- સહકારી સંસ્થાઓના ચાલુ પગારદાર કર્મચારીઓ, બાહેધરીવાળા ભાવી કર્મચારીઓ, ધોરણ-૧૨ ભણેલા કે તેથી વધુ ભણેલા પ્રાઈવેટ વિધાર્થીઓ માટે
છોટાઉદેપુર: દેશ અને દુનિયામાં “સહકારી ક્ષેત્રે” ગુજરાતનું નામ ખુબજ આગળ પડતું લેવાય છે. સંખ્યાત્મક સાથે ગુણાત્મક વિકાસ કરવા અનેક પરિબળો પૈકી સહકારી સંસ્થાઓના કર્મચારોઓને સહકારી તાલીમ આપવી તે ખૂબ જ અગત્યનું પરિબળ છે. સહકારી સંસ્થાઓના કર્મચારીઓને નોકરીએ રાખ્યા પહેલાં સહકારી ડિપ્લોમાની લાયકાત ખૂબ જ જરૂરી છે. નોકરીએ રાખ્યા બાદ પણ સહકારી સંસ્થાઓના સંચાલકો પોતાના કર્મચારીઓને વારા પધ્ધતિ મુજબ સહકારી ડિપ્લોમાં કરવા મોકલતી હોય છે. સરકારએ પણ સહકારી કાયદા અન્વયે ઓડિટમાં સહકારી મંડળીઓના દરેક કર્મચારીઓએ આવી ડિપ્લોમાં જેવી તાલીમ લેવાની ફરજીયાત કરી છે. દરેક સારી સહકારી સંસ્થાઓ પોતાની સ્ટાફ પ્રોફાઈલ મજબુત કરવા પોતાના દરેક કર્મચારીઓ સહકારી ડિપ્લોમાંની લાયકાત ધરાવતા હોય તેમ ઈચ્છે છે.
ગુજરાત સરકારના સાહસ એવા ગુજરાત રાજય સહકારી સંઘની સહકારી શિક્ષણ અને તાલીમની યોજના મુજબ સમગ્ર રાજયમાં ઝોન વાઈઝ નડીયાદ, અમદાવાદ, રાજકોટ, ભાવનગર, મહેસાણા અને સુરત એમ કુલ છ સહકારી તાલીમ કેન્દ્રો મારફતે સમગ્ર ગુજરાતમાં ડી.સી.એમ. કોર્સનું આયોજન સંચાલન કરવામાં આવે છે. જેના ભાગ રૂપે મધ્યઝોન માટે નડીયાદ ખાતે” ડિપ્લોમા ઈન કો.ઓપરેટીવ મેનેજમેન્ટ ” કોર્ષ ચલાવવામાં આવે છે. જેમાં સાત જીલ્લાઓ ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ, મહીસાગર, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાઓનું કાર્યક્ષેત્ર નડીયાદ તાલીમ કેન્દ્ર ધરાવે છે.જેમાં સદર જિલ્લાઓમાં આવેલી સહકારી સંસ્થાઓના ચાલુ પગારદાર કર્મચારીઓ, બાહેધરીવાળા ભાવી કર્મચારીઓ, તથા ધોરણ-૧૨ ભણેલા કે તેથી વધુ ભણેલા પ્રાઈવેટ વિધાર્થીઓ માટે છોટાલાલ વ્યાસ સહકારી વ્યવસ્થાપન કેન્દ્ર, નડીયાદ ખાતે “ડિપ્લોમાં ઈન કો.ઓપરેટીવ મેનેજમેન્ટ” કોર્ષનું ૫૮મું સત્ર તારીખ ૨૮મી એપ્રિલ ૨૦૨૫થી શરૂ થનાર છે. આ કોર્ષમાં સહકાર, ધંધાકિય વિકાસ આયોજન(બી.ડી.પી.), સહકારી મંડળીઓના કાયદાકિય પાસાઓ, કોમ્પ્યુટર-સંચાલકીય પાસાંઓ., નાણાકિય હિસાબો અને ઓડીટ (અન્વેષણ), સહકારી ધિરાણ અને બેંકિગ.અને સહકારી સંચાલન-વ્યવસ્થાપન જેવા કુલ સાત વિષયો શીખવવામાં આવશે. જેમાં ૧૮ અઠવાડિયા થીયરી અને ૨ અઠવાડિયા પ્રેકિટકલ તાલીમ અપાશે.
ગુજરાતમાં અંદાજીત ૮૭,૦૦૦થી પણ વધુ વિવિધ પ્રકારની સહકારી સંસ્થાઓ આવેલી છે. જેનું રાજયની આર્થિક સામાજીક વિકાસ ગ્રાથામાં ખૂબ જ મહત્વનું યોગદાન રહેલુ છે. અને કેન્દ્ર સરકારે પણ “સહકાર વિભાગ” ને અલાયદા બનાવી તેનું સુકાન અમિત શાહ(કેન્દ્રીય સહકારીતા મંત્રી)ને સોપ્યું છે.અને માન.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “સહકારીતાથી સમૃધ્ધિ”નું સૂત્ર આપી દેશ અને રાજયોની સહકારી પ્રવૃતિ સક્ષમ બને અને સહકારી પ્રવૃતિના માધ્યમથી જન સમુદાય આત્મનિર્ભર બને અને યુવાનો પણ સહકારી પ્રવૃતિમાં જોડાઈ સહકારી પ્રવૃતિ દ્રારા દેશ અને રાજયોમાં સમૃદાયનો આર્થિક, સામાજીક અને સાંસ્કૃતિક વિકાસ થાય તે માટે “સહકાર શિવાય કોઈ વિકલ્પ નથી” ત્યારે સહકારી શિક્ષણ – તાલીમ ધ્વારા જન જાગૃતિ લાવવા માટે પણ આ કોર્ષ ખુબ જ ઉપયોગી છે.ત્યારે આ સહકારી સંસ્થાઓ સહકારી ક્ષેત્રે કામ કરી સભાસદોના આર્થિક ઉત્થાનની સાથે સાથે સમાજમાં રોજગારી પણ આપી રહી છે. જેમાં મુખ્યત્વે સહકારી સંસ્થાઓની વાત કરીએ તો અમૂલ દુધ સંઘ જેવા રાજયના જિલ્લાઓના વિવિધ દુધ સંઘો અને ખેડા ડિસ્ટ્રિકટ કો.ઓપરેટીવ બેંક જેવી રાજયના જીલ્લાની વિવિધ ડિસ્ટ્રિકટ કો.ઓપરેટીવ બેંકો રાજય સહકારી બેંક સુગર મિલો તેમજ અન્ય ઈફકો, કૃભકો જેવી સહકારી ફર્ટીલાઈઝર કંપનીઓ “સહકારીતાથી સમૃધ્ધિ” તરફ આગળ વધી રહી છે. ત્યારે આવનાર દિવસોમાં આ સંસ્થાઓની ભરતી માં પણ આ કોર્ષ નું ખુબજ મહત્વ રહેવાનુ છે.
છેલ્લા બે વર્ષથી “સહકારી થી સમુધ્ધિ” ના સુત્રને સાકાર કરવા ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક ધ્વારા ખેડા જિલ્લા બેંકના કાર્યક્ષેત્રમાંથી ચાલુ પગારદાર કર્મચારીઓ તથા બાહેધરીવાળા ભાવી કર્મચારીઓ આ ડી.સી.એમ. કોર્ષની તાલીમ મેળવી ઉર્તીણ થનાર સહકારી પ્રતિનિધિઓને રૂા. ૧૦૦૦/- (અંકે રૂપિયા એક હજાર પુરા.) શિષ્યવૃતિ આપી પ્રોત્સાહીત કરવામાં આવે છે. ધોરણ ૧૦ પાસ અને સહકારી ક્ષેત્રમાં બે વર્ષનો અનુભવ અથવા ધોરણ ૧૨ પાસ બિનઅનુભવી ખાનગી વિધાર્થી અથવા ગ્રેજયુએટ હોય તેવા કોઈ પણ ઉમરના ઉમેદવાર આ કોર્ષમાં જોડાઈ શકે છે. આ કોર્સ વિવિધ સહકારી સંસ્થાઓમાં ભરતી સમયે ખાસ “વિશિષ્ટ લાયકાત” તરીકે માન્ય ગણવામાં આવે છે.રાજય સરકાર દ્રારા સહકારી ખાતામાં ભરતી સમયે આ કોર્સના ઉમેદવારોને અગ્રતા આપવામાં આવે છે.જેથી આ તાલીમ મેળવી સહકારી ક્ષેત્રે આવનાર દિવસોમાં રોજગારીની તકો પ્રાપ્ત કરી શકાય છે. લાયકાત ધરાવતા ઉમેદવારોને આ કોર્ષમાં નડીયાદ તાલીમ કેન્દ્રના નિયમો અનુસાર માત્ર ૪૦ની સંખ્યામાં વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવાનો હોવાથી જે વ્યકિતઓ કોર્ષમાં જોડાવવા ઈચ્છતા હોય તેમણે મોડામાં મોડુ તારીખ ૨૨ એપ્રિલ ૨૦૨૫ સુધીમાં નીચેના સરનામેથી ફોર્મ મેળવી ભરી પરત કરવાનું રહેશે.એવુ એક અખબારી યાદીમાં નડીયાદ કેન્દ્રના પ્રિન્સીપાલ શીતલભાઈ પી.ભટ્ટે જણાવ્યુ છે.
છોટાઉદેપુર જિલ્લાના ૫૩ પરીક્ષા કેન્દ્રો પર ૨૯મી માર્ચના રોજ CGMS મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશિપની પરીક્ષા યોજાશે
છોટાઉદેપુર: છોટાઉદેપુર જિલ્લામાં આગામી તા.૨૯-૦૩-૨૦૨૫ના રોજ સવારે ૧૧:૦૦થી ૧૩:૩૦ કલાક દરમિયાન CGMS (મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશિપ)ની પરીક્ષા યોજાનાર છે. જે અંતર્ગત બોડેલી તાલુકાના ૨૩૨૫ પરિક્ષાર્થીઓ ૯ કેન્દ્રો પરથી, છોટાઉદેપુર તાલુકાના ૩૦૩૭ પરિક્ષાર્થીઓ ૧૪ કેન્દ્રો પરથી, પાવીજેતપુર તાલુકાના ૧૯૧૭ પરિક્ષાર્થીઓ ૮ કેન્દ્રો પરથી, કવાંટ તાલુકાના ૨૬૨૮ પરિક્ષાર્થીઓ ૧૦ કેન્દ્રો પરથી, નસવાડી તાલુકાના ૧૯૧૧ પરિક્ષાર્થીઓ ૮ કેન્દ્રો પરથી તથા સંખેડા તાલુકાના ૧૧૩૯ પરિક્ષાર્થીઓ ૪ કેન્દ્રો પરથી પરીક્ષા આપશે. આમ, જિલ્લાના કુલ ૫૩ પરીક્ષા કેન્દ્રો પરથી ૧૨૯૫૭ પરિક્ષાર્થીઓ CGMS (મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશિપ)ની પરીક્ષા આપશે એમ જિલ્લા શિક્ષણાધિકારી, છોટાઉદેપુરની યાદીમાં જણાવાયું છે.