જીદ અને રવેલી મસ્જીદનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્ય રક્ષિત સ્મારકોમાં અડીકડી વાવ, જુમા મસ્જીદ, નિલમ અને કડાનલ ટોપ, નરસિંહ મહેતાનો ચોરો, પંચેશ્વર ગુફાઓ, માત્રી રા ખેંગાર મહેલ, વંથલીમાં નાની વાવનો શિલાલેખ, બગસરા ઘેડમાં દાહ સંસ્કારની સ્મૃતિનો પાળીયો, હનુમાન ધારા, હાથ પગલા, માળિયા હાટીનામાં ધનવંતરીનો પાળિયો સહિતનાનો સમાવેશ થાય છે.
આ સ્થળોની જાળવણી અને સંવર્ધન માટે સરકાર કટીબધ્ધ છે. અને તેની યોગ્ય રીતે જાળવણી અને સંવર્ધન પણ થઈ રહ્યું છે,
જૂનાગઢ જીલ્લો પ્રવાસનની દ્રષ્ટિએ પણ મહત્વનું સ્થાન ધરાવે છે. જૂનાગઢની બાઉદીન કોલેજ પણ એક અર્થમાં હેરિટેજ બિલ્ડીંગ છે. અહીંનું સુદર્શન તળાવ પણ હેરિટેજ યાદીમાં નોમીનેટ થયું છે, તો અંગ્રેજોએ બનાવેલ વિલીંગ્ડન ડેમ પણ કુદરિતી સૌંદર્ય અને ઇતિહાસની દૃષ્ટિએ એક બેનમૂન સ્થળ છે. જ્યારે જૂનાગઢનું સૈકાઓ જૂનું અંગ્રેજોએ બનાવેલ સક્કરબાગ ઝુ પ્રાણી સંગ્રહાલય પણ પ્રવાસીઓનું આજની તારીખે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.
આ સાથે પૌરાણિક ગિરનાર પર્વત પર પણ અનેક સ્મારકો આવેલા છે. ગિરનાર પર રોપવે બનતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. આમ જુનાગઢ શહેર હેરિટેજ સ્થળોથી શોભાયમાન છે.
ઉપરકોટ
જૂનાગઢ શહેરમાં ઇતિહાસ પ્રસિધ્ધ ઉપરકોટનો કિલ્લો આવેલ છે. આ કિલ્લાનું મુળ નામ ગિરિદુર્ગ હતું. ઉપરકોટનો કિલ્લો મોર્ય સમ્રાટ ચંદ્ર ગુપ્ત દ્વારા ઇ.સ. પૂર્વ 319 માં બનાવવામાં આવેલો હતો. હાલમાં આ કિલ્લાનું નવીનીકરણ શરૂ છે. આ કિલ્લા ઉપરથી દેખાતા ગિરનાર તરફના શહેર અને પૂર્વ તરફના દ્રશ્યો શાનદાર છે. જૂનાગઢ આવતા પ્રવાસીઓ આ કિલ્લાની મુલાકાત અચુક લે છે.
અશોક શિલાલેખ
જૂનાગઢ શહેરથી ગિરનાર તરફ જતા રસ્તામાં ભારત વર્ષના ભૂતકાળની ઝાંખી કરાવતા સમ્રાટ અશોકના ત્રણ શિલાલેખ વિશાળ પથ્થર પર દ્રશ્યમાન થાય છે.
બાબા પ્યારેની ગુફા
જૂનાગઢ શહેરમાં ઉપરકોટથી ગિરનાર તરફ જતા રસ્તામાં ત્રણ હારમાળામાં ખડકમાંથી કોતરેલી આ ગુફાઓ ઇ.સ. પ્રથમ અને દ્વિતિય સદીમાં બનેલી છે.
મહોબ્બત મકબરો
જૂનાગઢમાં નવાબી સ્થાપત્ય જુદી ભાત પાડે છે.જૂનાગઢની મધ્યમાં નવાબ મહોબ્બત ખાન બીજાએ બનાવેલ મહોબ્બત મકબરો કલાત્મક ગુંબજો, અત્યંત બારીક કોતરણીઓ નવાબી સ્થાપત્યના બેનમુન છે.