અનેક વખત રજૂઆત છતાં કાર્યવાહી નહીં
ઉના તાલુકાના ઉમેજ ગામે જ્યાં છેલ્લા ૪ વર્ષથી નાના ભૂલકાંઓ જીવન જોખમે શિક્ષણના પાપા પગલી ભરી રહ્યા છે. ૩ હજારની વસ્તી ધરાવતા ઉમેજ ગામમાં આવેલી આ આંગણવાડી છેલ્લા ચાર વર્ષથી અતિ જર્જરિત અને જોખમી બની છે. આંગણવાડી વર્કરથી લઈ ગ્રામ પંચાયત સુધીના તમામ લોકોએ લેખિત અને મૌખિક રજુઆત કરી છતાં બહેરા તંત્રના કાને વાત અથડાય ને પાછી આવે છે.
આ જૂનું બાંધકામ અને ઇમારત જોઈ ને જ લાગે છે કે આ ઇમારત સંપૂર્ણ જર્જરિત થઈ છે. આ આંગણવાડીમાં ૩૦ જેટલા ભૂલકાઓ આંગણવાડી જર્જરિત હોવાના કારણે છેલ્લા ચાર વર્ષથી બહાર લોબીમાં બેસીને શિક્ષણ મેળવે છે. અને આંગણવાડી પણ આટલી હદે જર્જરિત છે કે ઘણીવાર તો બાળકો જમવા બેઠા હોઈ અને ઉપરથી પોપડા ખરે છે. તો હાલમાંજ ગીર સોમનાથ જિલ્લામાં આવેલા વરસાદમાં આ આંગણવાડીમાં ચારેય બાજુથી પાણી ટપકતું હતું. આંગણવાડી છેલ્લા ચાર વર્ષથી જર્જરિત હોવા છતાં અને ૪ મહિનાથી સીડીપીઓ દ્વારા ઉપલી કક્ષાએ રજુઆત કરવા છતાં આજ દિન સુધી આ આંગણવાડીના નાના ભૂલકાંઓ માટે સરકારી બાબુઓએ બીજી કોઈ જગ્યાની વ્યવસ્થા કરી નથી.