રાજકોટ શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા આયોજીત ઈન્ટર કોલેજ ગ્રુપ ડિસ્કશનમાં ભાગ લેવા વિદ્યાર્થીઓનો ઉત્સાહ ચરમસીમાએ
પોલીસ શહિદ દિવસની ઉજવણી અંતર્ગત
શહેરમાં તાજેતરમાં પોલીસ શહિદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દરમિયાન આ નિમીતે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને જોઈન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદના માર્ગદર્શન હેઠળ શહેર પોલીસની ટીમ દ્વારા ઈન્ટર કોલેજ ગ્રુપ ડિસ્કશન યોજાય જેમાં અલગ અલગ વિષયોને લઈ યુવા પેઢી વચ્ચે ચર્ચા થાય તેવું આયોજન ઘડી કાઢવામાં આવ્યું હતું. આ આયોજન અંતર્ગત આગામી ૩૦મી સુધી કુલ પાંચ વિષયો પર ચર્ચા થશે.
ગઈકાલે સોશિયલ મીડિયા અને આજના યુવાનો: ભયજન અને તક અંતર્ગત યુવાનોએ હોંશે હોંશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. આજે પર સવારથી જ યુવાનોમાં અનોખો જોશ જોવા મળ્યો હતો. આજે ટ્રાફિક સમસ્યા અને સંભવિત ઉકેલો વિષયે સામૂહિક ચર્ચામાં વિદ્યાર્થીઓએ પોતાના વિભીન્ન વિચારો રજૂ કર્યા હતા. આ ડિસ્કશનમાં અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ જોડાયા હતા. બપોરે ૧૧:૩૦ થી ૧:૦૦ વાગ્યા સુધીમાં જીનીયસ સ્કૂલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજકોટ શહેર ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા દ્વારા વિશેષ જહેમત ઉઠાવવામાં આવી હતી.
આ સેમીનારમાં રાજકોટની નામાંકીત શૈક્ષણિક સંસ્થાના છાત્રો ભાગ લઈ રહ્યાં છે. વિદ્યાર્થીઓની આંતરીક શક્તિ ખીલવવા માટે શૈક્ષણિક સંસ્થાની કમીટી દ્વારા સેમીનારમાં ભાગ લેનાર વિદ્યાર્થીને રેન્ક આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. આ પ્રકારનું આયોજન રાજકોટ શહેરમાં પ્રથમ વખત થઈ રહ્યું હોવાથી શહેર પોલીસની સાથો સાથ વિદ્યાર્થીઓમાં પણ અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
‘અબતક’ ચેનલ અને ડિજિટલ પ્લેટફોર્મ પર ગ્રુપ ડિસ્કશનના લાઈવ પ્રસારણને બહોળો પ્રતિસાદ
ઈન્ટર કોલેજ હેડ એન્ડ બ્રેઈન કોમ્પીટીશન (એ-ગ્રુપ ડિસ્કશન)નું આયોજન પોલીસ શહિદ દિવસની ઉજવણી અંતર્ગત થઈ રહ્યું છે. લાઈવ ગ્રુપ ડિસ્કશન દરમિયાન ગાર્ડી વિદ્યાપીઠ, એચ.એન.શુકલા કોલેજ, આર.કે. યુનિવર્સિટી, આત્મીય યુનિવર્સિટી અને મારવાડી યુનિવર્સિટીમાં છાત્રો વિવિધ વિષયો પર સામૂહિક ચર્ચામાં ભાગ લઈ રહ્યાં છે. આ કાર્યક્રમમાં આગામી ૩૦ ઓકટોબર સુધી યોજાશે. જે અંતર્ગત ‘અબતક’ ચેનલ અને વિવિધ ડિજીટલ પ્લેટફોર્મ પર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ થઈ રહ્યું છે. ફેસબુક અને યુ-ટયુબના પેઈઝ પર આ કાર્યક્રમનો લાભ લઈ શકાશે. આજે ટ્રાફિક સમસ્યા અને સંભવિત ઉકેલો અંગે થયેલી સામૂહિક ચર્ચાના લાઈવ પ્રસારણનો લાભ ‘અબતક’ ચેનલના લાખો દર્શકોએ લીધો હતો. ઉપરાંત સોશિયલ મીડિયામાં પણ સાડા પાંચ હજારથી વધુ લોકોએ કાર્યક્રમ માણ્યો હતો.
આવતીકાલ: મહિલાઓની પ્રગતિ અને સુરક્ષા:
હાલની સ્થિતિઓ તથા તેના સમાધાનો
ગુરૂવાર: સાયબર ક્રાઈમ: હાલની સમસ્યાઓ અને ઉકેલો
શુક્રવાર: યુવાનો, ડ્રગ્સ અને હિંસા: સંભવિત ઉપાયો