- હોટલ રેસ્ટોરન્ટ પાસેથી સોગંદનામું મેળવી હોટલ ખોલવાની પરમિશન અપાઇ
- આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ હોટલ રેસ્ટોરન્ટ સ્વચ્છતા જાળવે તે ખૂબ જ જરૂરી
આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિન્દ બાપનાની સૂચના મુજબ ગત દિવસોમાં આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી હોટલ અને રેસ્ટોરન્ટ તથા અન્ય ખાણી પીણીના સ્ટોલ ઉપર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આકસ્મિક તપાસણી કરવામાં આવી હતી. જેમાં આણંદ વિદ્યાનગર રોડ ઉપરના તાજા પીઝા, રાજસ્થાની દાલ બાટી, સેવા સદન પાસેની હોટલ સીટી પોઇન્ટ, આણંદ સોજીત્રા રોડ ઉપરની વોકે ન ફાયર, રેલવે સ્ટેશન પાસેની હોટલ નાઝ ને હોટેલ/રેસ્ટોરેન્ટ GPMC ACT 1949, 376 A કલમ ની જોગવાઇઓને ધ્યાને લઈ સીલ કરવામાં આવી હતી.
આ દરેક હોટલો પાસેથી આણંદ મહાનગરપાલિકા દ્વારા વહીવટી ચાર્જ પેટે રૂપિયા ૧.૦૦ લાખ જેટલા દંડની વસુલાત કરવામાં આવી છે, ઉપરાંત આ હોટલો ફરીથી શરૂ કરવા માટે જરૂરી સોગંદનામુ મેળવવામાં આવ્યું છે.
આ સોગંદનામા જણાવ્યા મુજબ હવેથી આ હોટલો જાહેર આરોગ્ય તથા માનવ જિંદગી જોખમાય તે રીતે તેમની હોટલમાં કોઈપણ વસ્તુ રાખશે નહીં, જગ્યા હાઇજેનિક રીતે રાખવામાં આવશે, જાહેર આરોગ્ય અને સ્વચ્છતાના તમામ નિતિ નિયમો, કાયદાનું પાલન કરવામાં આવશે, તેવી લેખિતમાં બાહેધરી આપ્યા બાદ આ હોટલ, રેસ્ટોરન્ટને ખોલવાની પરમિશન આપવામાં આવી છે.
આણંદ મહાનગર પાલિકાની આરોગ્ય વિભાગની ટીમ સમયાંતરે આ જ હોટલો ખાતે ફરીથી આકસ્મિક તપાસણી કરશે, સોગંદનામાં મુજબ જરૂરી સ્વચ્છતા રાખવામાં નહીં આવી હોય તો આ હોટલો સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે, તેમ આણંદ મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે.
વધુમાં, આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ હોટલ, રેસ્ટોરન્ટ સ્વચ્છતા જાળવે તે ખૂબ જ જરૂરી છે, તે માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.