ભૂગર્ભ ગટરના કામમાં ગેરરીતિ થયાના પ્રકરણમાં ખાસ રચવામાં આવેલી સમીતીએ કસુરવાર સામે ફરિયાદ દાખલ કરવાનો હુકમ આપ્યો હતો. તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતાં જિલ્લા પંચાયતના સદસ્ય મનોજ બાલધાએ ૧૦ દિવસના અલ્ટીમેટમ સાથે આત્મવિલોપન કરવાની ચિમકી ઉચ્ચારી છે.
જિલ્લા પંચાયતના સદસ્ય મનોજ બાલધાએ જણાવ્યું હતું કે, જામકંડોરણામાં ૨૦૧૧માં ભૂગર્ભ ગટરની જે કામગીરી કરવામાં આવી હતી તેમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો. આ અંગેની ધારદાર રજૂઆત થતાં ખાસ સમીતીની રચના કરવામાં આવી હતી. આ સમીતીએ ગેરરીતિનો આક્ષેપ સાચો હોવાથી કાર્યપાલક ઈજનેરને કસુરવારો સામે ફરિયાદ નોંધાવવાનો આદેશ કર્યો હતો. તેમ છતાં કાર્યપાલક ઈજનેરે કસુરવારો સામે ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી કરી નથી. જો ૧૦ દિવસમાં આ મામલે કોઈ પગલા ભરવામાં નહીં આવે તો આત્મવિલોપન કરવામાં આવશે.
આ મામલે કાર્યપાલક ઈજનેર પરમારે જણાવ્યું કે, આ પ્રકરણ અંગે સરકારને જાણ કરવામાં આવી છે. કસુરવાર સામે ફરિયાદ દાખલ કરવા માટે સરકારની મંજૂરી મંગાઈ છે. સરકારમાંથી મંજૂરી મળ્યા બાદ કસુરવાર સામે ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરાશે.