બીઆઈએસના નોટિફિકેશન પૂર્વે થયેલા સ્ટોકના નિકાલ માટે સમય માંગતું ટોય એસોસીએશન
મહામારી બાદ અનેક રમકડાંની દુકાનો નિર્જન થઈ ગઈ હોય તેવું સામે આવ્યું છે. એકતરફ ઓછું વેચાણ અને બીજી બાજુ ઇન્વેન્ટરીના ઢગલાથી વેપારીઓ ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં રમકડા ઉત્પાદકોએ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (બીઆઈએસ) ને વિનંતી કરી છે કે, તેઓને રમકડાંની હાલની બીએસઆઈ દ્વારા માન્ય ઇન્વેન્ટરીનો ઉપયોગ કરવાની અને તેને વેચવાની મંજૂરી આપવામાં આવે જેથી જુના સ્ટોકનો નિકાલ કરી શકાય.
અમદાવાદ ટોય એસોસિએશનએ બુધવારે આ મામલે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના હસ્તક્ષેપની માંગ કરી હતી. ૧ જાન્યુઆરી ૨૦૨૧થી અમલી બીઆઈએ એ બીએસઆઈ મંજૂરી વગરના રમકડાંના સ્ટોકને ગેરકાયદેસર ગણાવતું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. જો કે, રમકડાના વેપારીઓએ પહેલેથી જ ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધી મોટો સ્ટોક કરી લીધો હતો.
મોટાભાગના રમકડાં આયાત કરવામાં આવે છે અને ૨૦૨૦ સુધી ખરીદેલો સ્ટોક બીઆઈએસ દ્વારા વેચાણ માટે મંજૂર કરવામાં આવી હતી. જો કે સૂચનાના પગલે, રમકડાના વેપારીઓ હવે જૂના સ્ટોકનું વેચાણ કરી શકતા નથી કારણ કે તેને ગેરકાયદેસર ગણવામાં આવે છે અને સુચનાને પગલે અનેક રમકડાના વેપારીઓ પર દરોડા પાડવામાં આવ્યા છે અને રૂ. ૨ લાખ સુધીનો ભારે દંડ પણ ફટકારવામાં આવ્યો છે તેવું ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વાઇસ પ્રેસિડેન્ટ પથિક પટવારીએ જણાવ્યું હતું.
મહામારીને પગલે રમકડાના વેપારીઓનો ધંધો લાંબા સમય સુધી બંધ રહ્યા બાદ અનલોક થયા છતાં કોઈ સારો વ્યવસાય થયો નથી. બીજી બાજુ ઓનલાઈન માર્કેટને લીધે પણ ઘણી નુકસાનીનો સામનો કરવો પડ્યો છે. એસોસિએશને હવે સરકાર સમક્ષ તેમના મુદ્દાઓ રજૂ કરવા માટે જીસીસીઆઇના હસ્તક્ષેપની માંગ કરી છે. વેપારીઓ ઇચ્છે છે કે, તેઓને હાલની ઇન્વેન્ટરી કોઈપણ મુશ્કેલી વિના વેચવાની છૂટ આપવામાં આવે અને તેથી અગાઉ પ્રાપ્ત કરેલ સ્ટોક વેચવાની સમયમર્યાદા લંબાવવામાં આવે જેથી તેમને ભારે દંડ સહન ન કરવો પડે.