રાજકોટમાં રહેતી અને ધો. 10માં અભ્યાસ કરતી 16 વર્ષ કરતા નાની તરૂણીને તેના વિકૃત ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડે મળવા બોલાવ્યા બાદ તેની છેડતી કરી, શરીરે બટકા ભરી લીધા બાદ ધરાર સંબંધ રાખવા દબાણ કરી છરી બતાવી ધમકી આપ્યાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે. જેના આધારે ગાંધીગ્રામ-2 પોલીસે છેડતી અને પોકસો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપી વિશાલ રાજુભાઈ ગોહિલની અટકાયત કરી હતી.

યુનિવર્સિટી પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુના નોંધી વિશાલ ગોહિલને ઝડપી પાડ્યો

ભોગ બનનાર તરૂણીની માતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગઈકાલે સાંજે તેની પુત્રી સ્કૂલેથી ઘરે આવ્યા બાદ સ્કૂલ બેગ મુકી છાશ લેવા નીકળી ગઈ હતી. પરંતુ અડધા કલાક સુધી પરત નહીં આવતા તેને કોલ કર્યો હતો. પરંતુ મોબાઈલ સ્વીચ ઓફ મળ્યો હતો. જેથી તે ઘરની બહાર તપાસ કરવા નીકળ્યા હતા. પરંતુ કોઈ પત્તો મળ્યો ન હતો. પાડોશીઓ પણ તપાસમાં જોડાયા હતા. સાંજના આઠેક વાગ્યા સુધી તપાસ કરી હતી પરંતુ કોઈ ભાળ મળી ન હતી.આખરે મોડી સાંજે આઠેક વાગ્યે તેની પુત્રી ઘરે આવી હતી. તે વખતે તેના ડાબા ગાલે, ડોકના ભાગે, બંને હાથના બાવળા ઉપર કાળા અને ઉઝરડાના નિશાન જોવા મળ્યા હતા.

જેથી આ બાબતે પુત્રીને પુછતા કહ્યું કે વિશાલ નામના યુવક સાથે તેને ઈન્સ્ટાગ્રામ મારફત પરિચય થયા બાદ વાતચીત થતી હતી. જે તેને મળવા સાંજે આવ્યો હતો. જેથી તેના બુલેટ પાછળ તે બેસી ગઈ હતી.ત્યારબાદ વિશાલ તેને કેકેવી હોલ નજીક આવેલા અવાવરૂ પ્લોટમાં લઈ ગયો હતો. જયાં અચાનક તેના શરીર પર બટકાં ભરી છેડછાડ શરૂ કરી હતી. તેણે વિરોધ કરતા છરી બતાવી કહ્યું કે મારી સાથે સંબંધ નહીં રાખે તો હું તને અને તારી માતાને છરીથી મારી નાખીશ.

જેને કારણે તે ડરી જતાં કંઈ બોલી ન હતી. આ પછી વિશાલ બુલેટ પર ત્યાંથી જતો રહ્યો હતો. જયારે તે પગપાળા ઘરે પહોંચી હતી. પુત્રીની આપવીતી સાંભળી માતા ચોંકી ઉઠી હતી. પરંતુ ગઈકાલે રાતનો સમય હોવાથી તત્કાળ ફરિયાદ નોંધાવી ન હતી. આજે બપોરે ગાંધીગ્રામ-2 પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે તત્કાળ પોલીસે આરોપી વિશાલને શોધી કાઢી તેની અટકાયત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.