નીડર અને સાહસિક પત્રકાર જ જે તે દેશ કે તે દેશની સરકારનું સ્પષ્ટ ચિત્ર જનતા સમક્ષ મૂકી શકે…. આવા જ એક ભારતીય મૂળના મહિલા પત્રકાર મેઘા રાજગોપાલનને તાજેતરમાં તેમની સાહસિકતા અને નિડરતાને કારણે પત્રકારત્વ ક્ષેત્રનો આંતરરાષ્ટ્રીય સર્વોચ્ચ એવોર્ડ એનાયત થયો છે. ચીનમાં તેણીએ મુસ્લિમો સાથે કરાતા ઘૃણાસ્પદ વ્યવહાર અને અત્યાચારની દયનીય સ્થિતિનો ચિતાર વિશ્વ સમક્ષ રજુ કરતા પુલિત્ઝર એવોર્ડથી નવાઝવામાં આવ્યા છે.
ઉઈગુર મુસ્લિમો પર ડ્રેગનના અત્યાચારનો પર્દાફાશ ઉપરાંત ઉત્તર કોરિયામાં પરમાણુ સંકટથી માંડી અફઘાનમાં શાંતિ માટે કામ કરનાર પત્રકાર મેઘા રાજગોપાલનને પત્રકારત્વ ક્ષેત્રનો સર્વોચ્ચ પુરસ્કાર એનાયત
પોતાના દેશમાં રહેતા અલ્પસંખ્યકો સાથે ડ્રેગન કેવું વર્તન કરે છે ? અહીં ઉઈગુર મુસ્લિમોની હાલત કેવી છે તેનો પર્દાફાશ મેઘા રાજગોપાલને કર્યો હતો. આ સમયે મેઘા દ્વારા ચીન જેવા દેશના કડવા સત્યને દુનિયાની સામે લાવવામાં જે હિંમત દાખવી તેની વિશ્વભરમાં પ્રશંસા કરવામાં આવી રહી હતી, હવે પત્રકારત્વના ક્ષેત્રમાં સૌથી મોટો એવોર્ડ ગણાતા પુલિત્ઝરને એવોર્ડ આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું છે.
જણાવી દઈએ કે ચીનના ઝિનજિયાંગ પ્રાંતમાં ઉઇગુર મુસ્લિમોની અટકાયત કરવા શિબિરો યોજાઈ રહી હતી. હજારો મુસ્લિમોને કબ્જામાં રખાયા હતા. આ નિર્દોષોને બહાર કાઢી ન્યાય અપાવવામાં મોટો ફાળો મેઘા રાજગોપાલનનો રહેલો. ચીને આ ઝિનજિયાંગ પ્રાંતમાં ગુપ્ત રીતે સેંકડો શિબિરો બનાવ્યા, જ્યાં ઉઇગુર મુસ્લિમો પર વિવિધ પ્રકારના ત્રાસ આપવાના અહેવાલો પ્રાપ્ત થયા પરંતુ રાજગોપાલનના આ અહેવાલોનો ચીને ઈનકાર કર્યો. આ શિબિરોમાં લાખો ઉઇગુર મુસ્લિમોને કેદમાં રાખવામાં આવ્યા, પરંતુ, મેઘાએ પોતાના અહેવાલમાં સેટેલાઇટ છબીઓનું વિશ્લેષણ કરીને ચીનને વિશ્વ સમક્ષ ખુલ્લું પાડ્યું અને તે કેવી રીતે લાખો ઉઇગુર મુસ્લિમોને પ્રાણીઓની જેમ ત્રાસ આપે છે તેનો પર્દાફાશ કર્યો.
લંડનમાં સ્થિત મેઘા રાજાગોપાલન ભારતીય મૂળના આંતરરાષ્ટ્રીય પત્રકાર છે. તે વાઝફિડ ન્યૂઝ સાથે સંકળાયેલ છે અને ખૂબ જ નાની ઉંમરે તેણીને પત્રકારત્વને કારણે પુલિત્ઝર પ્રાઇઝ પહેલા પણ ઘણા એવોર્ડ પણ એનાયત થયા છે. તે હાલમાં ચીન અને થાઇલેન્ડ તેમજ ઇઝરાઇલ અને પેલેસ્ટાઇનના વાઝફિડ ન્યૂઝ માટે પણ રિપોર્ટિંગ કરે છે. આ પહેલા તે ચીનમાં આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી રોઇટર્સની પોલિટિકલના પણ પત્રકાર રહી ચૂકયા છે. આટલા ટૂંકા ગાળામાં તેમણે પત્રકારત્વની દુનિયામાં જે સિદ્ધિ હાંસલ કરી છે તેનો અંદાજ એ પરથી લગાવી શકાય છે કે તે એશિયા અને મધ્ય પૂર્વના 23 દેશોમાંથી અહેવાલ આપી રહી છે જેમાં ઉત્તર કોરિયાના પરમાણુ સંકટથી લઈને અફઘાનિસ્તાનમાં શાંતિ પ્રક્રિયા સુધીનો સમાવેશ છે.