રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા: માર્કેટ યાર્ડમાં મગફળી પલળી: પોલીસ છાવણી ધરાશાઈ
ગોંડલમાં ગઈકાલે સાંજે પાંચ કલાકે આકાશમાં વાદળો ઘેરાયાં બાદ ગાજવીજ અને મીની વાવાઝોડા સમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદથી કેટલાક રાજમાર્ગો પર પાણી ભરાયાં હતાં. જ્યારે માર્કેટ યાર્ડમાં મગફળનો જથ્થો પલળી ગયો હતો.ભારે પવનને કારણે માર્કેટ યાર્ડમાં સુકા મરચાનાં માંડવા ઉડી જતાં મરચાને નુકશાન થયું હતું. ગુંદાળા ચોકડી પર પોલીસ ચેકપોષ્ટની છાવણી ભારે પવનમાં ઉડીને ધરાશાયી બની હતી. ભોજરાજપરામાં એક રહેણાંક પર લગાવાયેલ સોલારની પેનલો પત્તાની માફક ફંગોળાઇ હતી. શહેરના કેટલાક વિસ્તારોમાં વૃક્ષોની તોતીંગ ડાળીઓ ધરાશાયી થવાં પામી હતી. અડધી કલાક ત્રાટકેલાં તોફાની વરસાદથી ગુલમહોર રોડ, મોંઘીબા સ્કુલ રોડ, કોલેજચોક, જમનાબાઇ હવેલી સહીતના વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. છેલ્લાં બે ચાર દિવસથી વરસાદી વાતાવરણ સર્જાતું હોવાં છતાં માર્કેટ યાર્ડમાં આગોતરા આયોજનના અભાવે મગફળીનો જથ્થો પલળી જતાં ખેડૂતોને નુકશાની ભોગવવી પડી હતી.ઉમવાડા ફાટક પર તાજેતરમાં અંદાજે ત્રણ કરોડના ખર્ચે બનાવાયેલ અંડરબીજમાં ગઇકાલે વરસેલા એક ઇંચ વરસાદથી પાણી ભરાતા ચોમાસા પહેલા જ કમોસમી વરસાદના તંત્રની પોલ ખુલી પડવા પામી હતી.