દસ્તૂર માર્ગ સામેની રેલવે લાઇન નીચે નવું નાલુ બનાવવાની પણ ઘોષણા
ટ્રાફીકની સમસ્યા હલ કરવા અને રાજકોટને રેલવે ફાટક મુક્ત કરવા માટે કોર્પોરેશન દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં બ્રિજ બનાવવામાં આવી રહ્યાં છે. આજે મ્યુનિ.કમિશનર અમિત અરોરા દ્વારા રજૂ કરવામાં આવેલા ડ્રાફ્ટ બજેટમાં નવા ત્રણ બ્રિજની ઘોષણા કરવામાં આવી હતી. અથવા નાણાકીય જોગવાઇ કરવામાં આવી હતી. જામનગર રોડ પર આવેલો હયાત સાંઢીયા પુલ જર્જરિત હાલતમાં ફેરવાઇ ગયો છે. અહિં અદ્યતન ફોર લેન બ્રિજ બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ખર્ચ આશરે 60 કરોડ રૂપિયા જેવો થવા પામશે. વર્ષ-2023-2024ના બજેટમાં 27.50 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
બ્રિજની ડિઝાઇન મંજૂરી માટે રેલવે વિભાગ સમક્ષ રજૂ કરી દેવામાં આવી છે. જે મળતાની સાથે જ નિર્માણ કામ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત ઢેબર રોડ અને ગોંડલ રોડ વચ્ચે રેલવે લાઇન પર પીડીએમ ફાટક પર કોર્પોરેશન દ્વારા ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશનની ગ્રાન્ટની અપેક્ષાએ બ્રિજ બનાવવાનું કામ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત કાલાવડ રોડ પર ટ્રાફીકનું ભારણ હળવું કરવા માટે કટારીયા ચોકડી પાસે પણ બ્રિજ બનાવવાનો વિચાર બજેટમાં રજૂ કરવામાં આવ્યો છે. પ્રિ-ફિઝીબીલીટી રિપોર્ટ અને પ્રાથમિક એસ્ટીમેન્ટ તૈયાર કરવામાં આવશે.
શહેરના ટાગોર રોડ પર ટ્રાફીકનું ભારણ ઘટાડવા માટે લક્ષ્મીનગર તરફનો માર્ગ પહોળો કરવામાં આવ્યો છે. હવે આ યોજનાને આગળ વધારવા માટે અને અમિન માર્ગ સામે આવેલા એસ્ટ્રોન નાલા પરના ટ્રાફીકના ભારણને ઘટાડવા માટે એવીપીટીઆઇ વાળા 9 મીટરના રોડને પહોળો કરી રેલવે લાઇન નીચે નવું નાલું પણ બનાવવામાં આવશે.