આજે એક એવી સફર તરફ ધ્યાન દોરવું છે જેનું ફોર્મુલા બધા જ શોધી રહ્યા છે. આ અમૃત નું નામ છે સફળતા!! સફળતા શબ્દ જ ઘણો આકર્ષક છે. આજદિન સુધીમાં પુષ્કળ લોકોએ આ શબ્દને પોતાની સમજ અને અનુકૂળતા અનુસાર પરિભાષિત કર્યો છે. દુનિયામાં લાખ્ખો મોટિવેશનલ સેમિનાર, વર્કશોપ, વક્તવ્યો યોજાઈ રહ્યા છે જે તમને જીવનમાં સફળતા અપાવવાનો દાવો કરે છે. હકીક્ત તો એ છે કે અમુક ગણ્યાં-ગાંઠ્યા વક્તા અને વક્તવ્યોને બાદ કરતા અન્ય તમામ લોકો રોકડી કરવાના ચકકરમાં લાગેલા છે. આવા વક્તવ્યોને સાંભળવાથી તમને સફળતા મળે કે ન મળે પણ એ વક્તાઓનાં ઘર જરૂર ભરાતાં જાય છે.
દરેક વ્યક્તિ બીજાને એક જ સલાહ આપે છે, સફળતા કઈ રીતે મેળવવી? સફળ થવા માટેનાં પગલાંઓ કયાં? સફળ બનવા માટે શું કરવું? પરંતુ આજ સુધી કોઈએ એવું જણાવવાનું ‘કષ્ટ’ ન કર્યું કે સફળતા મેળવવા માટે શું ન કરવું? આ ‘નકાર’ ભારે ઈન્ટરેસ્ટિંગ છે, સમજવાલાયક છે. માણસજાતની એક પ્રકૃતિ છે, જે વસ્તુ કરવાની ના પાડો એ જ કરવા તે પ્રેરાશે. જે વિચારોથી ભાગવાનાં પ્રયત્ન કરશો એ જ વિચાર હથોડાંની માફક મગજ પર ઝીંકાશે! વ્યક્તિ જયારે પોતાના એ જ ‘નકાર’ પર કાબૂ મેળવે છે ત્યારે સફળતાની દિશામાં એક ડગલું આગળ વધે છે.
ઝડ્રાવ્કો સ્વીજેટિક કે જેનું નામ બોલવામાં પણ જીભ બિચારી પાંચ વાર ગૂંચળું વળી જાય એવા એક લેખકે સફળતા મેળવવા માટે શું ન કરવું તેના વિશેની 13 વાતો પોતાનાં અંગ્રેજી બ્લોગ ‘મીડિયમ’ માં જણાવી છે, જે ઘણી રસપ્રદ છે. ‘મીડિયમ’નાં ઈતિહાસમાં આ આર્ટિકલ અત્યાર સુધીનો નંબર-વન લેખ ગણાય છે, કેમ કે વિશ્વભરના અઢી કરોડથી પણ વધુ લોકોએ આને વાંચ્યો છે. ફોબ્ર્સ સીએનબીસી, હફ પોસ્ટ, બિઝનેસ ઈનસાઈડરે પણ જેની નોંધ લીધી છે, તેવા આ લેખનાં કેટલાંક અંશો નીચે આપેલાં છે:
નર્કની વ્યાખ્યા શું હોઈ શકે? પ્રલયકાળે આપણાં જ એક એવાં પ્રતિરૂપ સાથેનો ભેટો જે બનવાનું આપણે ક્યારેક સપનું જોયું હતું, પરંતુ બની ન શક્યાં… એ જ છે નર્ક! સફળ બનવા માટે જેમ આપણા વ્યક્તિત્વમાં કેટલીક ખાસ બાબતો ઉમેરાવી જરૂરી છે એવી જ રીતે દુર્ગુણોની બાદબાકી પણ અગત્યની છે.
(1) પહેલું સુખ તે જાતે નર્યા :-
“તમારા શરીરની કાળજી રાખો. એ જ એકમાત્ર જગ્યા છે, જ્યાં તમારે જિંદગીભર રહેવાનું છે.
-જિમ રોન
દરેક જાતનાં સુખ-સંસાધનો ભોગવવા માટે માણસની ઈન્દ્રિયો સાબૂત જોઈએ અને આનાં માટે જોઈએ એક સ્વસ્થ-તંદુરસ્ત શરીર! શરીરને બગાડે તેવી હાનિકારક વસ્તુઓનાં સેવનને ટાળો. વડીલો સો શરદ જીવવાનાં આશીર્વાદ એટલા માટે જ આપતાં, કારણ કે એમને ખબર હતી કે જિંદગીમાં ચડતી-પડતી તો આવતી રહેશે, પણ શરીર સાજું હશે તો મુશ્કેલીઓને પણ અવસરમાં બદલી શકાશે.
(2) ઝિંદગીના મિલેગી દોબારા :-
“એક વખત તો એક વખત, પરંતુ જો સાચી રીતે જીવી શકાય તો એક જિંદગી પણ કાફી છે!”
– મે વેસ્ટ
સફળ લોકો લાંબા ગાળાનાં ધ્યેય નક્કી કરતાં હોય છે. તેમને બરાબર જાણ હોય છે કે તેમની રોજબરોજની આદતો જ આગળ જતાં એક સુખદ પરિણામ લાવશે. જીમમાં વર્કઆઉટ કરતી વખતે પાડવામાં આવતી સેલ્ફી હવે માત્ર એક પ્રદર્શન છે. કસરત અને તેના જેવી બીજી તમામ તંદુરસ્ત આદતો તમારા જીવનનો હિસ્સો હોવી જોઈએ, મજબૂરી નહીં!
(3) બડી-બડી બાતેં બડા પાઉં ખાતે!
માત્ર વાતો કર્યા કરવાથી પેટ નથી ભરાતું. એવું અને એટલું કામ કરવાનું શરૂ કરો, જેથી લોકોને તમારાથી ભય લાગે! તમારી આકરી મહેનતનાં પરસેવાની ગંધ તેમને પોતાનું સ્થાન છોડવા મજબૂર કરી દે! તમારા વિચારોને અવાજ આપો. નિષ્ફળતાનો ડર રાખ્યા વગર સફળતામાં છકી ન જવાય તેનું ધ્યાન રાખો. નાની-નાની વસ્તુઓ પર દાવ લગાડવાનું છોડી કશુંક મોટું સાહસ કરવાની હિંમત કેળવો.
(4) મણ-મણનું આ ‘પણ’
જીવનમાં આગળ હવે જે પણ બનવાનું છે તેનાં માટે તમારી પોતાની જ આકરી મહેનત જવાબદાર હશે, એ વાતની જાણકારી ઘણી જ ડરામણી અને સાથોસાથ ઉત્તેજક પણ છે. સફળ લોકોને તેમની જવાબદારીઓનું પૂરેપુરું ભાન હોય છે. તેઓ પોતાની નબળાઈ, ભૂતકાળ કે ખરાબ સમયનાં સાક્ષી રહી ચૂક્યાં હોય છે. આ માટે તેઓ કોઈનેય કસૂરવાર નથી ઠેરવતા કે નથી કોઈ બહાનાંઓ કાઢતાં. પોતાની પરેશાનીઓનો મુકાબલો એકલપંડે કરી તેઓ સફળતાને વર્યા હોય છે. જિંદગીમાં લેકિન, ક્ધિતુ, પરંતુ, પણ બણ… નો કોઈ અવકાશ જ નથી. અને જયાં ‘પણ’ ની જગ્યા છે ત્યાં માત્ર અવકાશ જ અવકાશ છે! સૂનો અવકાશ…
(5) આવડતને ઉંમર સાથે લેવા-દેવા ખરી?
“જે લોકો સતત નવું શીખીને તે કળાને પોતાના રોજબરોજનાં કાર્યોમાં ઉપયોગમાં લે છે તેમનું ભવિષ્ય ઉજળું હોય છે.
-રોબર્ટ ગ્રીન
કેટલાંક લોકોનાં મગજમાં એવી રાઈ ભરાઈ ગઈ હોય છે કે તેમની બુધ્ધિક્ષમતા અથવા આવડત યુનિક છે-અનન્ય છે! એમનાં સિવાય આ કળા બીજા કોઈની પાસે નથી અને આ જ તેમને એક સફળ વ્યક્તિ બનાવશે! તદ્દન મૂર્ખતાપૂર્ણ વિચાર છે આ…! અભિમાનથી ચકચૂર…!
હવે એવાં લોકોનો જમાનો આવ્યો છે જે સતત અપડેટ થવામાં માને છે, પોતાનાં જ્ઞાનનો સીમાડો વિસ્તારવા માંગે છે. સફળત્તમ વ્યક્તિ નવી વસ્તુઓ શીખીને પોતાનાં જ્ઞાનને એક ખૂલ્લું આકાશ પૂરું પાડતો હોય છે. જયાં સતત ફેલાવાની જ શક્યતા છે. કે.એ. પણિકકર જેવા નાટ્યવિદ્દ 45 વર્ષની ઉંમરે પણ જો નાટક શીખવાનું શરૂ કરી, સંસ્કૃત નાટકોમાં ભારતભરમાં પોતાનો ડંકો વગાડી શકતાં હોય તો આપણી તો હજુ ઉંમર જ શું છે?! એક વસ્તુ હંમેશા યાદ રાખો… આજે તમે જે પ્રકારનાં વ્યક્તિ છો, જેટલું જ્ઞાન તમારી પાસે આજની તારીખમાં છે તેનાં કરતાં આવતીકાલનું તમારું વ્યક્તિત્વ અને જ્ઞાન એક કદમ આગળ વધેલું હોવું જોઈએ. ટીપે-ટીપે સરોવર ભરાય એમ દિવસે ને દિવસે થતો આંતરિક વિકાસ એક દિવસ તમને સફળતાના શિખરો સુધી તાણી જશે.
(6) ચમત્કારને જોજનો દૂરથી જ નમસ્કાર!
રાતોરાત સફળતા માત્ર દંતકથાઓમાં જ મળી શકે, વાસ્તવિક જીવનમાં નહીં! કોઈ જડીબુટ્ટી, દોરા-ધાગા કે મંત્ર-તંત્ર તમને અબઘડી સફળતા નહી જ અપાવે. આવા બધાં ચમત્કારોનાં ધતિંગ પર વિશ્વાસ રાખીને જો સફળતા મળતી જ હોત, તો આપણાં દેશનાં દરેક સાધુ-બાવાઓ અત્યારે દુનિયાની ટોચની કંપનીઓનાં માલિક હોત! કર્મથી મોટું બીજું કોઈ જ ચમત્કારિક તત્ત્વ આ દુનિયામાં નથી.