બસ સ્ટોપ પાસે રહેતા ભિક્ષુકનું ઠંડીમાં પ્રાણ પંખીરૂં ઉડી ગયું: મૃતકના વાલી વારસની શોધખોળ
ગુજરાતમાં હાલ કડકડતી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જેમાં હાલ ઘણા શહેરોમાં વાતાવરણ સિંગલ ડિજિટમાં નોંધાઈ રહ્યું છે. જેના કારણે જનજીવન પર પણ અસર પડી છે. હજુ પણ રાજ્યમાં ઠંડી કેટલાક દિવસો સુધી યથાવત રહેવાની આગાહી હવામાન ખાતાઍ કરી છે.
રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડીનો પારો સતત ગગડતો રહ્ના છે. જેમાં હાડ થીજાવતી ઠંડીના કારણે જામનગર રોડ પર આવેલા પોલીસ હેડ ક્વાટર નજીકના બસ સ્ટોપ નજીક એક ભિક્ષુક વૃધ્ધનું ઠંડીમાં ઠૂંઠવાઇ જવાને કારણે મોત નિપજ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામનગર રોડ પર પોલીસ હેડક્વાર્ટર નજીક પેટ્રોલ પંપ સામે સીટી બસ સ્ટોપના બાંકડા પર ઍક વૃધ્ધ બેભાન પડ્યા હોવાની જાણ થતાં 108ની ટીમ પહોચી હતી. તપાસમાં આ વૃધ્ધ મૃત જણાતાં પ્ર.નગર પોલીસને જાણ કરતાં ઍઍસઆઇ કનુભાઇ વી. માલવીયા અને રવિભાઇઍ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો.
મૃતક વૃધ્ધે માત્ર ત્રણ શર્ટ પહેર્યા હતાં. પેન્ટ પહેર્યુ નહોતું. ભીક્ષુક જેવા દેખાતા આ વૃધ્ધનું કાતિલ ઠંડીને કારણે ફેફસાની બિમારીથી મૃત્યુ થયાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. શહેરમાં નવું વર્ષ શરૂ થતાં પહેલાં જ કાતિલ ઠંડીના કારણે એક વૃદ્ધનો ભોગ લેવાતા ચકચાર મચી ગઇ છે.