રાષ્ટ્રધ્વજની ગરિમા જાળવી આન-બાન-શાનથી આઝાદીના 75 વર્ષની થશે ભવ્ય ઉજવણી
આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે રાષ્ટ્રપ્રેમની ભાવનાને ઉજાગર કરવાના હેતુસર રાજ્યભરમાં તા. 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ હર ઘર તિરંગા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવનાર છે. આ ઉજવણી અન્વયે રાજ્યના દરેક નાગરિકના હદયમાં રાષ્ટ્રધ્વજ અને દેશદાઝની ભાવના પ્રબળ થાય તે માટે તમામ ઘરો, દુકાનો, ઉદ્યોગ, વેપારી ગૃહો, સરકારી અને ખાનગી કચેરીઓ સહિત દરેક જગ્યાએ રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવશે. આ કાર્યક્રમને અનુસંધાને જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ રાજકોટ જિલ્લાના નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું છે કે, આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ અવસરે વ્યક્તિગત તિરંગો લહેરાવી રાષ્ટ્રપ્રેમની ભાવના બળવત્તર બનાવીએ. તેમજ અન્ય લોકોને પણ તેમાં સહભાગી થવા પ્રોત્સાહિત કરીએ. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રધ્વજની આન-બાન-શાન જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખીને રાષ્ટ્રધ્વજ લહેરાવવો જોઈએ.