ઝુમાં હાલ 60 પ્રજાતિના 525 વન્ય પ્રાણી-પક્ષીઓ કરી રહ્યા છે વસવાટ
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રધુમન પાર્ક ઝૂમ શાહમૃગ (ઓસ્ટ્રીચ) પક્ષીએ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો છે.તેમ મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને બાગબગીચા અને ઝૂ સમિતિના ચેરમેન અનીતાબેન ગોસ્વામીએ જણાવ્યું છે.
ઝૂ ખાતે શાહમૃગ પક્ષીની જોડી ( મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવી રહેલ છે. આ બન્ને નર તથા માદા પક્ષીઓને અહીનું કુદરતી જંગલ સ્વરૂપનું વાતાવરણ અનુકૂળ આવી જતા ચાલુ વર્ષે નર તથા માદાના સંવનનથી માદા શાહમૃગ દ્વારા ઇંડા મુકવામાં આવેલ. કુદરતી અવસ્થામાં શાહમૃગ પક્ષીઓમાં માદા પક્ષી દ્વારા ઇંડા મુકયા પછી ઇંડાઓને સેવવાનું કાર્ય નર તથા માદા બન્ને દ્વારા વારાફરતી કરવામાં આવે છે. ઘણી વખત શાહમૃગ પક્ષીઓમાં ઇંડા મુકયા પછી ઇંડાઓને સેવવાનું કાર્ય નર અને માદા દ્વારા સુવ્યવસ્થીત કરવામાં ન આવે તેવા સંજોગોમાં, ઇંડા સેવવા માટે ખાસ પ્રકારના આર્ટીફીસીયલ ઇંક્યુબેટર મશીનમાં આ ઇંડાઓને મુકવામાં આવેતા હોય છે.
ઉક્ત આર્ટીફીસીયલ ઇંક્યુબેટર મશીનમાં ઇંડા સેવવા માટે ઓટોમેટીક જરૂરી તાપમાન અને ભેજનું પ્રમાણ જાળવવાનું હોય છે. ઝૂ ખાતે પ્રથમ વખત સતત મોનીટરીંગ કરીને આર્ટીફીસીયલ ઇંક્યુબેટર મશીનમાં સફળતાપુર્વક ઈંડા સેવવાનું કાર્ય કરાતા 40 થી 4પ દિવસના ઇન્ક્યુબેશનના અંતે ઇંડાઓમાંથી 3 બચ્ચાંઓનો જન્મ થયેલ છે. ત્રણ બચ્ચાઓ પૈકી પ્રથમ બચ્ચું તા.03/02/2023, બીજુ બચ્ચું તા.07/02/2023 અને ત્રીજું બચ્ચું તા.09/02/2023ના રોજ જન્મ થયેલ છે. હાલ આ ત્રણેય બચ્ચાંઓ તંદુરસ્ત હાલતમાં છે અને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવેલ છે.
આ બચ્ચા મોટા થઈ ગયા બાદ પાંજરામાં મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવશે. હાલ ઝૂ ખાતે જુદી જુદી 60 પ્રજાતિઓનાં કુલ-પ24 વન્યપ્રાણી-પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવે છે. રાજકોટ પ્રાણીઉદ્યાનનો આધુનીક ઢબે વિકાસ કરાતા મુલાકાતીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયેલ છે.