ચોટીલા: મીની ટ્રકે બે બાઈકને ઠોકરે લેતાં બાળકનું મોત, ચાર ઘાયલ

ચોટીલા-જસદણ હાઇવે પર પિપાવા ગામ પાસે સાઈડમાં ઉભેલા પરિવાર સહિત મીની ટ્રકે બે બાઈકને અડફેટે લેતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં એક સાથે પાચ લોકો ઘવાતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં ગંભીર રીતે ઘાયલ ચોટીલા પરિવારના માસુમ બાળકનું મોત નીપજતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ચોટીલામાં મફતિયાપરા વિસ્તારમાં રહેતા હેમંતભાઈ મેધાભાઈ જાદવ (ઉ.વ.45) અને તેમના બે બાળકો અભય જાદવ (ઉ.વ.10) અને માનવ જાદવ (ઉ.વ.6) તથા અન્ય બાઇકમાં સવાર કાળાસર ગામના જાદવભાઈ સગરામભાઈ સાકરીયા (ઉ.વ.50) અને નાથાભાઈ ભીમાભાઇ સરવૈયા (ઉ.વ.45) આમ પાચેય લોકો ઘવાતાં તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ હેમંતભાઈ જાદવ અને તેના બે બાળકો અભય અને માનવ એમ ત્રણેયને ગંભીર ઈજાઓ થતા તેઓને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી અભય જાદવ નામના બાળકનું મોત નીપજતાં પરિવારમાં આક્રંદ છવાયો છે. મૃતક અભય ધોરણ -6મા અભ્યાસ કરતો હોવાનું અને પરિવાર સાથે બાઈક પર ભાડલા ગામે ગેલમાના દર્શન કરવા ગયા હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.