વૃદ્ધ પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે વધુ ઢસડાઈ એ પહેલા મહિલા કોન્સ્ટેબલ ખેંચી લીધા : સીસીટીવી ફૂટેજ વાયરલ
રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચડવા જતા એક વૃદ્ધ નીચે પટકાયા હતા. ત્યારે એક મહિલા આરપીએફએ આ વૃદ્ધને ટ્રેન હેઠળ આવે તે પહેલા આબાદ બચાવ કરી મોતના મુખમાંથી ખેંચી લીધા હતા.જ્યારે આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ ગઈકાલે રાજકોટ રેલવે સ્ટેશનનાં પ્લેટફોર્મ નંબર 3 ઉપર વેરાવળ ટ્રેન નંબર 16333નું આગમન થયું હતું. 10:20 કલાકે આવેલી આ ટ્રેન તેના નિયમ મુજબ 10:28એ રવાના થઈ હતી. બરાબર આ સમયે ચાલતી ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતી વખતે એક વૃદ્ધ મુસાફર ચાલતી ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે પડી ગયા હતા.
જોકે પ્લેટફોર્મ ડ્યુટી પર ફરજ બજાવી રહેલા રાજકોટ ચોકીના મહિલા કોન્સ્ટેબલ પ્રિયાંશી દુબેએ હિંમત અને બહાદુરી બતાવી તાત્કાલિક અસરથી તેઓને ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેથી ખેંચી લેતા સદનસીબે તેમનો જીવ બચ્યો હતો. જોકે આ વૃદ્ધને સામાન્ય ઈજા થઈ હોવાથી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. તેઓની પૂછપરછ કરતા તેમણે પોતાનું નામ પ્રભુદાસ કુણાલકટ અને ઉંમર 75 વર્ષ હોવાનું જણાવ્યું હતું. અને તેની પાસે રાજકોટથી વલસાડ સુધીની ટ્રાવેલ ટીકીટ હોવાનું પણ સામે આવ્યું હતું.
પોતાનો જીવ બચાવવા બદલ તેઓએ મહિલા કોન્સ્ટેબલની કામગીરીની ખૂબ પ્રશંસા કરી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.જ્યારે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ચાલુ ટ્રેનમાં ચડવા જતા વૃદ્ધનો પગ લપસે છે અને તેઓ નીચે પટકાય છે. આ દ્રશ્યો જોઈને આર.પી.એફ મહિલા કોન્સ્ટેબલ તરત જ ત્યાં દોડી જાય છે. તેમજ વૃદ્ધને ટ્રેનથી દૂર ખેંચી લઈને તેમનો જીવ બચાવે છે.