ડેમની સપાટી ૨૮ ફુટે આંબી: સતત વરસાદના કારણે પાણીની આવક ચાલુ મોડીરાત સુધીમાં આજી છલકાય જાય તેવી સંભાવના: પદાધિકારીઓના હૈયે હરખ
છેલ્લા એક પખવાડીયાથી સતત વરસી રહેલા વરસાદના કારણે શહેરીજનો હવે રિતસર તોબા પોકારી ગયા છે તો બીજી તરફ વ‚ણ વ્હાલના કારણે રાજકોટવાસીઓ માટે એક સારા સમાચાર પણ મળી રહ્યા છે. આજી ડેમ ઓવરફલો થવામાં હવે માત્ર ૧ ફુટ જ બાકી રહ્યો છે. આજે બપોરે ડેમની સપાટી ૨૮ ફુટે આંબી ગઈ છે. સતત વરસાદ ચાલુ હોવાના કારણે ડેમમાં ધીમીધારે પાણીની આવક ચાલુ છે. આજે મોડીરાત સુધીમાં આજીડેમ છલકાય જાય તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. ૪ વર્ષ બાદ આજી છલકાવવાની તૈયારીમાં હોય મહાપાલિકાના પદાધિકારીઓના હૈયે હરખ સમાતો નથી. આજે ડેમ સાઈટ પર સવારથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા.આ અંગે મહાપાલિકા અને સિંચાઈ વિભાગના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગત મુજબ રાજકોટની જળજ‚રીયાત સંતોષવામાં સિંહફાળો આપતા આજી-૧ ડેમમાં સતત પાણીની આવક ચાલુ હોય. આજે બપોરે આજીડેમની સપાટી ૨૮ ફુટે પહોંચી જવા પામી હતી. આજીડેમ ૨૯ ફુટે ઓવરફલો થાય છે. ૯૩૩ એમસીએફટીની સંગ્રહશકિત ધરાવતા આજીડેમમાં ૮૭૦ એમસીએફટી જળજથ્થો સંગ્રહિત થઈ ગયો છે. ડેમ ૯૨ ટકા ભરાઈ ગયો છે. આજીડેમ ઓવરફલો થવાની તૈયારીમાં હોવાની વાત શહેરભરમાં વાયુવેગે પ્રસરતા આજે ચાલુ વરસાદે ડેમ સાઈટ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. જે રીતે ડેમમાં સતત પાણીની આવક ચાલુ છે તે જોતા એવું લાગી રહ્યું છેકે આજે મોડીરાત સુધીમાં આજીડેમ ઓવરફલો થઈ જશે. આજી ઓવરફલો થતા ડેમમાં નવા નીરના વધામણા કરવા મહાપાલિકાના પદાધિકારીઓએ તમામ પ્રકારની તૈયારી કરી રાખી છે.અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાપનાકાળથી ૪૦ વર્ષ સુધીમાં આજીડેમ માત્ર ૧૧ વખત જ ઓવરફલો થયો છે. ચાલુ સાલ આજીને નર્મદાના નીરથી ભરી દેવા અબજો ‚પિયાના ખર્ચે પાઈપલાઈન બિછાવવામાં આવી છે. ૧૪ ફુટ સુધી આજીડેમ નર્મદાના નીરથી પણ ભરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ મેઘમહેર ઉતરતા ડેમ હવે ઓવરફલો થવાની તૈયારીમાં છે.આ ઉપરાંત રાજકોટની જળજ‚રીયાત સંતોષતા અન્ય બે જળાશયોમાં પણ પાણીની ધોધમાર આવક ચાલુ છે. ૩૪ ફુટે ઓવરફલો થતા ભાદર ડેમની સપાટી આજે બપોરે ૨૪.૩૦ ફુટે પહોંચી જવા પામી છે. જયારે ઉંચાઈ વધ્યા બાદ ૨૫ ફુટની સપાટીએ પહોંચેલા ન્યારી ડેમની સપાટી પણ ૧૮.૪૦ ફુટે પહોંચી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
ડેમ ૧૯ ફુટ ભરાતા જ તમામ ૧૧ દરવાજા ખોલી નંખાશે
રાજકોટ મહાનગરપાલિકાની માલિકીના એકમાત્ર જળાશય એવા ડેમની ઉંચાઈમાં ૧ મીટરનો વધારો કરવામાં આવ્યો છે. સાથોસાથ ડેમ પર ૧૧ દરવાજા પણ મુકવામાં આવ્યા છે.રાજય સરકાર દ્વારા સતાવાર મંજુરી મળતા સિંચાઈ વિભાગના ચોપડે ન્યારી ડેમની ઉંચાઈ વધી જવા પામી છે. આજે બપોર સુધીમાં ન્યારી ડેમ ૧૮.૪૦ ફુટ ભરાઈ ગયો છે. ન્યારીની સપાટી ૧૯ ફુટે જ પહોંચતાની સાથે જ ૩૦૨૦ રેડીયલના તમામ ૧૧ દરવાજા સલામતીના ભાગ‚પે ખોલી નાખવામાં આવશે તેમ મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું. તેઓએ ઉમેર્યું હતું કે, અગાઉ ૧૮ ફુટની સપાટીએ દરવાજા ખોલી નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ હાલ જુલાઈ માસના અંતિમ દિવસો ચાલી રહ્યા હોય ચોમાસાની સીઝનને આડે હવે દોઢ માસનો સમય બાકી રહ્યો છે ત્યારે ડેમના તમામ દરવાજા ૧૮ નહીં પરંતુ ૧૯ ફુટની સપાટીએ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.