ચોમાસામાં પશુઓને થતાં જીવલેણ રોગો સામે સુરક્ષિત રાખવા પશુઓનું રસીકરણ હાથ ધરાશે
વરસાદી સિઝનને કારણે રાજકોટ જિલ્લામાં પશુઓમાં રોગચાળો ન ફેલાઈ તે માટે જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગ દ્વારા પશુધનની સુરક્ષા માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન અંગે જાણકારી આપતાં નાયબ પશુપાલન નિયામક ડો.કે.યુ.ખાનપરાએ જણાવ્યું હતું કે, પશુઓમાં રોગચાળો ન ફેલાય તે માટે દરેક તાલુકાએ પશુ ચિકિત્સા અધિકારીના વડપણ હેઠળ પાંચ પશુધન નિરિક્ષકોની ટીમની રચના કરવામાં આવી છે. જે અન્વયે પશુઓને ચોમાસા દરમિયાન ફેલાતાં જીવલેણ રોગો જેવા કે સાકરડો, ગાંઠિયો તાવ (કાળીયો તાવ) વગેરે ના ફેલાય તે માટે ગામે ગામે જઈને પશુઓનું રસીકરણ કરવામાં આવશે તથા પશુઓને જરૂરી સારવાર પણ પુરી પાડવામાં આવશે.
વરસાદને કારણે મૃત્યુ પામેલાં 4 પશુઓના માલિકોને 1 લાખ 1 હજારની સહાય ચુકવાઈ
વધુમાં ચોમાસાં ઋતુ દરમિયાન વરસાદને કારણે મૃત્યુ પામનાર પશુઓના માલિકોને પશુ મૃત્યુ સહાય તાત્કાલિક ચુકવાઈ જાય તે માટે પણ પશુપાલન ખાતું દરરોજના રિપોર્ટ મંગાવી સહાય ચુકવણા માટેની જરૂરી પ્રક્રિયા હાથ ઘરે છે. રાજકોટ જિલ્લામાં હાલના વરસાદ દરમિયાન અકસ્માતે મૃત્યુ પામેલાં 4 પશુઓના પશુ માલિકોને રૂપિયા 1 લાખ 1 હજારની તાત્કાલિક સહાય ચુકવી આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગાય ભેંસના રૂ. 30,000, બળદ-ઘોડાનાં રૂ. 25,000, ખડેલા વોડકાના રૂ. 15,000 તથા ઘેટાં બકરાના રૂ. 3000 અતિવૃષ્ટિ અકસ્માત મૃત્યુ સહાયમાં મળવા પાત્ર છે. આ માટે નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરી પોસ્ટ મોર્ટમ કરાવવું ફરજીયાત છે તેમ ડો. કે.યુ. ખાનપરાએ જણાવ્યું હતું.