- જામનગરમાં શાકભાજીના ભાવમાં વધારો
- શાકભાજીના પાકની આવક આવક ઘટતાની સાથે ભાવ ઉંચકાયા
જામનગર ન્યૂઝ : શાકભાજીની આવક ઘટતાની સાથે ભાવ ઉંચકાયા છે. જેથી ગૃહિણીઓની ખરીદ શક્તિ પણ ઘટી છે.જામનગરમાં મોંઘવારીના માર વચ્ચે છેલ્લા અઠવાડિયાથી શાકભાજીના ભાવમાં 30 થી 35 જેવો જંગી વધારો નોંધાતા ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે. ઉનાળાને લઈ ઓફ સીઝન હોવાથી જોઈએ તેટલા શાકભાજીના પાકની આવક નથી આમ આવક ઘટતાની સાથે ભાવ ઉંચકાયા છે. જેથી ગૃહિણીઓની ખરીદ શક્તિ પણ ઘટી છે. અગાઉ જે દોઢ કિલોથી બે કિલો જેટલા શાકની ખરીદી કરતા હતા તેમાં હવે અડધો કિલો જેટલી ખરીદી કરી રહ્યા છે. કઠોળનું ચલણ પણ વધ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
શાકભાજીના હોલસેલ વેપારી કનૈયાલાલ લાલવાણીએ જણાવ્યું હતું કે જામનગરમાં મોટાભાગે મહારાષ્ટ્ર, અમદાવાદ શહેર અને સ્થાનિક બજારમાંથી બકાલાની આવક થતી હોય છે. પરંતુ હાલની સ્થિતિએ ઉનાળાના આકરા તાપને લઇને શાકભાજીનો પાક નિષ્ફળ નીવડ્યો છે. આ ઉપરાંત વરસાદને લઈને પાકમાં નુકસાની આવતી હોવાથી પાકનું ઉત્પાદન ઘટયું છે. શાકભાજી સ્થાનિક બજારમાં જ વહેંચાઈ જાય છે.અહીં સુધી પાક પહોંચતો નથી અને જે પણ શાકભાજી પહોંચે તે ગુણવત્તાની દ્રષ્ટિએ નબળું હોય છે.
પરિણામે હાલની દ્રષ્ટિએ શાકભાજીના ભાવ આસમાને જોવા મળી રહ્યા છે. આગામી સમયમાં પણ વરસાદના આગમનની સાથે જ ભાવ હજુ પણ ઉંચકાય તેવી ભીતિ જોવા મળી રહી છે. ગુવારની વાત કરીએ તો જે છેલ્લા દસ દિવસ અગાઉ 70 રૂપિયામાં વહેંચાતો હતો તેમાં હવે વધારો નોંધાયો છે અને ગુવાર નો ભાવ અત્યારે ₹120 થી 130 રૂપિયા જેવા પ્રતિ કિલોએ વહેંચાઈ રહ્યો છે સાથે જ ધાણાભાજીના ભાવ 120 રૂપિયાથી 150 રૂપિયા અને વટાણાના ભાવ પણ 125 રૂપિયાથી 135 રૂપિયા સુધીના બોલાઈ રહ્યા છે.70 રૂપિયા ટમેટા, કોબી 30 રૂપિયા ભાવ બોલતા ગૃહિણીઓમાં બોકાસો બોલી ગયો છે. તે જ રીતે ડુંગળીમાં પણ ગરમીને લઈ અને મોટાભાગના પાકમાં બગાડ જોવા મળી રહ્યો છે. આથી ડુંગળીના ભાવ પણ વધી રહ્યા છે જેથી મોંઘવારીનો માર મધ્યમ વર્ગને સહન કરવાનો વારો આવ્યો છે.
સાગર સંઘાણી