વોર્ડ નં.3માં નવા ભળેલા માધાપર અને વોર્ડ નં.9માં મુંજકા વિસ્તારમાં ડ્રેનેજ નેટવર્ક માટે રૂ.25.94 કરોડ જ્યારે વોર્ડ નં.11માં ડીઆઇ પાઇપલાઇન બિછાવવા રૂ.17.89 કરોડના ખર્ચને સ્ટેન્ડિંગની બહાલી
સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 45 પૈકી એક દરખાસ્તમાં રિટેન્ડરીંગનો નિર્ણય: 44 દરખાસ્તોને મંજૂરીની મહોર: રૂ.50.84 કરોડના વિકાસકામોને લીલીઝંડી
રાજકોટ મહાનગરપાલિકામાં આજે બપોરે ચેરમેન પુષ્કરભાઇ પટેલની અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 45 પૈકી 44 દરખાસ્તોને બહાલી આપી રૂ.50.84 કરોડના વિકાસકામો મંજૂર કરવામાં આવ્યા હતા. કોર્પોરેશનના વિવિધ કામો માટે ફોટોગ્રાફીનો રેઇટ કોન્ટ્રાક્ટ આપવાની હજુ ઓછા ભાવ મળશે તેવી સંભાવનાના કારણે નામંજૂર કરવામાં આવી છે. શહેરના વોર્ડ નં.3માં નવા ભળેલા માધાપર વિસ્તાર અને વોર્ડ નં.9માં ભળેલા મુંજકા વિસ્તારમાં ડ્રેનેજ નેટવર્ક માટે રૂ.25.94 કરોડનો ખર્ચ મંજૂર કરાયો છે. જ્યારે વોર્ડ નં.11માં ડીઆઇ પાઇપલાઇન નેટવર્ક બિછાવવા માટે રૂ.17.89 કરોડનો ખર્ચ બહાલ રાખવામાં આવ્યો છે.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલે જણાવ્યું હતું કે આજે ખડી સમિતિની બેઠકમાં 44 દરખાસ્તોને સર્વાનુમતે બહાલી આપવામાં આવી છે. શહેરના વોર્ડ નં.18માં કોઠારિયા મેઇન રોડ પર મિની ટીપરવાન માટે પાર્કિંગ સ્ટેશન બનાવવા રૂ.69.50 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. જ્યારે વોર્ડ નં.3માં નવા ભળેલા માધાપર વિસ્તારમાં દક્ષિણ-પૂર્વ ભાગમાં ડ્રેનેજ લાઇન નાંખવા અને રોડ રીસ્ટોરેશન માટે રૂ.4.39 કરોડ જ્યારે માધાપરના ઉત્તરથી પૂર્વના ભાગમાં ડ્રેનેજ લાઇન અને રોડ રિસ્ટોરેશનની કામગીરી માટે રૂ.5.58 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.
વોર્ડ નં.9માં મુંજકા વિસ્તારમાં પાર્ટ-2, 3 અને 4માં સૂચિત સુએજ પમ્પીંગ સ્ટેશન માટે નેટવર્કની કામગીરી કરવા તથા રોડ રિસ્ટોરેશન સહિતના કામ માટે અનુક્રમે રૂ.4.35 કરોડ, રૂ.5.44 કરોડ અને રૂ.6.18 કરોડનો ખર્ચ મંજૂર કરાયો છે. જેનાથી અવધ રોડ પર સીઝન્સ હોટેલની પાછળનો વિસ્તારથી લઇ મુંજકા ગામ સુધીમાં ડ્રેનેજનું નેટવર્ક ઉભું કરવામાં આવશે. અહિં ખુલ્લી ગટરો અને સોસ ખાડા છે. જેમાંથી શહેરીજનોને મુક્તિ મળશે. તેઓએ વધુમાં ઉમર્યું હતું કે વોર્ડ નં.11માં અમૃત-2 હેઠળ ડીઆઇ પાઇપલાઇન અને રોડ રિસ્ટોરેશનના કામ માટે રૂ.17.89 કરોડ મંજૂર કરવામાં આવ્યું છે. જેનાથી આ વોર્ડમાં વસવાટ કરતા હજ્જારો લોકોને ભવિષ્યમાં પૂરા ફોર્સથી પાણી મળશે.
આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આંગણવાડી માટે રૂ.15.60 લાખ, કમ્પાઉન્ડ વોલ બનાવવા માટે રૂ.32.48 લાખ, પેવિંગ બ્લોકના કામ માટે રૂ.18.25 લાખ, રસ્તા કામ માટે રૂ.2.93 કરોડ, રોશની શાખા માટે રૂ.48 લાખ, નવા વાહનની ખરીદી માટે રૂ.16 લાખ, સ્ટોમ વોટર લાઇન નાંખવા રૂ.1.18 કરોડ જ્યારે વોટર વર્ક્સના કામો માટે રૂ.40.27 લાખના ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આજે 44 દરખાસ્તોને બહાલી આપી રૂ.50.84 કરોડનો ખર્ચ મંજૂર કરાયો છે.
શહેરના તમામ નાના-મોટા 163 બ્રિજ, પુલીયા અને કલવર્ટની મજબૂતાઇ ચકાસાશે
અમદાવાદમાં હાટકેશ બ્રિજની ઘટના બાદ રાજ્ય સરકારના આદેશ મુજબ ચોમાસા પહેલા અને પછી બ્રિજની ચકાસણી કરાશે
અમદાવાદના હાટકેશ બ્રિજની ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા તમામ નાના-મોટા બ્રિજ, પુલીયા, વોંકળા પરના કલવર્ટની મજબૂતાઇ તપાસવા માટે આદેશ આપવામાં આવ્યો છે. બ્રિજ ઇન્સ્પેક્શન માટે ક્ધસલ્ટન્ટની નિમણૂંક કરવા માટે રૂ.28 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. શહેરમાં સતત ફ્લાયઓવર બ્રિજ, ચાર રેલવે ઓવરબ્રિજ, ચાર રેલવે અન્ડરબ્રિજ ઉપરાંત વોંકળા પરના પુલોની મજબૂતાઇની ચકાસણી ચોમાસા પૂર્વે અમદાવાદની કસાડ ક્ધસલ્ટન્ટ પ્રાઇવેટ લીમીટેડ દ્વારા કરવામાં આવશે. આ માટે એજન્સીને રૂ.28 લાખ ફી ચુકવવામાં આવશે.
પાંચ વર્ષ પહેલા બાંધવામાં આવેલા નાના-મોટા પુલ અને બ્રિજનું ઇન્સ્પેક્શન બે કેટેગરીમાં કરવામાં આવશે. જેમાં ચોમાસાની સિઝન શરૂ થયા પૂર્વે અને ચોમાસાની સિઝન પૂરી થયા બાદ બ્રિજની ચકાસણી કરવામાં આવશે. અમદાવાદમાં પુલ બનાવાયા બાદ હાટકેશ વિસ્તારમાં પુલનું બાંધકામ ખૂબ જ નબળું હોવાના કારણે તેને તોડી પાડવામાં આવ્યું હતું. આ ઘટના બાદ સરકારે તમામ પુલની ચકાસણી કરવા માટેના આદેશ આપ્યા છે. જેના પગલે શહેરમાં આવેલા તમામ 163 બ્રિજ અને પુલીયાની મજબૂતાઇ ચેક કરાશે.
જનરલ બોર્ડ અને સ્ટેન્ડિંગમાં મોબાઇલનો ઉપયોગ ન કરવા શહેર ભાજપ પ્રમુખના આદેશ છૂટ્યા
ગઇકાલે મહાપાલિકામાં મળેલી જનરલ બોર્ડની બેઠકમાં ભાજપના અનેક કોર્પોરેટરો પ્રજાની પ્રશ્ર્નની ચર્ચામાં ભાગ લેવાના બદલે મોબાઇલમાં વ્યસ્ત હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાને પગલે આજે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણીએ ભાજપના તમામ કોર્પોરેટરોને જનરલ બોર્ડ કે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મોબાઇલનો ઉપયોગ ન કરવા માટે કડક ભાષામાં તાકીદ કરી હતી. આટલું જ નહિં શહેર ભાજપની કે કોર્પોરેશનની અગત્યની બેઠકોમાં નગરસેવકોએ ગંભીરતા પૂર્વક ભાગ લેવા અને મોબાઇલમાં સતત રચ્યા-પચ્યા ન રહેવા માટે તાકીદ કરી છે. ગઇકાલે જનરલ બોર્ડમાં જે નગરસેવકો મોબાઇલમાં આનંદ ઉઠાવતા હતા તેઓને ઠપકો આપવામાં આવ્યો છે. આવી ઘટનાથી પક્ષની આબરૂનું ધોવાણ થતું ફરીથી આવી ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવા પણ સૂચન કરાયું છે.
ધારાસભ્ય ઉદય કાનગડની કોર્પોરેશનમાં ઓચિંતી એન્ટ્રી!
ધારાસભ્ય ઉદયભાઇ કાનગડે આજે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીમાં અચાનક એન્ટ્રી કરતાં નગરસેવકો થોડા આશ્ર્ચર્યમાં મૂકાઇ ગયા હતા. તેઓએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની એન્ટી ચેમ્બરમાં 30 મિનિટથી પણ વધુ સમય વિતાવ્યો હતો. આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હોય ઉદયભાઇ દરખાસ્તો પર નજર ફેરવી હતી. સાથોસાથ ચેરમેન પુષ્કરભાઇ પટેલને એવી તાકીદ કરી હતી. રામનાથ પરામાં બનાવવામાં આવેલા ફ્લાવર માર્કેટના થડાંની ફાળવણીમાં એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે એક જ પરિવારના એક થી વધુ સભ્યને થડાની ફાળવણી કરી દેવામાં ન આવે.
રોડની ફરી પથારી ફરશે: અન્ડર ગ્રાઉન્ડ લાઇન નાંખવા રોડ ખોદવાની મંજૂરી
સામાન્ય રીતે ચોમાસાની સિઝનમાં રાજમાર્ગોની પથારી ફરી જતી હોય છે પરંતુ હવે આખું વર્ષ ગમે ત્યારે રસ્તાઓ ખોદી નાંખવા માટે તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી હોય તેવું લાગવામાં આવી રહ્યું છે. ગુજરાત ટેલીકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પોલીસી-2020-2022 અંતર્ગત અન્ડર ગ્રાઉન્ડ ટેલીગ્રાફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓવર ગ્રાઉન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઇન્સ્ટોલેશન માટે રોડ ખોદવા માટે અલગ-અલગ કંપનીઓને પરવાનગી આપવાની દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બહાલી આપવામાં આવે છે.
આઠ સર્કલ ડેવલપ કરવા માટે અપાશે
કોર્પોરેશન દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલા સર્કલ અને આઇલેન્ડ ખાનગી સંસ્થા અને કં5નીઓને ડેવલપ કરવા માટે આપવામાં આવે છે. જેના થકી સર્કલોની શોભા પણ વધે છે અને કોર્પોરેશનને આવક પણ થાય છે. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અલગ-અલગ આઠ સર્કલ ડેવલપ કરવા માટે આપવાની દરખાસ્તને બહાલી આપવામાં આવી હતી. જેના થકી કોર્પોરેશનને વાર્ષિક રૂ.13.78 લાખની આવક થશે. પેડક ચોકનું સર્કલ વિજે મોદી સ્કૂલ, સ્વાતી પાર્ક મેઇન રોડ પર પાંચ રસ્તાનું સર્કલ રોલેક્સ રિંગ લીમીટેડ, એસ્ટ્રોન ચોકનો સર્કલ દેકીવાડીયા હોસ્પિટલ, 150 ફૂટ રીંગ રોડ પર રૈયા ચોકનું સર્કલ વિજે મોદી સ્કૂલ, મહાપૂજાધામ ચોકનું સર્કલ સિજીસ હોસ્પિટલ, જડ્ડુસ રેસ્ટોરન્ટ પાસે ઓવરબ્રિજ નીચેનું સર્કલ પીપી ડેવલોપર્સ અને નાના મવા રોડ પર મોકાજી સર્કલ પીપી ડેવલપર્સને ડેવલપ કરવા માટે આપવામાં આવશે.