દારૂના નશામા ધમાલ મચાવતા પતિને પકડાવવા પત્નીએ પોલીસને જાણ કરી’તી

શહેરના રૈયા ગામ વિસ્તારમાં નશામાં ચૂર પતિએ પત્નીનું ગડુ પકડી તને આજે તો મીટરમાં ચોંટાડી દેવી છે તેવી ધમકી આપતા ગભરાયેલી પત્નીએ પતિને રૂમમાં પૂરી પોલીસને જાણ કરવા ગઇ હતી અને ઘરની બહાર પોલીસની રાહ જોતી હતી ત્યારે પતિએ રૂમમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે.

આ બનાવ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં આવેલા રૈયાગામ વિસ્તારમાં આવેલા ખોડીયાર મંદિર પાસે રહેતા હસમુખ મૂળજીભાઈ વાળા નામનો 39 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે લોખંડના પાઇપમાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ ઘટના અંગે જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો.

પોલીસ પ્રાથમિક પૂછપરછમાં મૃતક હસમુખ વાળાને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે અને હસમુખ વાળા બે ભાઈ બે બહેનમાં નાનો હતો અને કડિયા કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગઈ કાલે પુત્ર ભવદીપ અને પુત્રી સેજલ બને કામ પર ગયા હતા. ત્યારે હસમુખ વાળાએ દારૂના નશામાં પત્ની કમળાબેન સાથે ઝઘડો કરી ગળે ટુંપો આપ્યો હતો અને આજે તો તને મીટરમાં ચોંટાડી દેવી છે તેવી ધમકી આપતા પત્ની કમળાબેન ગભરાઈ ગઈ હતી.

માતા-પિતા વચ્ચે ચાલતા ઝઘડામાં પુત્ર ચિરાગ વચ્ચે પડ્યો હતો. બાદમાં કમળાબેન નશેડી પતિથી બચવા મહિલા પોલીસ મથકમાં ફોન કરી મદદ માંગી હતી. મહિલા પોલીસ યુનિવર્સિટી પોલીસને જાણ કરતા યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે જવા રવાના થયો હતો. ત્યારે કમળાબેન ઘરની બહાર પોલીસ વાનની વાટ જોઈને ઉભી હતી. ત્યારે પાછળથી પતિ હસમુખ વાળાએ ગળેફાંસો ખાઈ આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે યુનીવર્સીટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.