સુરતના ચોકબજાર ખાતે ધોરણ 8માં અભ્યાસ કરતી કિશોરીને સોશિયલ મીડિયા પર મિત્રતા કરવી ભારે પડી હતી. સગીરા સાથ ઈન્સ્ટાગ્રામ પર યુવકે મિત્રતા કર્યા બાદ તેણીને મળવા બોલાવી અને બે મિત્રો ભેગા મળી કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે અન્ય એક ત્રીજા મિત્ર દ્વારા સગીરાના બીભત્સ ફોટા મોબાઈલમાં છે અને તે વાઈરલ કરવાની વાત કરી કિશોરી સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના અંગે ચોકબજાર પોલીસ દ્વારા સગીરાની માતાની ફરિયાદના આધારે ગુનો નોંધી મુખ્ય આરોપી સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
13 વર્ષીય સગીરા પર બે શખ્સોએ દુષ્કર્મ આચર્યું: ત્રીજાએ બીભત્સ ફોટા વાઈરલ કરવાની આપી ધમકી
સુરતના ચોક બજાર પોલીસ મથકમાં 13 વર્ષીય કિશોરી સાથે ઈન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવેલા યુવક અને તેના મિત્રો દ્વારા દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. સુરતના ચોક બજાર વિસ્તારમાં રહેતી 35 વર્ષીય મહિલા મૂળ બોટાદના વતની છે. તેમને સંતાનમાં 13 વર્ષની દીકરી છે. સગીર વયની આ દીકરીનો ઈન્સ્ટાગ્રામ મારફતે અભય બોરડ નામના યુવક સાથે સંપર્ક થયો હતો. જે બાદ બંને વચ્ચે મોબાઈલ નંબરની આપ લે થઈ હતી.
બંને વચ્ચે મિત્રતા કેળવાતા વોટ્સએપ પર ચેટ કરતા હતા. અભય ફરવા લઈ જવાના બહાને સગીરાને પોતાની સાથે લઈ ગયો હતો. અવાવરું જગ્યાએ એક મકાનમાં લઈ જઈ બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યો હતો.ચોક બજાર પોલીસ પાસેથી મળતી જાણકારી પ્રમાણે દુષ્કર્મ આચર્યા બાદ 20 વર્ષીય અભય બોરડે તેના એક મિત્ર સંજય આહીરને પણ ફોન કરીને બોલાવ્યો હતો. સંજય આહીરે પણ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ બંને મિત્રોએ હરેશ સોલંકી નામના યુવકને પણ ત્યાં બોલાવ્યો હતો.
યુવકના આ ત્રીજા મિત્ર હરેશ સોલંકીએ સગીરા પાસે 500 રૂપિયાની માગણી કરી મોબાઈલમાં તેણીના બીભત્સ ફોટા હોવાની વાત કરી બ્લેકમેઈલ કરી હતી. જે બાદ હરેશ સોલંકી દ્વારા પણ સગીરા પર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.ફરિયાદના આધારે ચોક બજાર પોલીસે સરથાણા શ્યામધામ ચોક પાસે રહેતા મુખ્ય આરોપી અભય, ફોન કરીને બોલાવેલો મિત્ર સંજય આહીર અને બીભત્સ ફોટા હોવાની ધમકી આપી રૂપિયા માગી બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધવાની માગ કરનાર આરોપી હીરેન ઉર્ફે હેરીક ઉર્ફે હરેશ સોલંકીની પોલીસે ધરપકડ કરી છે. હાલ ચોક બજાર પોલીસે મુખ્ય આરોપી અભય બોરડ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.