કેમ દરેક સંબંધ ને કોઇ નામ નથી આપી શકાતુ? એ લાગણી ના સંબંધ ને ક્યુ નામ આપવુ કે જ્યા ફક્ત અને ફક્ત વિશ્વાસ છે, કાળજી છે, સ્નેહ છે અને એ કોઇ પણ જાત ની અપેક્ષા અને સ્વાર્થ વગર. માન્યુ કે આ સંસાર સ્વાર્થ અને મલિનતા થી ભર્યો પડ્યો છે પણ શુ એની સજા નિસ્વાર્થ લાગણી એ ભોગવવી? હા, એ જ ભોગવે છે પણ એ કેટલુ વ્યાજબી છે?
શુ એ સંબંધ મિત્રતા નો ન કહેવાય? ‘મિત્રતા’ કેટલો સરસ શબ્દ… બોલતા જ જાણે હૈયુ ભરાય જાય, એક નિર્દોષતા છલકાય જાય. સ્નેહ, કાળજી, પોતિકાપણુ, નિસ્વાર્થતા, લાગણી, અહેસાસ અને વિશ્વાસ ના સાત રંગો નુ જાણે ઈન્દ્રધનૂષ. અને જેની પાસે આ ઈન્દ્રધનૂષ હોય એ ખરેખર નસીબદાર કહેવાય.
જો કોઇ ને બે મિત્ર ની કલ્પના કરવા નુ કહીએ તો કા તો એ બે ભાઇબંધ અથવા બે સખીઓ ની જ કલ્પના કરશે. કોઇ એક સ્ત્રી – પુરુષ ની કલ્પના પણ નહી કરે…
કેમ સ્ત્રી-પુરુષ મિત્ર ન હોઇ શકે? આપણે આ સંબંધ ને કેમ સ્વિકારી શકતા નથી? ખૂબ મોર્ડન ગણાવતા આપણે વાતો કરવા પૂરતા જ મોર્ડન થઇ શક્યા છીએ પણ હકિકત મા એ રૂઢીચૂસ્તતા આપણે મૂકવી જ નથી… અને એ ચક્કર મા ભારતીય સંસ્કૃતિ કે પાશ્ચાત્ય સંસ્કૃતિ કાઇ અપનાવી શક્યા નહી. કોઇ સંસ્કૃતિ મિત્રતા ની વિરોધ મા હોય જ ન શકે…આપણે આડંબરો થી એટલા ઘેરાય ગયા છીએ આમ તો ટેવાય ગયા છીએ કે સાદા- સીધા સંબંધ પણ નથી સમજાતા. આપણે ખડખડાટ હસવા મા સંકોચ કરતા થઇ ગયા છીએ અને રડવા નુ પણ sophisticated થઇ ને…આપણે આપણી જાત થી પણ ભૂલા પડી ગયા છીએ.. એટલા સ્વાર્થી અને મતલબી બની ગયા છીએ કે દરેક સંબંધ મા ફાયદો જ ગોતીએ અને જો ફાયદો નહી તો સંબંધ પણ નહી… પણ આવા લોકો થી ભરેલી આ દુનિયા મા અપવાદ પણ હોઇ શકે એવુ કેમ યાદ નથી ….
મોટા ભાગે એવુ જોયુ છે કે સ્ત્રી જ સ્ત્રી ની દુશ્મન બની જાય છે.. અને ઈષ્યૉ અને અદેખાય મા એ બીજી વ્યક્તિ પણ સ્ત્રી જ છે એ ભૂલી જાય છે..જયારે એક પુરુષ ને બીજા પુરુષ મા હરિફ વધુ દેખાશે.
પણ જયારે એક સ્ત્રી – પુરુષ ની મિત્રતામા નથી ઇર્ષા કે નથી હરિફાય. એ એક બીજા ની મદદ કરશે તો પણ કોઇ સ્વાર્થ વગર. આવા જ કારણોસર કદાચ એક સ્ત્રી અને પુરુષ એક બીજા ને વધુ સારી રીતે સમજી શકે છે અને એ સમજણ જ એમને કાયમ મર્યાદા શિખવે છે જે ટૂટતી નથી. એવી લક્ષ્મણ રેખા જે ઓળંગાતી નથી ..આ વાત કદાચ ઘણા લોકો એ અનુભવી પણ હશે અને મન થી સ્વિકારતા પણ હશે..પણ સમાજ નહી સમજે એ બીક મા સાચા મિત્ર ખોયા પણ હશે.. ક્યારેક તો એવો સમય આવશે ને જ્યારે સમાજ ( આપણા થી જ બનેલા આપણે ) પણ આ સુંદર અને પવિત્ર સંબંધ ને સ્વિકારશે…….