જામનગર સમાચાર

જામનગર મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2016-17માં ઘર વિહોણા લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો, આવા 517 લોકોની પ્રાથમિક યાદીને ધ્યાનમાં રાખીને સરકારશ્રીની દિનદયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય લાઇવલીહુડ મિશન અંતર્ગત 100 ટકા ગ્રાન્ટ આધારિત શેલ્ટર હોમ જામનગર રાજકોટ હાઇવે પર ક્રિષ્ના ટાઉનસીપ સામે હાપા વિસ્તારમાં વર્ષ – 2019 થી કાર્યરત છે, જેમાં 224 ઘર વિહોણા લોકો માટે ની સુવિધા ઉપલબ્ધ છે.

તેમજ બીજું શેલ્ટર હોમ બેડી રેલ્વે ઓવરબ્રીઝ પાસે જાન્યુઆરી- 2023 થી કાર્યરત છે, જેમાં 320 ઘર વિહોણા લોકો રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવેલી છે. બંને શેલ્ટર હોમમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટે તેમજ દરેક ફ્લોર પર પુરુષો, મહિલાઓ તેમજ પરિવારો અલગ અલગ રહી શકે તેવા અલગ અલગ હોલ છે, અને ટોઇલેટ, બાથ સહીત સેનિટેશન બ્લોકની પણ સુવિધા ઉપલબ્ધ છે. હાલની સ્થિતિએ બંને શેલ્ટર હોમમાં એવરેજ 90 થી 100 જેટલા જામનગર શહેરમાં ફૂટપાથ પર રાતવાસો કરનાર ઘર વિહોણા લોકો,શ્રમિકો,ભિક્ષુકો આશ્રય લઇ રહ્યા છે.

જે તમામને શેલ્ટર હોમમાં વિના મુલ્યે રહેવાની, સવારે ચા-નાસ્તો, 2 ટાઈમ જમવાની અને ડોરમેટ્રી સહીત રાઉન્ડ ધ કલોક સિક્યુરીટી, કેર ટેકર, કેમ્પસની સાફ સફાઈની વ્યવસ્થા આઉટસોર્સિંગ એજન્સી મારફત સરકારની 100 ટકા ગ્રાન્ટ આધારિત અને જામનગર મહાનગરપાલિકાના મોનીટરીંગ હેઠળ કરવામાં આવી રહી છે. તા. 08-1 થી શિયાળાની ઠંડીની પરીસ્થિતિમાં જામનગર શહેરમાં રાત્રી દરમ્યાન વસવાટ કરતા શ્રમિકો અને ભિક્ષુકોને કમિશ્નર ડી. એન. મોદીના આદેશ થી સીટી એન્જીનીયર ભાવેશભાઈ જાનીના માર્ગદર્શન હેઠળ યુ.સી.ડી શાખા, એસ્ટેટ શાખા અને સિક્યુરીટી શાખાની સંયુક્ત ટીમ બનાવી પ્રોજેક્ટ પ્લાનીંગ શાખાના સહયોગથી સીટી બસ મારફત બેડી શેલ્ટર હોમમાં શિફ્ટ કરવા માટે ખાસ નાઈટ ડ્રાઈવ રાત્રીના 10:00 કલાકે શરુ કરવામાં આવી છે. અને ગત રાત્રીના સદરહુ ટીમ દ્વારા ભીડભંજન મહાદેવ મંદિર, ટાઉનહોલ, રણમલ લેઈક પરિસર, રણજીત રોડ, જુના રેલ્વે સ્ટેશન, દાંડિયા હનુમાન મંદિર, ડી. કે. વી. સર્કલ વિગેરે વિસ્તારોમાં ફૂટપાથ પર રાતવાસો કરી રહેલા નાના નાના બાળકો સહીત મહિલાઓ અને પુરુષો મળીને 23 વ્યક્તિઓને બેડી શેલ્ટર હોમ ખાતે શિફ્ટ કરવામાં આવેલાં છે.

હજુ પણ આ નાઈટ ડ્રાઈવ સઘન રીતે કરવામાં આવનાર છે, ત્યારે જામનગર મહાનગરપાલિકાના નગરજનો અને સ્વેચ્છિક સંસ્થાઓને પણ જામનગર મહાનગરપાલિકા તંત્ર વતી જો કોઇપણ અન્ય વિસ્તારમાં પણ આ રીતે શિયાળાની ઠંડીની પરિસ્થિતિમાં કોઈ શ્રમિકો અને ભિક્ષુકો માલુમ પડે, તો તેઓને બેડી રેલ્વે ઓવરબ્રીઝ પાસે આવેલાં કે હાપા વિસ્તારમાં આવેલા શેલ્ટર હોમમાં આશ્રય લેવા માટે જરૂર જણાયે જામનગર મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખાનો સંપર્ક કરવા જણાવાયું છે.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.