મોદી સરકારના આ નિર્ણયથી ૪૮.૪૧ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને ૬૨.૦૩ લાખ પેન્શનરોને મળતું મોંઘવારી ભથ્થુ ૧૨ ટકાએ પહોંચશે
મોંઘવારી ભથ્થામાં આ વધારો ૧લી જાન્યુ.થી અમલી બનશે : કર્મીઓને ટુંક સમયમાં એક માસનું એરિયર્સ ચુકવાશે
લોકસભાની ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે મોદી સરકારે તમામ વર્ગના મતદારોને રાજી રાખવા કમરકસી છે. તાજેતરમાં રજુ થયેલા વચગાળાના કેન્દ્રીય બજેટમાં ગરીબ, મધ્યમ અને તવંગર તમામ વર્ગોને રાહતો આપીને મોદી સરકારે વાહ વાહી મેળવી હતી. આ ફુલગુલાબી બજેટમાં ખેડુતો માટે વિવિધ યોજનાઓનો પ્રસ્તાવ લાવીને જગતના તાતને રાજી-રાજી કરી દેવામાં આવ્યા હતા જે બાદ દેશભરમાં ફેલાયેલા કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને ખુશ રાખવા કેન્દ્ર સરકારે તેમના મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં ગઈકાલે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓ દ્વારા લાંબા સમયથી થઈ રહેલી માંગણીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી જે બાદ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો કરવાનો નિર્ણય કરાયો હતો. આ ભથ્થા વધારી ૧લી જાન્યુઆરીની અમલમાં લાવવાનો પણ નિર્ણય કરાયો હતો. કેન્દ્ર સરકારના આ નિર્ણયની દેશભરના ૪૮.૪૧ લાખ કર્મચારીઓ અને ૬૨.૦૩ લાખ પેન્શનરો એમ કુલ ૧.૧ કરોડ કર્મીઓને બખ્ખા થઈ જશે.
કેન્દ્રીય કેબિનેટના આ નિર્ણય અંગેની માહિતી આપતા નાણામંત્રી અ‚ણ જેટલીએ જણાવ્યું હતું કે, હાલમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને ૯ ટકા મોંઘવારી ભથ્થુ મળે છે. તેમાં આ ૩ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જેથી કેન્દ્રીય કર્મીઓને હવે ૧૨ ટકાનું મોંઘવારી ભથ્થુ મળશે.
મોંઘવારી ભથ્થામાં થયેલો આ વધારો સાતમા પગારપંચમાં કરવામાં આવેલી ભલામણોને આધારે કરવામાં આવ્યો છે. આ ભથ્થામાં વધારો ૧લી જાન્યુઆરીથી કરવામાં આવ્યો હોય ગત માસનું એરીયર્સ ટુંક સમયમાં કર્મીઓને ચુકવવામાં આવશે. મોદી સરકારના આ નિર્ણયથી વર્ષ ૨૦૧૯-૨૦ના નાણાકીય વર્ષમાં સરકારી તિજોરીમાં રૂ.૯,૧૬૮,૧૨ કરોડ અને રૂ.૧૦,૬૯૬,૧૪ કરોડ કર્મચારી તથા પેન્શનરોને ચુકવવા પડશે.