રાજ્યભરમાં પડી રહેલી કાતિલ ઠંડીએ અત્યાર સુધી અનેક પરિવારના માળા વિખી નાખ્યાં છે. જેમાં રાજકોટ જિલ્લામાં પણ એક વૃદ્ધનું ઠંડીના કારણે મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં શહેરના ભાગોળે આવેલા જારીયા ગામમાં ગઇ કાલે વહેલી સવારે ઠંડીના કારણે વૃદ્ધનું હાર્ટ બેસી જતા મોત નિપજ્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. વાડીએથી વહેલી સવારે ઘરે જતી વેળાએ ચાલુ બાઈક પર જ વૃદ્ધનું હૃદય બેસી જતા મોત નિપજ્યું હતું.
વાડીએથી વહેલી સવારે ઘરે જતી વેળાએ ચાલુ બાઈક પર જ હૃદય બેસી ગયું
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના જારીયા ગામે રહેતા અને ખેતીકામ કરતા તળસીભાઈ દેવશીભાઈ ઉંઘાડ નામના 60 વર્ષીય વૃદ્ધ ગઇ કાલે સવારે પોતાના બાઈક પર વાડીએથી ઘરે જતા હતા ત્યારે રતનપર રોડ પર અચાનક બાઈક સ્લીપ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
તે દરમિયાન સાંજે વૃદ્ધે સારવારમાં દમ તોડતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. તબીબોની પ્રાથમિક તપાસમાં વૃદ્ધ તડસીભાઈને વહેલી સવારે ચાલુ બાઈક પર ઠંડીના કારણે હૃદય બેસી જતા મોત નિપજ્યું હોવાનુ પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું છે. કાતિલ ઠંડીના કારણે થોડા દિવસ પહેલા જ માત્ર 17 વર્ષની સગીરાનું ચાલુ વર્ગખંડમાં હૃદય બેસી જતા મોત નિપજ્યું હતું. ત્યારે કાતિલ ઠંડીએ વધુ એક વૃદ્ધનો ભોગ લેતાં લોકોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.