આ પ્રોજેકટ જોડાવા માંગતા છાત્રોની 23 એપ્રીલે પ્રવેશ પરિક્ષા યોજાશે: વિદ્યાર્થીને તેમનું પ્રવેશ ફોર્મ શાળા મારફત કે ટ્રસ્ટની કચેરીએથી મેળવી લેવું
મેરીટ મુજબ પસંદ થયેલા વિદ્યાર્થીઓનો ધો.8 થી 12 સુધીનો તમામ શૈક્ષણીક ખર્ચ ટ્રસ્ટ ભોગવશે
પૂજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા સમાજના પછાત તેમજ છેવાડાના વિસ્તારો માટે ચલાવાઇ રહેલા વિવિધ 12 જેટલા સેવાકીય પ્રોજેકટ અંતર્ગત ભણવામાં તેજસ્વી પરંતુ આર્થિક રીતે નબળા પરિવારોમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે જ્ઞાનપ્રબોધિની શૈક્ષણિક પ્રોજેકટ ચલાવવામાં આવે છે.
ઉપરોકત પ્રોજેક્ટ અંતર્ગત ધો.7માં સરકારી કે ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા આર્થિક રીતે નબળા પરિવારોમાંથી આવતા વિદ્યાર્થીઓ કે જેમણે સાતમાં ધોરણમાં પ્રથમ સેમિસ્ટારમાં 85 % કે તેથી વધુ માર્કસ મેળવ્યા છે અથવા સરકારી શાળામાં 1 થી 3 નંબરમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે તેવા વિદ્યાર્થીઓની પ્રવેશ પરિક્ષા 23 એપ્રિલ, રવિવારના રોજ લેવામાં આવશે. પરીક્ષા શ્રી ચાણકય વિદ્યામંદિર, કરણપરા મેઇન રોડ , રાજકોટ ખાતે લેવાશે.
પ્રવેશ પરિક્ષામાં સામેલ થવા માંગતા વિદ્યાર્થીઓએ તેમનું અરજી પત્રક પોતાની શાળા મારફત અથવા ડાયરેકટ ટ્રસ્ટના કાર્યાલયેથી મેળવી 15 એપ્રિલ સુધીમાં ત્યાં જ પરત આપી દેવાનું રહેશે. – પ્રવેશ પત્રક સાથે વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો રંગીન ફોટો તથા ધો .7 ની પ્રથમ સેમિસ્ટારની માર્કશીટની નકલ આપવાની રહેશે.
પ્રવેશ પરિક્ષામાં ઉતિર્ણ થયેલા વિદ્યાર્થીઓને મેરીટ મુજબ પસંદ કરી તેઓને ધો .8 માં શહેરની શ્રેષ્ઠ શાળાઓમાં એડમીશન અપાવી ધો .12 સુધીનો તમામ શૈક્ષણિક ખર્ચ ટ્રસ્ટ ઉઠાવશે. જેમાં સ્કૂલ ફી, પુસ્તકો, નોટબુકસ, માર્ગદર્શીકાઓ, પેન્સીલ , રબ્બર , બોલપેન , યુનિફોર્મ તથા સાયકલનો પણ સમાવેશ થાય છે તેમજ લાભાર્થી વિદ્યાર્થીઓ માટે ટ્રસ્ટના બિલ્ડીંગમાં ગ્રુપ ટયુશનની પણ વ્યવસ્થા કરવામાં આવે છે ઉપરાંત તેમના આરોગ્યની કાળજી પણ ટ્રસ્ટ દ્વારા લેવાય છે . સાથોસાથ ટ્રસ્ટીઓ અને જ્ઞાનપ્રબોધિની કમિટિના વ્યકિતગત માર્ગદર્શન દ્વારા ઉચ્ચ કારર્કિદીના ઘડતર માટે સહાયરૂપ થવાનો પ્રયત્ન કરવામાં આવે છે .
અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનપ્રબોધિની શૈક્ષણિક પ્રોજેકટની શરૂઆતની બેચના વિદ્યાર્થીઓ ડોકટર, એન્જીનિયર, અધ્યાપક, ફાર્માસિસ્ટ કે સી.એ, બની ચુકયા છે તથા ઉંચા પગારવાળી નોકરીઓ મેળવી પોતાના કુટુંબના તારણહાર બનવા લાગ્યા છે. જ્ઞાનપ્રબોધિની પ્રોજેકટમાં પસંદ થયેલા વિદ્યાર્થીઓ ધો .10 તથા ધો .12 ની બોર્ડની પરિક્ષાઓમાં પણ રાજકોટ કેન્દ્રમાં 1 થી 10 માં સ્થાન પ્રાપ્ત કરી શકયા છે.
23 એપ્રિલ 2023, રવિવારે યોજાનારી પ્રવેશ પરિક્ષા માટે લાયક હોય તેવા તમામ વિદ્યાર્થીઓને પોતાની શાળા મારફત અથવા ડાયરેકટ ટ્રસ્ટના કાર્યાલયનો સંપર્ક સાધી અરજીપત્રક મોડામાંમોડું 15 એપ્રિલ 2023, શનિવાર સુધીમાં પહોંચાડી આપવા માટે ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ રૂપાણી તથા ટ્રસ્ટી શ્રીમતિ અંજલીબેન રૂપાણીની યાદીમાં જણાવાયું છે.
વિશેષ માહિતી માટે ટ્રસ્ટના વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટનો ફોન નં . (0281) 2704545, 2701098 દ્વારા અથવા ટ્રસ્ટના કાર્યાલય ’ ’ કિલ્લોલ’ , 1 – મયુરનગર, મહાપાલિકા પૂર્વઝોન કચેરી સામે, ભાવનગર રોડ , રાજકોટ -360003 ખાતે રૂબરૂ સંપર્ક સાધવા જણાવાયું છે.