શહેરમાં ચાલતું ‘બાળ મજૂરી’નું દૂષણ
ઓછા પગારે વધુ કામ કરાવવાની કારખાનેદારોની નીતિના પગલે ‘બાળપણ’ બન્યુ અંધકારમય
રાજકોટ શહેરમાં ઓછા પગારે વધુ કામ કરાવવાની કારખાનેદારોની નીતિના પગલે કેટલાક પરપ્રાંતિય શખસો દ્વારા અન્ય રાજયોમાંથી બાળ મજૂરોને રાજકોટમાં લાવી મજૂરીકામ કરાવતા હોવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. ત્યારે રાજકોટમાં બાળમજૂરો પાસે જોખમી કામ કરાવતા કારખાનેદારો પર નાયબ શ્રમ આયોગ્ત કચેરીના અધિકારી સહિતની ટીમે દરોડા પાડી ગોંડલ રોડ પર શિવ હોટલ પાછળ આવેલ ઉત્તમ મેટલ નામના કારખાનામાંથી છ બાળ મજૂરોને મુક્ત કરાવી કારખાનેદાર પટેલ મહિલા સામે આજી ડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજકોટના ખુણે-ખુણે ચાલતા અનેક ઉદ્યોગ ધંધામાં બાળ મજૂરો પાસે કાળી મજૂરી કરાવી ઓછુ વેતન ચૂકવી શોષણ કરવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે. શહેરના સામાકાંઠે સંતકબીર રોડ, રણછોડનગર, સોનીબજાર, આજી જીઆઈડીસી, બાપુનગર, ઉમાકાંત પંડિત ઉદ્યોગનગર, ગોંડલ રોડ પર વાવડી ઉદ્યોગનગર, શાપર-વેરાવળ જીઆઈડીસી, મેટોડા જીઆઈડીસી સહિતના ઉદ્યોગીક વિસ્તારમાં બહારના રાજ્યમાંથી ૧૮ વર્ષની ઓછી ઉંમરના બાળ મજૂરોને લાવી તેની પાસે જોખમી કામ કરાવી ઓછુ વેતન ચૂકવવામાં આવતું હોય જેના પગલે ધ ચાઈલ્ડ લેબર પ્રોહિબીસન એન્ડ રેગ્યુલેશન એકટ ૧૯૮૬ની કલમ ૩ (એ) મુજબ હેઠળ કારખાનેદારો સામે કાર્યવાહી ભૂતકાળમાં પણ કરવામાં આવી છે. શહેરના ગોંડલ રોડ પર શિવ હોટલ પાછળ આવેલ ઉત્તમ મેટલ નામના કારખાનામાં બાળ મજૂરો પાસે જોખમી કામ કરાવતા હોવાની ચોક્કસ બાતમીના આધારે સરકારી શ્રમ અધિકારી એસ.એસ.બપલ, સી.એસ.સાપરા (ડીસીપીયુક્યુઆરડબલ્યુ), ડી.બી.મોણપરા (ડીઆઈએસએસએચ), કે.જી.પંડ્યા (સ.શ્ર.અ.રાજકોટ) તથા એન્ટી ટ્રાફિકિંગ યુનિટના હેડ કોન્સ. બાદલભાઈ, ડી.એ.જાડેજા સહિતની ટીમે બાળમજૂરી નાબૂદી ઝુંબેશ હેઠળ દરોડો પાડતા ઉપરોકત કારખાનામાં છ બાળ મજૂરો પાસે કારખાનાના માલીક અને ચંદ્રેશનગર મેઈન રોડ પર રહેતા શીંગાળા સંગીતા પ્રકાશભાઈ નામના મહિલા જોખમી કામ કરાવતી હોવાનું બહાર આવ્યું હતું. બાળ મજૂરો પાસે કારખાનાના માલીક ૮ કલાકી વધારે કામ કરવાની ફરજ પાડતા હતા અને બદલામાં ઓછુ વેતન આપતા હતા. મુક્ત કરાયેલા બાળકોને બાળ સંરક્ષણ ગૃહમાં સુપ્રરત કરવામાં આવ્યા છે. કારખાનેદાર મહિલા સામે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બાળ મજૂરો પાસે જોખમી કામ કરાવવા બદલ અગાઉ ફરિયાદ નોંધાઈ છે
સરકારી શ્રમ અધિકારીની કચેરી દ્વારા રાજકોટના સંતકબીર રોડ, સાથેની બજાર સહિત અનેક સ્ળોએ ગત વર્ષ ૨૦૧૯માં ૧૧ કેસ અને ૪ ફરિયાદ કારખાનેદારો સામે કરવામાં આવી છે. હાલ ૨૦૨૦માં જાન્યુઆરી મહિનામાં ૮ કેસ ૧ ફરિયાદ અને ફેબ્રુઆરી મહિનામાં ૮ કેસ અને ૨ ફરિયાદ કારખાનેદારો સામે નોંધવામાં આવી છે. કાયદામાં ૨૦૧૬માં સુધારો આવ્યો હોય જેથી અધિકારીઓ દ્વારા ધ ચાઈલ્ડ લેબર (પ્રોહિબીશન એન્ડ રેગ્યુલેશન) એમેડમેન્ટ એકટ ૨૦૧૬ની કલમ ૩ એ મુજબ જોખમી પ્રક્રિયામાં તરૂણ શ્રમયોગીના કામ કરવા પર પ્રતિબંધ હોવા છતાં કારખાનેદારો દ્વારા આવી પ્રક્રિયા કરવામાં આવતી હોય તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બાળ મજૂરીમાંથી મુક્ત કરાયેલા બાળકોને તેના વાલીને સોંપવામાં આવે છે
બહારના રાજ્યમાંથી બાળ મજૂરોને લાવી ગુજરાત અને રાજકોટમાં મજૂરીકામ કરાવતા હોય આવા કિસ્સામાં શ્રમ અધિકારી દ્વારા દરોડા પાડી બાળ મજૂરોને મુક્ત કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવ્યા બાદ આ બાળ મજૂરોને બાળ સંરક્ષણ ગૃહમાં સુપરત કરવામાં આવે છે. ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પરપ્રાંતિય રાજયમાં બાળકોના વાલી વારસનો સંપર્ક કરી તેઓને બાળકોનો કબજો સોંપવામાં આવે છે અને બાળકોના શૈક્ષણિક પુન:વસન માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.
ધ ચાઈલ્ડ લેબર પ્રોહિબીશન એન્ડ રેગ્યુલેશન એકટનો ભંગ કરનાર સામે ૧ વર્ષની સજા અને ૫૦,૦૦૦ સુધીના દંડની જોગવાઈ
૧૮ વર્ષથી ઓછી ઉંમરના બાળકો પાસે કામ કરાવવું તે કાયદાકીય ગેરવ્યાજબી ગણવામાં આવે છે. ત્યારે રાજકોટ શહેરમાં ઠેક-ઠેકાણે બાળ મજૂરો પાસે જોખમી કામ કરાવવામાં આવતું હોય છે. બાળ મજૂર પાસે કામ કરાવતા કારખાનેદારો પકડાય તો તેની સામે રૂા.૨૦ હજારી ૫૦ હજાર સુધીનો દંડ અને ૬ મહિનાથી ૧ વર્ષ સુધીની સજા કોર્ટ ફટકારી શકે છે. બાળ મજૂર પકડાયાના કિસ્સામાં મોટાભાગે કારખાનેદારો ગુનો કબુલી લેતા હોય છે જેના કારણે તેની સામે રૂા.૨૦ હજાર થી લઈ રૂા.૫૦ હજાર સુધીનો દંડ કોર્ટ ફટકારી તેની સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે.