વિભિન્ન રાજ્યોના રાજ્યપાલનો કાર્યકાળ પૂર્ણ થતાં પદ પર નવા હોદેદારોની વરણી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને કર્ણાટકના રાજ્યપાલ તરીકે સાત વર્ષ સુધી ફરજ બજાવેલ વજુભાઈ વાળાનો કાર્યકાળ પૂર્ણ
થાવરચંદ ગેહલોતને કર્ણાટકનાં નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. વજુભાઇ વાળા ફરી રાજકોટ આવશે. જ્યારે ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેનને મધ્ય પ્રદેશના ગવર્નરમાંથી મુકત કરાયા છે. તો તેમની સ્થાને ગુજરાતનાં પૂર્વ મંત્રી મંગુભાઈ પટેલને MPના નવા ગવર્નર બનાવાયા છે. જેઓ
ટૂંક સમયમાં ચાર્જ સંભાળશે.
ક્યાં રાજ્યના કોણ બન્યા નવા ગવર્નર ??
કર્ણાટકના રાજ્યપાલ તરીકે થાવરચંદ ગેહલોતની નિમણુક
મિઝોરમના રાજ્યપાલ તરીકે હરિ બાબુ કંભામપતિની નિમણૂક
મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે મંગુભાઇ છગનભાઇ પટેલ નિમાયા
રાજેન્દ્રન વિશ્વનાથ આર્લેકરની હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે નિમણૂક
પી.એસ. શ્રીધરન પિલ્લઇની બદલી થઈ છે, તેમની ગોવાના રાજ્યપાલ તરીકે નિયુક્તિ
સત્યદેવ નારાયણ આર્યની બદલી કરીને ત્રિપુરાના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી
રમેશ બૈસની ઝારખંડના રાજ્યપાલ તરીકે બદલી કરાઈ
બંદારુ દત્તાત્રેયની હરિયાણાના રાજ્યપાલ તરીકે નિમણૂક
આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ દ્વારા દેશના 8 રાજ્યોના રાજ્યપાલની નિમણૂક કરવામાં આવી છે. કર્ણાટકના રાજ્યપાલ તરીકે વજુભાઈ વાળાનો કાર્યકાળ પૂર્ણ થયો હોય તેઓના સ્થાને કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોતને કર્ણાટકના ગવર્નર બનાવવામાં આવ્યા છે. ગુજરાત સરકારના પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળાને રાજકીય નિવૃતિ આપી દેવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. તેઓની અન્ય કોઈ જવાબદારી સોંપવામાં આવી નથી. ગુજરાત સરકારના પૂર્વ વનમંત્રી અને આદિવાસી સમાજમાં મોટુ નામ ધરાવતા ગણદેવીના પૂર્વ ધારાસભ્ય મંગુભાઈ છગનભાઈ પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હાલ એમપીના કાર્યકારી રાજ્યપાલ તરીકે ચાર્જમાં હતા. તેઓની પાસેથી હવે હવાલો લઈ લેવામાં આવ્યો છે. તેઓ માત્ર ઉત્તરપ્રદેશના રાજ્યપાલ તરીકે કાર્યરત રહેશે. હાલ હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બંડારૂ દતાત્રેયને હરિયાણાના રાજ્યપાલ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. રાજેન્દ્રન વિશ્ર્વનાથ આર્લેકરને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે તો હરિબાબુ કંભમપટ્ટીને મિજોરમના રાજ્યપાલની જવાબદારી સોંપવામાં આવી છે.
ગોવાના રાજ્યપાલ તરીકે પી.એસ.શ્રીધરન પીલઈ, ત્રિપુરાના રાજ્યપાલ તરીકે સત્યદેવ નારાયણ અને ઝારખંડના રાજ્યપાલ તરીકે રમેશ બેસને જવાબદારી સોંપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વજુભાઈ વાળા છેલ્લા 7 વર્ષથી કર્ણાટકના રાજ્યપાલ તરીકે સેવા આપી રહ્યાં હતા. તેઓનો કાર્યકાળ પૂર્ણ થતાં કર્ણાટકના રાજ્યપાલ તરીકે કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોતની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે વજુભાઈ વાળાને અન્ય કોઈ રાજ્યના ગવર્નર બનાવવામાં આવ્યા ન હોય તેઓને આડકતરી રીતે રાજકીય નિવૃતિ આપી દેવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.