ઉછીના રૂપિયા લેવા ગયેલા ભારે મોટો દલ્લો હોવાનું જાણી પ્રેમીકા અને બે સાગ્રીતની મદદથી બનાવને અંજામ આપ્યો

ડીવાય એસ.પી. પ્રદિપસિંહ જાડેજા, એલ.સી.બી. અને તાલુકા પોલીસ મથકના સ્ટાફની સરાહની કામગીરી: 15.63 લાખનો મુદામાલ કબ્જે

અબતક, દર્શન જોશી જુનાગઢ

જૂનાગઢના મજેવડી ગામેં વૃદ્ધના ઘરમાં ઘુસી રૂ. 20.88 લાખની ચકચારી લૂંટનો જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ અને તાલુકા પોલીસે સયુંકત ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી નાખી એક મહિલા સહિત 4 આરોપીને દબોચી લઇ રૂ. 15.63 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.ગત તા. 9-2-2022 ના રોજ જૂનાગઢ તાલુકાના મજેવડી ગામે રહેતા સવજીભાઈ ગોકળભાઈ મકવાણા  (ઉવ. 70)  પોતાના ઘરે એકલા સુતા હતા, તે દરમિયાન રાત્રીના 2 વાગ્યાના અરસામાંં મજેવડી ગામના  રાહુલ રમેશભાઈ અને ભરત પ્રેમજીભાઈ એ ઘરમાં પ્રવેશ કરી, નિંદ્રાધીન વૃૃદ્ધ  સુતેલ હોય, તેના ઉપર બેસી, મોઢા ઉપર ઢીકા મારી, મારી નાખવાના ઇરાદે પગ પકડી, ગળું દબાવી, મોઢા ઉપર કપડાનો મૂંગો દઈ, મારી નાખવાની ધમકી આપી, રોકડ રૂ. 8,78,000, રૂ.12.10 લાખની  કિંમતના સોનાના તથા ચાંદીના દાગીના, મોબાઈલ ફોન મળી, કુલ રૂ. 20,88,500 ની લૂંટ થઈ હોવાની   સવજીભાઈ ગોકળભાઈ મકવાણા દ્વારા બીજા દિવસે ભાનમાં આવતા, તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ  કરવામાં આવેલ હતી.

જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા રવિ તેજા વાશમ શેટ્ટી દ્વારા વૃદ્ધ સાથે બનેલ માતબર રકમના લૂંટ અને ખૂનની કોશિશના ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ, આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા માટે સૂચના આપતા જુનાગઢ ડીવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ હરેન્દ્રસિંહ ભાટી, પીએસઆઇ એ.ડી.વાળા, ડી.જી.બડવા, જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. એ.એમ.ગોહિલ તથા સ્ટાફના માણસોની જુદી જુદી બે ટીમ દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરાવી હતી.

દરમિયાન સયુંકત ટીમ દ્વારા ગણતરીની કલાકોમાં જ  બાતમી આધારે પોલીસે આરોપીઓ રાહુલ રમેશભાઈ સોલંકી અને ભરત પ્રેમજીભાઈ દલસાણીયાને તાત્કાલિક રાઉન્ડ અપ કરી, પૂછપરછ ધરતા, આ ગુન્હામાં ગોંડલના ત્રાકુંડા ગામની રઝીયાબેન ઉર્ફે હાજુબેન યુનુસભાઈ તથા મજેવડી ગામના દિનેશ મણીભાઈની સંડોવણી ખુલી હતી,  અને ક્રાઇમ બ્રાન્ચ તેમજ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા  બંને આરોપીઓને પણ ટેક્નિકલ સોર્સના આધારે માહિતી મેળવી, પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ છે. તથા  પકડાયેલ ચારેય આરોપીઓ પાસેથી પોલીસે તપાસ દરમિયાન લૂંટમાં ગયેલ સોના ચાંદીના દાગીના, રોકડ રકમ રૂ. 1,63,400 તેમજ ગુન્હામાં વાપરેલ મોટર સાયકલ સહિત કુલ રૂ. 15,63,400 નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં આરોપી રાહુલ સાડીઓમાં ભરતકામની મજૂરી કરતો હોય, અવાર નવાર સાડીઓ લેવા ત્રાકુંડા ગામે આરોપી રઝિયાબેન પાસે જતો હોય, બંનેની આંખ મળી જતા, બને વચ્ચે પ્રેમસંબંધ થયેલ હતો.  આરોપી રાહુલ ભૂતકાળમાં ફરિયાદી સવજીભાઈ મકવાણા પાસે ઉછીના રૂ. 20,000 લેવા ગયેલ ત્યારે ફરિયાદી સવજીભાઈ મકવાણા પાસે સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમનો દલ્લો હોવાની વિગત જાણવા મળેલ હતી. આરોપી રાહુલ અને રઝિયાબેન વચ્ચે પ્રેમસંબંધ હોઈ, બંનેને રૂપિયાની જરૂરિયાત હોઈ, આરોપી ભરત અને દિનેશ સાથે મળી, ફરિયાદીને મોતને ઘાટ ઉતારી, સોના ચાંદીના દાગીના રોકડ લૂંટ કરવાનો પ્લાન બનાવી, તમામ આરોપીઓએ સાથે મળી, ગુન્હો આચરેલ હોવાની કબૂલાત કરવામાં આવેલ છે.દરમિયાન આ ગુન્હામાં પકડાયેલા આરોપીઓ દ્વારા બાકીનો મુદામાલ કયા રાખેલ છે..? ફરિયાદીને શા કારણે લૂંટ કરવા ટાર્ગેટ કરવામાં આવેલ છે…? વિગેરે મુદ્દાઓસર પૂછપરછ હાથ ધરી, દિન 7 પોલીસ રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરવામાં આવતા, કોર્ટ દ્વારા દિન 3 ના પોલીસ રિમાન્ડ મંજુર કરતા, આગળની તપાસ તાલુકા પીઆઈ એ.એમ.ગોહિલ તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.