અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુલાબદાસ બ્રોકર ચેર, ગુજરાતી ભાષા, સાહિત્ય ભવન સૌ.યુનિ. અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંગાથે આયોજીત 24 કલાક કાવ્ય પઠનમાં કવિઓ સાથે ઓડિયન્સ પણ બદલાતી રહેશે
દેશની આઝાદીનું આ 75મું વર્ષ ચાલી રહ્યું છે ત્યારે દેશભરમાં તેની આઝાદી કા અમૃત મહોત્સવ તરીકે ઉજવણી થઇ રહી છે. દેશમાં અલગ-અલગ કાર્યક્રમો કરી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ અત્યાર સુધીમાં ક્યારેય ન યોજાયો હોય એવા કાર્યક્રમનું આયોજન કર્યું છે. આઝાદીનું 75મું વર્ષ છે તેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 75 કવિઓનો સળંગ 24 કલાક અખંડ કાવ્ય મહાકુંભ યોજવામાં આવ્યો છે. 31મી જુલાઇએ સાંજે 7.5 કલાકથી 1લી ઓગસ્ટ સાંજે 7.5 સુધી અવિરત 24 કલાક સુધી એક પણ બ્રેક લીધા વગર કવિઓ રચના રજૂ કરશે.
આઝાદી કા અમૃત મહોત્સવની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતી સાહિત્યમાં અત્યાર સુધીમાં ક્યારેય ન યોજાયો હોય એવો કાર્યક્રમ યોજવામાં આવશે. આ કાર્યક્રમનું આયોજન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુલાબદાસ બ્રોકર ચેર, ગુજરાતી ભાષા-સાહિત્ય ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાત સાહિત્ય અકાદમીના રાષ્ટ્રહાર્દ સંગાથે આઝાદીના અમૃત મહોત્સવ અવસરે અખંડ કાવ્ય મહાકુંભનું આયોજન તા.31મી જુલાઇ, 2022ને રવિવારે સાંજે 7.5 કલાકથી તા.1 ઓગસ્ટ, 2022ને સોમવારે સાંજે 7.5 સુધી નિરંતર ચોવીસ કલાક કાવ્યપાઠ, ગાન, અનુષ્ઠાન આર્ટ ગેલેરી, આંકડાશાસ્ત્ર ભવન સભાગૃહ, મુખ્ય ગ્રંથાલય સામે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે યોજાશે.
આ અખંડ કાવ્ય મહાકુંભ રામકથાના અનંત ગાયક મોરારિબાપુના પરમ સાનિધ્યમાં યોજાશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ડો.ગિરીશ ભીમાણી (કુલપતિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી) તથા મંગલ ઉ5સ્થિતિ ઋષિકવિ રાજેન્દ્ર શુક્લ તથા મુખ્ય મહેમાન તરીકે પ્રો.પ્રજ્ઞેશભાઇ શાહ (ઉપાધ્યક્ષ ઉચ્ચ શિક્ષા સંવર્ગ અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ) અને મુખ્ય અતિથિ તરીકે ડો.પ્રદિપ ડવ (મેયર, રાજકોટ મહાનગરપાલિકા), ભાગ્યેશ ઝા (અધ્યક્ષ, ગુજરાત સાહિત્ય અકાદમી), ડો.જયેન્દ્રસિંહ જાદવ (મહામાત્ર, ગુજરાત સાહિત્ય અકાદમી) હાજર રહેશે. આઝાદીનું 75મું વર્ષ હોવાથી આયોજન પણ એને ધ્યાને રાખીને 75 કવિઓ અને કાર્યક્રમની શરૂઆત પણ 31મી જુલાઇના સાંજે 7.5 કલાકે કરવામાં આવશે. જેથી 75નો સંયોગ જળવાઇ રહે. અખંડ કાવ્ય મહાકુંભમાં 75 કવિઓ-કવયિત્રીઓ તથા રંગમંચના કલાકારો, સ્વરકારો દ્વારા અવિરત ચોવિસ કલાક સુધી કાવ્યપાઠ, ગાન, વાચિકમના અનુષ્ઠાન થકી મા ભારતી, મા સરસ્વતીના શ્રી ચરણોમાં કાવ્યવંદના પ્રસ્તુત થશે. સળંગ 24 કલાક ચાલનાર આ કાવ્ય મહાકુંભમાં કોઇપણ બ્રેક વગર કલાકે-કલાકે કવિઓ બદલાશે સાથે સામે બેઠેલી ઓડિયન્સ પણ બદલાશે.
આ કાર્યક્રમનું ઉદ્ઘાટન સત્ર સંચાલન પ્રણવ પંડ્યા દ્વારા કરવામાં આવશે. જ્યારે આ કાર્યક્રમ માટે સુરેશભાઇ ગોવિંદભાઇ વેકરિયા અને નીતિનભાઇ ગોવિંદભાઇ વેકરિયા(લીફ્ટવેલ હાઇડ્રોલિક, રાજકોટ), બિપિનભાઇ હદવાણી (ગોપાલ સ્નેક્સ-મેટોડા) બળવંતભાઇ દેસાઇ તથા રમણીકભાઇ ઝાપડિયા (કલાતીર્થ-સુરત)નો વિશેષ સ્નેહમય સહયોગ મળ્યો છે.
આ અખંડ કાવ્ય મહાકુંભ કાર્યક્રમ માટે ડો.ભરત રામાનુજ (શિક્ષણશાસ્ત્ર ભવન) મહામંત્રી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ), ડો.મનોજ જોષી (નિયામક ગુલાબદાસ બ્રોકર ચેર, ગુજરાતી ભાષા-સાહિત્ય ભવન, પરિકલ્પના-સંયોજક અખંડ કાવ્ય મહાકુંભ), ડો.કમલ મહેતા (અંગ્રેજી ભવન, પ્રમુખ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ) સહિતના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અલગ-અલગ ભવનના અધ્યક્ષો, પ્રોફેસરો અને ભવનના વિદ્યાર્થીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.