સમાજમાં પાયાના સુધારાઓ લાવનારા સુધારકો પદ્મ સન્માન માટે લાયક, આ એવોર્ડ માટે હું મારી જાતને યોગ્ય ગણતો નથી: આનંદ મહિન્દ્રા
આનંદ મહિન્દ્રાએ 30 હજારથી વધુ વૃક્ષારોપણ કરનાર 77 વર્ષના પર્યાવરણવિદ્ તુલસી ગૌડાની તસવીર શેર કરી તેમને સર્વોચ્ચ સન્માન માટે સાચા હકકદાર ગણાવ્યા
તાજેતરમાં વર્ષ 2021 માટે દેશના સર્વોચ્ચ શ્રેણીમાં ગણાતા પદ્મ એવોર્ડ રાષ્ટ્રપતિના હસ્તે સમાજ સુધારક, શ્રેષ્ઠીઓ તેમજ સેલિબ્રિટી અને ઉધોગપતિઓને આપવામાં આવ્યા. પદ્મ પુરસ્કારો ત્રણ શ્રેણીમાં આપવામાં આવે છે – પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી. અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે પદ્મ વિભૂષણ, ઉચ્ચ વર્ગની વિશિષ્ટ સેવા માટે પદ્મ ભૂષણ અને કોઈપણ ક્ષેત્રમાં વિશિષ્ટ સેવા માટે પદ્મ શ્રી એનાયત કરવામાં આવે છે.
વર્ષ 2021 માટે સન્માનિત થયેલ હસ્તીઓમાં ઘણા એવા ચહેરાઓ છે જે માત્ર પદ્મ સમ્માન માટે જ હકદાર નહીં પણ ખરા અર્થમાં દેશના સાચા હીરો છે. જે કોઈ આ એવોર્ડ મેળવી લે તે ખુશીથી ગદગદ થઈ જાય. અને થાય પણ કેમ નહિ..? આખરે સર્વોચ્ચ શ્રેણીનું સન્માન મળ્યું છે. પણ તાજેતરમાં પદ્મ ભૂષણ મેળવનાર ટોચના બીઝનેસમેન આંનદ મહિન્દ્રાએ આ પુરસ્કારને લઈ વસવસો વ્યક્ત કર્યો છે. એવોર્ડ મેળવી તેઓએ ટ્વીટ કરી કહ્યું કે તેઓ આ સન્માન માટે લાયક નથી.
મહત્વપૂર્ણ અને ગૌરવશાળી સન્માન પ્રાપ્ત કર્યા પછી પણ, આનંદ મહિન્દ્રા પોતાને તેના માટે અયોગ્ય માને છે. તેમણે ટ્વીટમાં કહ્યું કે સરકારે પદ્મ પુરસ્કાર વિજેતાઓની પસંદગીમાં લાંબા સમયથી પરિવર્તન કર્યું છે. હવે ધ્યાન મુખ્યત્વે એવા વ્યક્તિઓ પર છે જેમણે પાયાના સ્તરે સમાજના સુધારણામાં મૂળભૂત યોગદાન આપ્યું છે. હું ખરેખર તેમની રેન્કમાં જોડાવા માટે લાયક નથી.
પોતાના ટ્વીટમાં આનંદ મહિન્દ્રાએ તુલસી ગૌડાની પદ્મ પુરસ્કાર મેળવતી તસવીર પણ શેર કરી છે. તેમણે જે કર્યું તે તે તેમના કર્મચારીઓ સાથે કર્યુ છે, આ એવોર્ડ પણ સામુહિક પ્રયાસનું પરિણામ છે પણ તુલસી ગૌડાએ એકલા હાથે 30 હજાર કરતા પણ વધુ વૃક્ષો વાવી અતિ પ્રેરણાદાયી કામ કર્યુ છે. આવા જ લોકો દેશના સાચા હીરો છે. જે નિઃસ્વાર્થભાવે દેશની રક્ષા, સમાજ સુધારણા, પર્યાવરણ માટે કામ કરી રહ્યા છે.
નોંધનીય છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કર્ણાટકના પર્યાવરણવિદ તુલસી ગૌડાને સામાજિક કાર્ય માટે પદ્મશ્રી અર્પણ કર્યું છે. તેમણે 30,000 થી વધુ રોપાઓ વાવ્યા છે અને છેલ્લા છ દાયકાથી પર્યાવરણ સંરક્ષણ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. તેઓ 77 વર્ષના અને કર્ણાટકના રહેવાસી છે.