નવાગઢ પોલીસની ચેક પોસ્ટના ૧૦૦ મીટરના અંતરેથી નરાધમે ચાર વર્ષની બાળકીનું અપહરણ કરી હવસનો શિકાર બનાવતા સર્વત્ર ફિટકાર
ગંભીર રીતે ઘવાયેલી બાળકીને હોસ્પિટલ ખસેડી, સીસીટીવી ફૂટેજના આધારે કામાંધ શખ્સની શોધખોળ
કોરોના વાયરસને આગળ વધતો અટકાવવા જાહેર કરાયેલા લોક ડાઉનમાં જેતપુરમાં ફસાયેલા રાજકોટના ફકીર પરિવારની ચાર વર્ષની માસુમ બાળકીનું નરાધમે નવાગઢ પોલીસની ચેક પોસ્ટ પાસેથી અપહરણ કરી હેવાનિયતની હદ વળોટી બળાત્કાર ગુજાર્યાની ઘટના પ્રકાશમાં આવતા સભ્ય સમાજનું શરમથી માથુ ઝુંકી ગયું છે. લોક ડાઉનનો અમલ કરાવવામાં સ્ટેન્ડ ટુ રહેલી પોલીસ ચેક પોસ્ટ પાસેથી જ બાળકીના થયેલા અપહરણની ઘટનામાં જેતપુર પોલીસની ગુનાહીત બેદરકારી સામે આવી રહી છે ત્યારે રાજકોટનો પરિવાર પોતાની બાળકીને બચાવવામાં અને પોલીસ પોતાની બેદરકારીથી બચવા વ્યસ્ત બની છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના ગેબનશાહ પીરની દરગાહ પાસે ફુલ વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા ફકીર યુવક પોતાની બે પુત્રી અને પત્ની સાથે જેતપુર ખાતે ભિક્ષાવૃતિ માટે આવ્યા હતા તે દરમિયાન લોક ડાઉન જાહેર થતા ફકીર પરિવાર જેતપુરમાં જ ફસાયો હતો.
જેતપુરના નવાગામ ચોકડી નજીક હાઇ-વે પર છેલ્લા દોઢ થી પોણા બે માસથી પડયા પાથર્યા રહેતા અને અન્નક્ષેત્રમાંથી જમવાનું મેળવી રહેતા પરિવારને જેતપુર પોલીસે લોક ડાઉન દરમિયાન અહીં જ રહેવાની સુચના આપી હતી. ફકીર પરિવારે પણ નજીકમાં પોલીસ ફરજ બજાવતા હોવાથી નિશ્ચિંત બની દરરોજ ફુટપાથ પર સુઇ જતા હતા.
ગતરાતે માતા અને પિતાની વચ્ચે સુતેલી ચાર વર્ષની માસુમ બાળકીને અજાણ્યો શખ્સ ત્યાં ઘસી આવ્યો હતો.
બાળકીનું અપહરણ કરી શનિવારી બજાર ભરાય છે તે મેદાનમાં લઇ જઇ દુષ્કર્મ આચરતા બાળકીએ બુમાબુમ કરતા નજીક રહેતા કેટલાક યુવાનો જાગી ગયા હતા અને બાળકીને બચાવવા દોડી ગયા તે દરમિયાન નરાધમ ભાગી છુટયો હતો.
બાળકીને પોતાના પરિવાર પાસે લઇ જઇ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી ત્યાં સુધી નવાગામ ચેક પોસ્ટ પર પોલીસ સ્ટાફ હાજર ન હતો. ચેક પોસ્ટ પાસેથી જ બાળકીનું અપહરણ થયાની ઘટના પોલીસના ધ્યારે આવતા પોલીસ સ્ટાફ ગતરાતે યુ.પી. અને બિહાર જવા માટે ત્રણ ટ્રેન આવી હોવાથી પરપ્રાંતિયોની વ્યવસ્થા ગોઠવવામાં વ્યસ્ત હોવાથી નવાગામ ચેક પોસ્ટ પર પોલીસ સ્ટાફ હાજર ન હોવાનું જાહેર કરી પોલીસ સ્ટાફે પોતાનો બચાવ કર્યા બાદ અજાણ્યા શખ્સ સામે અપહરણ અને બળાત્કાર અંગેનો ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે પોલીસે નરાધમ શખ્સની શોધખોળ હાથધરી છે.