સમાન નાગરિકત્વ ધારો કોઈ ધર્મ કે સંપ્રદાય વિરોધી નહીં હોય : રાજનાથસિંહ

સમગ્ર દેશભરમાં સમાન નાગરિકત્વ ધારો અમલી બનાવવાનો વાયદો ભાજપે વર્ષ 2019 લોકસભા ચૂંટણીમાં તેના મેનિફેસ્ટો મારફત કર્યો હતો. ત્યારે સમાન નાગરિકત્વ ધારા અંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. રાજનાથસિંહે સોમવારે કહ્યું હતું કે, રામ મંદિર, આર્ટિકલ 370 અને ત્રણ કલાકની જેમ ભાજપ સરકાર સમાન નાગરિકત્વ ધારાના વાયદાને પણ પૂર્ણ કરવા કટિબદ્ધ છે.સોમવારે લખનઉ ખાતે ભાજપની રાજ્ય કક્ષાની બેઠકમાં રાજનાથ સિંહે કહ્યું હતું કે, અમે જેટલા પણ વાયદા કર્યા હતા તેમાંથી મોટાભાગના વાયદાઓ પૂર્ણ કર્યા છે. જેમ કે, અમે રામમંદિર નિર્માણની વાત કરી હતી ત્યારે ઘણા લોકોએ તેને હસીમાં નકારી કાઢી હતી પરંતુ અમે અમારી વાત પર અડગ રહ્યા અને અંતે અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કાર્ય શરૂ થયું. તેવી જ રીતે કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવા અને ત્રણ કલાકના નિયમને હટાવવાની વાત અમે કરી હતી તેને પણ અમે પૂર્ણ કરી ચુક્યા છીએ. હવે અમે સમાન નાગરિકત્વ ધારાને અમલી બનાવવા માટે ઘટતું કરવા કટિબદ્ધ છીએ.

રાજનાથસિંહે સ્પષ્ટતા કરી હતી કે, સમાન નાગરિકત્વ ધારો કોઈ ધર્મ કે સંપ્રદાય વિરુદ્ધ નહીં હોય. આ ધારો હિન્દુ, મુસ્લિમ કે ક્રિશ્ચન માટે નહીં હોય પરંતુ આ ધારો માનવ અને માનવતા માટે હશે અને અમારું રાજકારણ પણ માનવ અને માનવતા આધારિત છે. રાજનાથસિંહે ઉમેર્યું હતું કે, અમે કરેલા વાયદાઓ જો પૂર્ણ ન કરી શકીએ તો એ પ્રજાએ મુકેલા વિશ્વાસ સાથે વિશ્વાસઘાત જેવું થશે અને ભાજપ પ્રજા સાથે વિશ્વાસઘાત કરવામાં ક્યારેય માનતી નથી. ભાજપે વર્ષ 2014માં કરેલા વાયદાઓ પૂર્ણ કર્યા એટલા માટે જ વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ફરી એકવાર પ્રજાએ વિશ્વાસનો મત આપી ભાજપને સરકાર બનાવવાની તક આપી. જ્યારે અટલજી જન સંઘના પ્રમુખ હતા ત્યારે કોઈને પણ કલ્પના નહીં હોય કે જનસંઘ દિલ્હીમાં સરકાર બનાવશે. તે સમયે અમે ઉક્તિ આપી હતી કે, ’ચપ્પા ચપ્પા ભાજપા’ અને આજે આ ઉક્તિ સાર્થક થઇ છે, દેશના ખૂણે ખૂણામાં ભાજપની સત્તા છે.

રાજનાથસિંહે ઉમેર્યું હતું કે, વર્ષ 1980માં ભાજપે ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની આઠ બેઠકો જીતી અને કલ્યાણસિંહની આગેવાની હેઠળ ઉત્તર પ્રદેશમાં સરકાર બની, ’જબ ઢાંચા ગીરા તબભી ભાજપ કી સરકાર થી ઔર જબ મંદિર કી શરૂઆત કોઈ તબભી ભાજપ સરકાર હૈ’ તે કહેતાં રાજનાથસિંહે પરોક્ષ રીતે સંકેત આપ્યું હતું કે, ભાજપ જે વાયદાઓ કરે છે તે પૂર્ણ પણ કરે છે અને સમાન નાગરિકત્વ ધારો ચોક્કસ ટૂંક સમયમાં અમલી બની શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.