- વૈશાખમાં અષાઢી માહોલ જામ્યો
- ડાંગ આહવા અને મોરબીમાં અર્ધો ઇંચ વરસાદ: લાલપુર પાલીતાણા સહિતના વિસ્તાોરમાં સામાન્ય છાંટા: માવઠાથી જગતાતને પારાવાર નુકશાની
- ટંકારાના લક્ષ્મીનારાયણ મંદિરના નળીયા ઉડયા: અમરાપરમાં પતરા ઉડયા
સૌરાષ્ટ્ર સહિત રાજયના અનેક વિસ્તારોમાં ગુરુવારે સતત ચોથા દિવસે કમોસમી વરસાદ પડયો હતો. માવઠાના કારણે જગતાતને પારાવાર નુકશાની વેઠવાનો વારો છે. આજથી વાતાવરણ કલીયર થઇ જશે ગરમીનું જોર વધશે ગઇકાલે મોરબી જીલ્લાના ટંકારામાં ગાજવીજ સાથે દોઢ ઇંચ વરસાદ પડયો હતો જયારે ખાંભામાં પોણો ઇંચ વરસાદ વરસી ગયો હતો. ભારે પવનના કારણે અનેક સ્થળોએ વૃક્ષો અને બોર્ડ બેનરોનો સૌથ બોલી ગયો હતો. રાજયમાં ગઇકાલે માવઠા સાથે હિટવેવનો પ્રકોપ પણ જોવા મળ્યો હતો.
આજે સવારે પુરા થતા છેલ્લા ર4 કલાક દરમિયાન રાજયના 10 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઇ દોઢ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.
ટંકારામાં ગુરુવારે બપોરે મીની વાવાઝોડા જેવા માહોલમાં એક જ કલાકમાં 33 મીમી એટલે કે, સવા ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો અને તોફાની પવન અને કરા સાથે વરસાદ વરસતા લક્ષ્મીનારાયણ મંદિરના નળીયા ઉડી ગયા હતા સાથે જ અહીંની લક્ષ્મીકાંત કોટન જિનિંગ ફેકટરીના પતરા ઉડી જતા નુકશાન પહોંચ્યું હતું. શહેરમાં એક ઝાડ પણ તોફાની પવનમાં પડી ગયું હતું. અમરાપરમાં ભારે પવનના કારણે મરઘા ફાર્મના પતરા ઉડયા હતા.
અમરેલીના ખાંભામાં ગાજવીજ સાથે પોણો ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતો. ડાંગના આહવામાં 1ર મીમી, મોરબીમાં 10 મીમી, પોસીનામાં પ મીમી, લાલપુર અને વધઇમાં 4-4 મીમી, પાલીતાણા અને સુવીરમાં 2.2 મીમી વરસાદ પડયો હતો.
જામનગર કાળઝાળ ગરમી બાદ બપોર પછી એકાએક હવામાનમાં પલટો આવ્યો હતો. સમગ્ર દિવસ દરમિયાન 38.6 ડિગ્રી ગરમી પડી હતી, અને સાંજે પાંચેક વાગ્યે હવામાનમાં પલટો આવ્યા પછી ધૂળની ડમરી ઊડી હતી. શહેરના કેટલાક વિસ્તારોમાં તોફાની પવન અને ધૂળની આંધી સાથે વરસાદી ઝાપટાં પણ વરસ્યા હતા, ઉપરાંત લાલપુરના ગ્રામ્ય પંથકમાં ચાર મી.મી. વરસાદ નોંધાયો છે.
ધૂળની આંધી ઉડી હતી. પ્રતિ કલાકના 50 થી વધુ કિ.મી. ની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે કાગળ-કચરા આકાશમાં ઉડતા દેખાયા હતા. અને ઝાડની ડાળીઓ જુલવા લાગી હતી. વાહનચાલકોએ પણ થોડો સમય માટે વાહન ચલાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
જોકે થોડો સમય બાદ ધૂળની આંધી સમી ગઈ હતી. જેની સાથે સાથે જામનગર શહેરના કેટલાક વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતા. પરંતુ થોડો સમયમાં આકાશ ખુલ્લું થયું હતું, અને ફરીથી ઊકળાટ ભરેલુ વાતાવરણ જોવા મળ્યું હતું.
જામનગર શહેર બાદ લાલપુર પંથકમાં પણ બપોર પછી હવામાનમાં પલટો આવ્યો હતો, અને લાલપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ચાર મી.મી. જેટલો વરસાદ પડી ગયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. જે વરસાદને કારણે ખેડૂતોને ઉભા પાકમાં નુકસાની થઈ છે.