ભારતના નિકાસકારો માટે સારા સમાચાર મળી રહ્યા છે. સ્વિટ્ઝર્લેન્ડે ઔદ્યોગિક ઉત્પાદનો પરનો આયાત જકાત હટાવી લેતા હવે ભારતીય નિકાસકારો કોઈ જાતના જકાત વિના જ યુરોપમાં નિકાસ કરી શકશે. આ નિર્ણય ત્યારે આવ્યો છે જયારે ભારત-યુરોપ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના ફાઇનલ તબક્કામાં છે.
કાપડથી માંડી કિંમતી ધાતુ સહિતના ઔદ્યોગિક ઉત્પાદનો પરથી ઈમ્પોર્ટ ડ્યુટી હટાવી લેવાઈ
સ્વિટ્ઝર્લેન્ડમાં ઔદ્યોગિક ઉત્પાદનો નિકાસ પર ટેરિફ અથવા આયાત જકાત નાબૂદ કરવાથી ભારતીય કાપડ, જૂતા અને અન્ય ઔદ્યોગિક ઉત્પાદનના નિકાસકારોને યુરોપિયન રાષ્ટ્રમાં નિકાસ કરવા માટે ઉજળી તક ઉભી થઇ છે.
આ પગલું એવા સમયે આવ્યું છે જ્યારે ભારત યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (ઇએફટીએ) સાથે આઇસલેન્ડ, લિક્ટેંસ્ટાઇન, નોર્વે અને સ્વિટ્ઝર્લેન્ડ સાથે વેપાર સંધિ માટે વાટાઘાટો પૂર્ણ કરવાના અંતિમ તબક્કામાં છે. વેપાર વાટાઘાટોમાં સરકાર સામાન્ય રીતે દેશમાં સેવાઓ અને રોકાણના પ્રવાહને વધારવા માટે પ્રોત્સાહન આપે છે.
રસાયણો અને કિંમતી ધાતુ-પત્થરો ભારતમાંથી નિકાસ થતી વસ્તુઓમાં ટોચનું સ્થાન ધરાવે છે. સ્વિસ વાટાઘાટકારો ભારતમાં વધુ રોકાણ કરવાના વચનના બદલામાં ફાર્મા કંપનીઓ માટે સરળ બૌદ્ધિક સંપદા અધિકારો જેમ કે ખાસ કરીને પેટન્ટ, નિયમોની માંગ કરી રહ્યા છે.
જ્યારે સાયકલ, ઘરગથ્થુ ઉપકરણોથી માંડીને કપડાં સુધીના ઔદ્યોગિક માલસામાન પરની ડ્યુટી નાબૂદ કરવામાં આવી છે. ત્યારે પ્રોસેસ્ડ ફૂડ અને ફિશરીઝ સહિત ફાર્મ પ્રોડક્ટ્સ પર ટેરિફ હજુ પણ લાગુ રહેશે.
જાન્યુઆરી 1, 2024 થી સ્વિટ્ઝર્લેન્ડમાં ઔદ્યોગિક ઉત્પાદનોની આયાતને કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવી છે. આના પરિણામે સ્વિસ આયાતકારો માટે સીધી ટેરિફ બચત અને ઓછા વહીવટી કાર્યમાં અને ગ્રાહકો માટે નીચા ભાવમાં પરિણમશે. સ્વિટ્ઝર્લેન્ડ માટે કુલ કલ્યાણ લાભ અંદાજિત 1 બિલિયન ડોલરથી વધુ છે તેવું એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે.